અમારા જોગી: નિસ્ડન મંદિરે પ.પૂ. યોગીજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી

Tuesday 16th May 2023 15:32 EDT
 
 

લંડનઃ નિસ્ડન સ્વામિનારાયણ મંદિરે મંગળવારે હરિભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં પ.પૂ. યોગીજી મહારાજની જન્મ જયંતીની ઉમંગ-ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. આ વર્ષે યોગીજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી પ.પૂ. મહંત સ્વામી મહારાજની નિશ્રામાં થઇ રહી હોવાથી હરિભક્તોમાં અનેરો ઉત્સાહ પ્રવર્તતો હતો. ઉજવણીની થીમ હતી ‘અમારા જોગીઃ બિયોન્ડ ધ સ્માઈલ’. મંચ પર ભજવાયેલી નાટ્યકૃતિની સાથે પ્રત્યક્ષદર્શીઓના આંખે દેખ્યા પ્રસંગો પણ વણી લેવાયા હોવાથી રજૂઆતે હરિભક્તોની ભરપૂર પ્રશંસા મેળવી હતી.
ભગવાન સ્વામિનારાયણના ચોથા આધ્યાત્મિક વારસદાર યોગીજી મહારાજ તેમના ધૈર્યની સાથે સાથે રમતિયાળ સ્વભાવ માટે પણ જાણીતા હતા. પ.પૂ. મહંત સ્વામી મહારાજના ગુરુ એવા યોગીજી મહારાજે અક્ષર પુરુષોત્તમની ફિલસૂફીને ભારતની બહાર છેક આફ્રિકા અને લંડન સુધી પહોંચાડી હતી. તેઓ સંસ્થાની બાળપ્રવૃત્તિ અને યુવાપ્રવૃત્તિના સ્વપ્નદ્રષ્ટા, પ્રેરણાદાતા હતા. તેમના હકારાત્મક અભિગમ અને મોહક સ્મિતે હજારો લોકોના દિલ જીતી લીધા હતા.
ફેમિલી દિન: ઘરેબેઠાં સત્સંગ
નિસ્ડન સ્વામિનારાયણ મંદિર ખાતે શનિવાર - 13 મેના રોજ પ.પૂ. મહંત સ્વામી મહારાજની નિશ્રામાં પરિવારો સાથે સમય પસાર કરવાના અને આધ્યાત્મિક પ્રગતિ હાંસલ કરવાના નવતર ઉપાયો રજૂ કરતો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ‘સત્સંગ એટ હોમઃ અ ન્યૂ વે, સ્વામીસ વે’ નામથી યોજાયેલા ધ ફેમિલી દિન કાર્યક્રમમાં પરિવારના સભ્યો ઘરે બેસીને કઇ રીતે સત્સંગ પ્રવૃત્તિમાં સામેલ થઇ શકે તેની રસપ્રદ રજૂઆત પ્રવચનો, વીડિયો તેમજ સ્વામીઓ તથા બાળકો - યુવાનો અને વડીલો સાથે વાતચીતના માધ્યમથી કરાઇ હતી.
સ્વામીઓએ આજના પરિવારો કેવા પ્રશ્નો અને પડકારોનો સામનો કરી રહ્યા છે તેની વિશદ્ છણાવટ સાથે સત્રનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં તેમણે જુદા જુદા સાધનોના ઉપયોગથી કૌટુંબિક વાતચીત અને વ્યક્તિવિકાસ પર થતી સંભવિત હાનિકારક અસરો અને પરિવાર સાથે સમય વીતાવવા તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાના મુદ્દા આવરી લીધા હતા.
આ સભામાં પ.પૂ. મહંત સ્વામી મહારાજની પધરામણીને હરિભક્તોએ ઉત્સાહભેર વધાવી લીધી હતી. આ કાર્યક્રમ મધ્યભાગમાં નાટકમાં પરિવર્તિત થયો હતો અને તેના પ્રારંભે પ.પૂ. મહંત સ્વામી મહારાજ સદગુરુ ત્યાગવલ્લભદાસ સ્વામી તથા અન્ય સ્વામીઓ સાથે એક પરિવારના ઘરે પધરામણી કરતાં હોય તેવું દર્શાવાયું હતું. આ પછી વાર્તાલાપના માધ્યમથી દૈનિક સત્સંગ સમયના ભાગરૂપે સપ્તાહ દરમિયાન સત્સંગ સાહિત્યના વાચનથી લઇને ઘરસભા અંગેની જાણકારી અપાઇ હતી. આ દૈનિક પ્રવૃત્તિઓનું સ્વામીશ્રીએ વારાફરતી અનાવરણ કર્યું હતું. સાથોસાથ આ દરેક પ્રવૃત્તિમાંથી પરિવારો કઇ રીતે મહત્તમ લાભ લઇ શકે તે મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું.
મહિલા દિનઃ ભગવાન અને ગુરુ સાથેનું દૈવીય બંધન
નિસ્ડન મંદિર ખાતે શનિવાર - 13 મેના રોજ મહિલા દિન મનાવવામાં આવ્યો હતો. જેમાં સ્ત્રી ભક્તો અને ભગવાન તથા ગુરુ વચ્ચેના દૈવીય બંધનની નાટક, નૃત્ય અને કીર્તનના માધ્યમથી રજૂઆત કરાઇ હતી. પ.પૂ. મહંત સ્વામી મહારાજની સવારની પૂજા દરમિયાન મહિલાઓ વતી કરાયેલી પ્રાર્થના સાથે મહિલા દિન કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. જેમાં સત્પુરુષ સાથેના આધ્યાત્મિક જોડાણથી કઇ રીતે મહિલાઓનો જીવનભર વિકાસ થતો રહે છે તે દર્શાવાયું હતું. આ પ્રસંગે મહિલાઓએ વીડિયો પ્રેઝન્ટેશન અને પેનલ ડિસ્કશનના માધ્યમથી યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની સ્મૃતિઓને તાજી કરીને ગુરુઓ સાથેના આધ્યાત્મિક બંધનને વધુ સુદૃઢ બનાવ્યું હતું.
કાર્યક્રમનું સમાપન સહુ કોઇ માટે આજીવન સંભારણું બની રહે તેવું હતું. જેમાં એવો વીડિયો દર્શાવાયો હતો કે પ.પૂ. મહંત સ્વામી મહારાજ એક દીવાને સ્પર્શ કરે છે અને તેની સાથે સાથે જ એસેમ્બલી હોલમાં પણ એક દીવડો ઝળહળી ઉઠે છે. આ દીપ પ્રાગટ્ય થકી ભક્તોને પ્રતીકાત્મક સંદેશ અપાયો હતો કે પ.પૂ. મહંત સ્વામી મહારાજ તેમનું જોડાણ કોઇ મર્યાદાઓ કે ભૌગોલિક અંતરમાં બંધાયેલું નથી.
મહંત સ્વામી મહારાજના એક દીવાને સ્પર્શ કરતા એક વીડિયો જે એસેમ્બલી હોલની અંદર એક સાથે એક દીવાને પ્રકાશિત કરે છે તે પ્રસંગને એક યાદગાર સમાપન પૂરું પાડે છે - ભક્તોને પ્રતીકાત્મક સંદેશ આપે છે કે તેમની સાથેનું તેમનું જોડાણ સીમાઓ અથવા ભૌતિક અંતરથી સીમિત નથી.

પૂ. મહંત સ્વામી મહારાજની નિશ્રામાં...

• 19 મે: બ્રિટિશ હિંદુ યોગદાનની ઉજવણી (સાંજે 5.30થી 8.00)
• 20 મેઃ પૂજા દર્શન (સવારે 6.00થી 7.30)
• 20 મેઃ યુવક-યુવતી દિન - બ્રહ્મનાદ (સાંજે 5.30થી 8.00)
• 21 મેઃ પૂજા દર્શન (સવારે 6.00થી 7.30)
• 21 મેઃ સંયુક્ત દિન - કેવા મોટા ભાગ્ય (સાંજે 5.30થી 8.00)
• 23 મેઃ પૂજા દર્શન અને દિક્ષા મહોત્સવ (સવારે 6.00 થી 7.30)
• 23 મેઃ મહિલા ભક્તિ દિન (સવારે 10.00થી 12.00)
• 24 મેઃ પૂજા દર્શન (સવારે 6.00થી 7.30)
• 24 મેઃ સેલિબ્રેટિંગ કોમ્યુનિટી (સાંજે 5.30થી 8.00)
• 25 મેઃ પૂજા દર્શન (સવારે 6.00થી 7.30)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter