અમેરિકાથી 40 હજાર, યુકે-યુરોપથી 10 હજાર સહિત કુલ 85 હજાર NRI શતાબ્દી મહોત્સવમાં પહોંચ્યા

Friday 13th January 2023 05:09 EST
 
 

અમદાવાદ: પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં દરરોજ એક લાખથી વધુ જ્યારે શનિવાર અને રવિવારના દિવસે 2 લાખથી વધુ લોકો નગરની મુલાકાતે આવે છે. શતાબ્દી મહોત્સવમાં આઠમી જાન્યુઆરી સુધીમાં 85 હજારથી વધુ વિદેશવાસી ભારતીયો (એનઆરઆઇ) આવી ચૂક્યા છે, જેમાં સૌથી વધુ 40 હજાર અમેરિકા-કેનેડાથી, આફ્રિકા અને યુકે-યુરોપથી 10-10 હજાર અને ગલ્ફ દેશોમાંથી પણ 5 હજારથી વધુ વિદેશવાસી ભારતીયો આવ્યા છે અને મહોત્સવનું સમાપન થતાં સુધીમાં વિદેશથી હજુ 25 હજારથી વધુ લોકો આવવાનો અંદાજ છે. આ ઉપરાંત ઘણા એનઆરઆઈ નાગરિકો એવા પણ છે જેઓ રજિસ્ટ્રેશન વગર પણ મહોત્સવમાં પહોંચી રહ્યા છે.
આ ઉપરાંત નગરમાં 600 લોકો આફ્રિકાથી, 150થી વધુ લોકો યુએસએથી, 100થી વધુ લોકો યુકે અને યુરોપના દેશોમાંથી તેમજ અન્ય દેશોના મળી 1000થી વધુ લોકો અહીં સ્વયંસેવક તરીકે સેવા આપી રહ્યા છે.
વિદેશથી આવતા નાગરિકોમાં સૌથી વધુ સંખ્યા ગુજરાતના વતનીઓની છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યના અનુયાયીઓ પણ આ મહોત્સવમાં આવી રહ્યા છે. તો વિદેશી મૂળના નાગરિકો પણ પાછળ નથી અને તેઓ પણ મોટી સંખ્યામાં મહોત્સવમાં ભાગ લેવા અમદાવાદ પહોંચી રહ્યા છે.
15 ડિસેમ્બરે મહોત્સવ શરૂ થયો તે પહેલાં જ એટલે કે 14 ડિસેમ્બર સુધી લગભગ 68 હજાર લોકોએ સત્તાવાર રજીસ્ટ્રેશન કરાવી લીધું હતું. ત્યારબાદ મહોત્સવ શરૂ થતા ત્રણ દિવસમાં 12 હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. એ જ રીતે નાતાલની રજાઓ શરૂ થયા બાદ મોટી સંખ્યામાં લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter