અમેરિકાના ફ્લોરિડામાં સાકાર થશે અનુપમ મિશનનું શિખરબદ્ધ નૂતન મંદિર

Friday 16th October 2026 07:47 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના ફ્લોરિડા રાજ્યના લેકલેન્ડ ખાતે અનુપમ મિશન-યુએસએ દ્વારા છેલ્લા 14 વર્ષથી મંદિરના માધ્યમથી સત્સંગ, સંસ્કારસિંચન, યુવા પ્રવૃત્તિઓ, વડીલોની સંભાળ તેમજ સેવા-ભક્તિ સહિતની વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓનું નિયમિત આયોજન કરાય છે. મર્યાદિત સગવડ છતાં, સંત ભગવંત સાહેબદાદાની પ્રેરણાથી નીલેશભાઈ મણિભાઈ (ચેકર)ના નેતૃત્વમાં આ કેન્દ્ર દ્વારા સુંદર સેવાકાર્યો થઈ રહ્યાં છે. હવે આ પ્રવૃત્તિઓને વધુ વ્યાપક બનાવવા અને ભાવિ પેઢીમાં ધર્મ, સંસ્કાર તથા આધ્યાત્મિકતાનાં મૂલ્યોનું સિંચન કરવા માટે આધુનિક સગવડોથી સજ્જ શિખરબદ્ધ મંદિરનું નિર્માણ હાથ ધરાયું છે.
આ પાવન મંદિરના શિલાન્યાસ નિમિત્તે 23થી 25 ઓક્ટોબર દરમિયાન ત્રિદિવસીય ધાર્મિક અને આધ્યાત્મિક મહોત્સવનું આયોજન કરાયું છે. આ પ્રસંગ માત્ર મંદિરના નિર્માણનો પ્રારંભ જ નહીં, પરંતુ અમેરિકામાં વસતા ભારતીય સમાજમાં ધર્મ, સંસ્કાર, એકતા અને સેવાભાવને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ સોપાન બની રહેશે.
અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના 242મા પ્રાગટ્યમંગલ મહોત્સવ તથા શરદ પૂર્ણિમાના પવિત્ર અવસરને સાંકળીને યોજાનારા આ મહોત્સવમાં સદગુરુ સાધુ અશ્વિનદાદા અને અનુપમ મિશનના વડીલ સંતોની પાવન ઉપસ્થિતિ અને આશીર્વાદ પ્રાપ્ત થશે.
મહોત્સવનો પ્રારંભ 23 ઓક્ટોબરે સાંજે સત્સંગ સભાથી થશે. 24 ઓક્ટોબરે અન્નકૂટ ઉત્સવ યોજાશે. જ્યારે રવિવાર, 25 ઓક્ટોબરે સાંજે શ્રી સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસ પૂજાવિધિ અને રાત્રે 8 વાગ્યે શરદ પૂર્ણિમા ગરબાનું આયોજન થશે.

આ પવિત્ર પ્રસંગે મંદિરના શિલાન્યાસ સાથે અમેરિકામાં વસતા ભારતીય સમાજમાં ધર્મ, સંસ્કાર, આધ્યાત્મિકતા અને ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોને વધુ સુદૃઢ કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવશે. શરદ પૂર્ણિમાના ઉત્સવ સાથે ભક્તિ અને સાંસ્કૃતિક પરંપરાનો સુંદર સમન્વય પણ જોવા મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter