આ દેશે આપણને ઘણું આપ્યું છે કે તેનું ખરું શ્રેય રાજમાતાને જાય છેઃ

અનુપમ મિશન ખાતે મહારાણીને શ્રદ્ધાંજલિ અર્પતા પૂ. સાહેબજી

Wednesday 14th September 2022 06:31 EDT
 
 

લંડનઃ બ્રિટનનાં લોકપ્રિય, સદાચારી અને પ્રેમાળ મહારાણી એલિઝાબેથ-દ્વિતીયને શ્રદ્ધાંજલિ અર્પવા રવિવારે અનુપમ મિશન-ડેન્હમની તપોભૂમિ બ્રહ્મજ્યોતિ પર પરમપૂજ્ય સાહેબજીની નિશ્રામાં કાર્યક્રમ યોજાયો હતો. અનુપમ મિશન અને ONCE UPON A TIME 50 YEARS AGO ગ્રૂપ દ્વારા સંયુક્તપણે આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં ઈંગ્લેન્ડના ભારતીય મૂળના શ્રેષ્ઠીઓએ મોટી સંખ્યામાં હાજરી આપીને મહારાણીનાં સત્કાર્યોને બિરદાવીને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે સન 1972માં આફ્રિકાથી ભારતીયોને જ્યારે અચાનક બધું છોડીને નીકળી જવાનું થયું તે સમય ઈંગ્લેન્ડના દરવાજા ખુલ્લા મુકીને મહારાણી મહામહિમ એલિઝાબેથ-દ્વિતીયે સૌને આવકાર્યાં અને ઈંગ્લેન્ડમાં સૌને રહેઠાણ અને વિકાસની તકો પૂરી પાડી તે માટે આજે પણ સૌ ભારતીયો તેઓના ખૂબ આભારી છે. આ વાતનો તમામ મહાનુભાવોએ સવિશેષ ઉલ્લેખ કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભે નારાયણભાઈ દ્વારા શ્રી હનુમાન ચાલીસાનું ગાન કરાયું હતું જ્યારે અનુપમ મિશનના સંતો દ્વારા ‘શ્રી અષ્ટોત્તરશત્ હરિનામ’ સ્ત્રોતનું ગાન કરાયું હતું. સભાનો પ્રારંભ પરમપૂજ્ય સાહેબજીના આશીર્વાદથી થયો. આ પ્રસંગે સર્વશ્રી મયૂર માધવાણી, લોર્ડ ડોલર પોપટ, લોર્ડ રેમી રેન્જર, યુગાન્ડાના વિદેશ પ્રધાન જેડે ઓડોંગો, યુ.કે.માં યુગાન્ડાના હાઈકમિશનર નિમિષાબહેન માધવાણી, સંજયભાઈ જગતિયા, પ્રજ્ઞા હેય, હરિશ જોષી, મુન્ના ચૌહાણ, હર્ષદ મોઢા ઉપરાંત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજય રૂઘાણી અને ભાવિશાબહેન દ્વારા કરાયું હતું.
સાહેબજીએ મહારાણી એલિઝાબેથ દ્વિતીયને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું કે, તેમણે પોતાના સંતાન જેટલો પ્રેમ આપણને સૌને આપ્યો છે. સિંચન કર્યું છે, સાચવ્યાં છે. તેમાંય વિશેષ કરીને યુગાન્ડાવાસીઓ કે જેમણે 1972માં રાતોરાત યુગાન્ડા છોડીને નીકળવાનું થયું ત્યારે ખરેખર ગજબ થઈ ગયો કે આપણે હવે ક્યાં જઈશું? તેની કોઈને કશી ખબર નહોતી પડતી. એવા સંજોગોમાં રાજમાતાએ ઈંગ્લેન્ડની ધરતી પર સરકાર દ્વારા આપણને સૌને આવકાર્યાં, સ્વીકાર્યાં એટલું જ નહીં. પણ આપણે સુખેથી પોતાની રીતે ભણીગણીને સેટલ થઈએ, જે પ્રાપ્ત કરવું હોય તે કરી શકીએ, એટલી બધી આપણને તક આપી અને આપણા માટે પ્રેમ વરસાવ્યો, ખરેખર એનું ઋણ આપણે કદી અદા નહીં કરી શકીએ. એટલું અદભૂત કામ આપણા સૌ માટે તેમણે કર્યું છે.
પૂ. સાહેબજીએ કહ્યું હતું કે રાજમાતા પોતે પ્રોટેસ્ટન્ટ ધર્મના ધર્મગુરુ હોવા છતાં પણ તેમણે દરેક ધર્મને આવકાર આપ્યો છે. દરેક ધર્મને સત્સંગની પ્રવૃત્તિ કરવાની, મંદિર બાંધવાની છૂટ આપી છે, દરેક ધર્મને સપોર્ટ કર્યો છે, દરેક ધર્મગુરુને આવકાર આપ્યો છે. ધર્મની રીતે સ્વતંત્રતા આપી છે. ભણીગણીને તમારી રીતે તમારી મહેનતથી તમારે જે કાંઈ એચિવ કરવું હોય તે કરવા સ્વતંત્રતા આપી છે. એ આ દેશની વિશેષતા છે! એ માટે મોટામાં મોટા આભાર રાજમાતાનો છે.
તેમણે કહ્યું હતું કે આ દેશે આપણને ઘણું આપ્યું છે કે તેનું ખરું શ્રેય રાજમાતાને જાય છે. તેમના શાસનકાળ દરમિયાન આ દેશમાં ઘણી બધી રાજકીય, સામાજિક, આર્થિક ઉથલપાથલો થઇ, ખૂબ ખળભળાટ થયો, પણ તે દરમિયાન તેમણે સ્થિરતા અને સમતા રાખીને સૌને ખૂબ પ્રેમ આપ્યો છે, એવાં રાજમાતા માટે આપણે સહુ ભેગાં થઇને પ્રાર્થના કરીએ.
રાજમાતા માટે આપણે પ્રાર્થના કરીએ કે, ભગવાનના ધામમાં તેમનો આત્મ પરમ શાંતિ અને પરમ સુખે પ્રાપ્ત કરે! નવા દેહે પાછાં આપણી સાથે આવે અને આપણી સાથે આનંદ કરે અને કિંગ ચાર્લ્સ તૃતીય આપણા સૌ માટે રાજમાતાથી સવાયા બની રહે તેવી પ્રભુને પ્રાર્થના કરીએ!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter