નવરાત્રીનું મહત્ત્વ ગુજરાતીઓ સારી રીતે જાણે છે અને તેમાં ગરબે ઘુમવા વર્ષભરથી આતુર રહે છે. યુકેમાં લોકોની આ જ આતુરતાને જોતાં ઓમ ઇવેન્ટ્સ દ્વારા ધ વિલોઝ, ફોરેસ્ટ રોડ ઇલ્ફર્ડમાં 9 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર દરમિયાન યુનાઇટેડ રાસ 2.0નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આકાંક્ષા શાહ અને તેમની ટીમ હાજર સૌકોઈને માતાજીના પરંપરાગત અને ફ્યુઝન ગરબા દ્વારા ડોલાવશે.
ઉલ્લેખનીય છે કે ઓમ ઇવેન્ટ્સ દ્વારા ગુજરાતી સમાજને એકત્ર કરવા અને હિન્દુ રીતિ-રિવાજોના હૃદયમાં ધબકતા રહે તે આશયથી આ વર્ષે પ્રથમ વખત ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ઓમ ઇવેન્ટ્સના દેવીશાબહેને જણાવ્યું કે, અહીં આમ તો ગરબાનાં અનેક આયોજન થાય છે, પરંતુ સિક્યોરિટી પર્પઝથી અનેક સ્થળે બાળકોને ગરબીમાં સામેલ થવા દેવામાં આવતાં નથી, જેને જોતાં બાળકો પણ ગરબાની મજા માણી સંસ્કૃતિ સાથે જોડાઈ રહે તે આશયને ધ્યાનમાં રાખીને અમારા દ્વારા યુનાઇટેડ રાસ 2.0નું આયોજન કરવામાં આવ્યું છે. અમને અમારા આયોજનમાં સ્થાનિક કાઉન્સિલર અને એમપી દ્વારા પણ ખૂબ સપોર્ટ કરવામાં આવ્યો છે. આ સિવાય ગુજરાતી સમાજના અનેક લોકો અમારી પડખેને પડખે રહ્યા છે.


