મોરબીઃ સિરામિક નગરીની ઓળખ ધરાવતા મોરબી શહેરમાં સાકાર થયેલા ભવ્ય બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું રવિવારે સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થયું હતું. આ પ્રસંગે યોજાયેલી ઉત્સવસભામાં ઉપસ્થિત વિશાળ સંતવૃંદ અને હજારો હરિભક્તોને આશીર્વાદ આપતા પૂ. મહંત સ્વામી મહારાજે કહ્યું હતું કે, આ મંદિર તમારા બધાનું છે. અહીં જે કોઈપણ દર્શને આવશે, તે તન, મન, ધનથી સુખી થશે એવી પ્રાર્થના છે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, સિરામિક નગરી મોરબી હવે સ્પિરિચ્યુઅલ સિટી તરીકે ઓળખાશે.
મોરબીમાં મચ્છુ નદીના કાંઠે વિશાળ જગ્યામાં નવનિર્મિત ભવ્ય શિખરબદ્ધ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા અને લોકાર્પણ સમારોહ દિવ્યતા અને ભવ્યતા સાથે સંપન્ન થયો હતો. શરદપૂર્ણિમાના પવિત્ર પર્વ અને ગુણાતીતાનંદ સ્વામીના પ્રાગટ્ય દિને યોજાયેલા આ મહોત્સવમાં 25,000થી વધુ ભાવિક ભક્તો ઉમટી પડયા હતા.
પ.પૂ. મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે નૂતન મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વિધિ બાદ યોજાયેલા લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત રાજ્ય સરકારના મંત્રીઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના વડા અને રાજ્યના સુકાનીની વિશેષ ઉપસ્થિતિમાં સાંજના સમયે ધૂન, કીર્તન અને મહાઆરતી સાથે નૂતન મંદિરને દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરના ઔદ્યોગિક વિકાસની સાથે સાથે આધ્યાત્મિક વારસાના જતન, સામાજિક ઉત્કર્ષ અને વ્યસનમુક્તિના કાર્યો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સિરામિક સિટી તરીકે જગવિખ્યાત મોરબી હવે સ્પિરિચ્યુઅલ સિટી તરીકે ઓળખાશે. વર્ષ 2001માં મચ્છુ નદીના કાંઠે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કરેલો મંદિર નિર્માણનો સંકલ્પ આજે પૂર્ણ થયો છે.
મુખ્યમંત્રીએ બીએપીએસ સંસ્થાની પ્રશંસા કરતા કહ્યું કે આ સંસ્થા વસુધૈવ કુટુંબકમની ભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિશ્વ મંચ પરથી આ સંસ્થાના કાર્યો અને યોગદાનની સરાહના કરી છે. મુખ્યમંત્રીએ વિકસિત ભારતના વિઝનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે રાષ્ટ્રના વારસાનું સન્માન અને આત્મસન્માનની ભાવનાથી જ દેશ પ્રગતિ કરી શકે છે. તેમણે ઉપસ્થિત લોકોને પાણી બચાવવા, સ્વચ્છતા, વોકલ ફોર લોકલ અને પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી હતી.
આ પ્રસંગે મહંતસ્વામી મહારાજે આશીર્વચન આપતા જણાવ્યું હતું કે આ મંદિર સૌનું છે. અહીં દર્શનાર્થે આવનાર દરેક વ્યક્તિ તને, મને અને ધને સુખી થાય તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. પ.પૂ. મહંત સ્વામી મહારાજે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેવા બદલ મુખ્યમંત્રી પ્રત્યે ખાસ આભારની લાગણી પણ વ્યક્ત કરી હતી.
ધૂન-કિર્તન અને આરતી સાથે શરૂ થયેલા આ સમારોહમાં પૂજ્ય આદર્શજીવન સ્વામીએ ‘ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર’ અને મંદિર પ્રતિષ્ઠાનું મહાત્મ્ય વિષયક વક્તવ્યથી સૌને લાભાન્વિત કર્યા હતા. નમતી સાંજે પ.પૂ. મહંત સ્વામી મહારાજ સાથે મુખ્યમંત્રીનું મંચ પર આગમન થતાં જ આ મંદિરને વિધિવત્ આમ જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ પછી મંચ ઉપર ઉપસ્થિત મુખ્યમંત્રી ઉપરાંત મંત્રીઓ અને મહાનુભાવોને પણ હારતોરા અને સ્મૃતિભેટ સાથે સન્માનવામાં આવ્યા હતા.
આ અવસરે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વિદ્વાન અને વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ આજના પ્રસંગને અનુરૂપ વક્તવ્યથી શ્રોતાઓને લાભાન્વિત કરી આ મંદિર નિર્માણમાં રહેલા હરકોઈના યોગદાનને બિરદાવ્યું હતું.
આ ઉત્સવ સભામાં સદગુરુ પૂજ્ય વિવેકસાગરદાસ સ્વામીએ મોરબીના ‘મંદિરનો ઇતિહાસ’, પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામીએ ‘ગુણાતીત સંતનું અખંડ પ્રાગટ્ય’ વિષયક પ્રસંગને અનુરૂપ વક્તવ્યથી લાભાન્વિત કર્યા હતા. બાળકો અને યુવાનોએ પણ ભક્તિનૃત્ય અર્પણ કરી ગુરુહરીના ચરણે ગુરુ ભક્તિ અદા કરી હતી. સાથે સાથે આજના ઉત્સવના યજમાનો આ સમારોહની તૃતીય અને ચતુર્થ આરતીમાં પણ સંમેલિત થયા હતા.
ઉત્સવના અંતિમ ચરણમાં સદગુરુવર્ય પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ આ મંદિરના નિર્માણમાં રહેલા અનેક ભક્તોના યોગદાનને યાદ કર્યું અને ખાસ કરીને ચુડાસમા પરિવાર અને નિર્માણમાં સહયોગી એવા મહાનુભાવોનું પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામીએ અભિવાદન કર્યું હતું. ઉત્સવસભાના અંતમાં પંચમ આરતીમાં તમામ શ્રોતાજનોએ કુલ 25 હજાર દિવડાઓ સાથે સમૂહમાં આરતી ઉતારી હતી.
મોરબી મંદિરની વિશેષતાઓ
• આ મંદિરની લંબાઈ 203 ફૂટ, પહોળાઈ 130 ફૂટ, ઊંચાઈ 83 ફૂટ તેમજ કુલ મંદિરનું કેમ્પસ 8 એકરની વિશાળ જગ્યામાં પ્રસરાયેલું છે.
• મંદિર નિર્માણ માટે બંસી પહાડપૂરનો ગુલાબી તેમજ લાલ પથ્થર અને અંબાજીના સફેદ માર્બલ મળી કુલ 75,600 ઘનફૂટ પથ્થરનો ઉપયોગ થયો છે.
• સાથે સાથે મંદિરમાં કુલ 5 ગર્ભગૃહમાં વીરાજીત 17 મૂર્તિઓ અને સંપૂર્ણ મંદિરમાં અવતારો, દેવો, દેવીઓ, સંતરત્નો એમ કુલ મળીને 1000 મૂર્તિઓ દર્શન આપી રહી છે.
• મંદિરના અગ્ર ભાગમાં 5 ફૂટ પહોળા 12 ફૂટ લાંબા અને કુલ 18 ફૂટની ઊંચાઈ ધરાવતા ભગવાન સ્વામિનારાયણ રોજા ઘોડા ઉપર શોભી રહ્યા છે.
• મંદિરના પ્રથમ ખંડમાં શ્રી રાધાકૃષ્ણ ભગવાન, મધ્ય ખંડમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને અક્ષરબ્રહ ગુણાતીતાનંદ સ્વામી (અક્ષરપુરુષોત્તમ દર્શન) અને ત્રીજા ખંડમાં ભગવાન સ્વામિનારાયણના બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ વીરાજીત થયા છે.
• અન્ય ખંડમાં ભગવાન શ્રી રામચંદ્રજી, માતા સીતા અને શ્રી હનુમાનજી તેમજ બીજા ખંડમાં ભગવાન શિવજી, માતા પાર્વતી અને શ્રી ગણપતિજી સૌને દર્શન દઈ રહ્યા છે.
• મંદિર નીચેના પોડિયમમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું યુવાસ્વરૂપ શ્રી નીલકંઠવર્ણી મહારાજ તેમજ ગુણાતીત ગુરુઓ પૂજ્ય ભગતજી મહારાજ, પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય યોગીજી મહારાજ, પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પધરાવવામાં આવ્યા છે.


