આચરણમાં પારદર્શક અને સદાય ચિંતન-મનનમાં રત જાગૃત સન્યાસી

SGVPના અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામીના 75 વર્ષની છારોડીના આંગણે મંગલ ઉજવણી

Tuesday 03rd March 2026 07:53 EST
 
 

અમદાવાદ: શહેરના છારોડીસ્થિત વિખ્યાત શિક્ષણસંસ્થાન શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP)ના અધ્યક્ષ અને સનાતન સંસ્કૃતિના પ્રખર ઉદ્ઘોષક પ.પૂ. ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના જીવનના 75 વર્ષ પૂર્ણ થતા રવિવારે એક ભવ્ય અને ઐતિહાસિક ‘અમૃતવંદના મહોત્સવ’ ઉજવાયો હતો.
સેવા, સાધના અને સંસ્કૃતિ રક્ષણ માટે સમર્પિત સ્વામીજીના આ ‘અમૃતવંદના પર્વ’ પર આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આચાર્ય મહામંડલેશ્વર અવધેશાનંદગિરિજી મહારાજ, સદગુરુ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, સ્વામી પરમાત્માનંદ સરસ્વતી, સદગુરુ જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી (ગાંધીનગર), શાસ્ત્રી નૌતમપ્રકાશદાસજી સ્વામી (વડતાલ) સહિતના અનેક રાજકીય અને ધાર્મિક મહાનુભાવોએ મંચની શોભા વધારી હતી. કાર્યક્રમનો પ્રારંભ ભગવત્ પૂજન અને ઋષિકુમારોના વેદ મંત્રોચ્ચાર સાથે અત્યંત ભક્તિમય વાતાવરણમાં થયો હતો.

ઉત્સવ સમારોહને સંબોધતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વામીજીના ગુણોને બિરદાવતા કહ્યું કે, ‘સ્વામીજી સદાય વર્તમાનમાં જીવે છે. ભૂતકાળ કે ભવિષ્યની ચિંતા તેમને સતાવતી નથી, તેમનું ચિંતન સ્થિત છે. આજે શિક્ષણ તો ઘણી જગ્યાએ મળે છે, પણ સાચા સંસ્કાર મેળવવા હોય તો આ ગુરુકુલમાં જ આવવું પડે.’

આચાર્ય મહામંડલેશ્વર શ્રી અવધેશાનંદગિરિજી મહારાજે અધ્યક્ષીય પ્રવચન કરતા જણાવ્યું કે, ‘માધવપ્રિયદાસજી સ્વામી સદંતર નિરાભિમાની છે. તેઓ સત્તાથી વિમુખ રહેનારા, આચરણમાં પારદર્શક અને સદાય ચિંતન-મનનમાં રત રહેતા જાગૃત સન્યાસી છે.’

આ પ્રસંગે પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીએ સ્વાગત પ્રવચનમાં સ્વામીજીના વ્યક્તિત્વનું વિશ્લેષણ કરતા જણાવ્યું હતું કે ‘માધવપ્રિયદાસજી’ એ કેવળ નામ નથી પણ આઠ અક્ષરોમાં આઠ ભુજાઓનાં દર્શન છે. જેમાં વેદ, વિજ્ઞાન, સેવા-સ્મરણ, શુશ્રુષા, પરંપરા, પ્રયોગ-પરિવર્તન, સદ્વિદ્યા અને લોકવિદ્યા સમાવિષ્ટ છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ આજે ગર્વથી કહેતા હશે કે સ્વામી માધવપ્રિયદાસજી મારું સમાજને શ્રેષ્ઠ પ્રદાન છે.’
સુપ્રસિદ્ધ વક્તા શ્રી જય વસાવડાએ સ્વામીજીના વિચરણને બિરદાવતા તેમણે કહ્યું કે, ‘સ્વામીજી સૌને પ્રેમના તાંતણે બાંધે છે. માધવમાં સૂક્ષ્મ સૌંદર્યબોધ, મધુરતા અને પ્રેમનો ભાવ છે. તેમનું વ્યક્તિત્વ ‘હું બધાને કેવી રીતે પ્રિય બની શકું’ તેવી હિતકારી ભાવનાથી સભર છે. ‘ચરૈવેતિ’ના સિદ્ધાંત મુજબ તેમનું વિશ્વભ્રમણ સ્વ-હિત માટે નહીં પણ સમાજ કલ્યાણ માટે રહ્યું છે.’

‘અમૃતવંદના ગ્રંથ’નું ઐતિહાસિક વિમોચન
મહોત્સવનું મુખ્ય આકર્ષણ ગ્રંથવિમોચન વિધિ હતી. માનસરોવરના હંસલાઓ આકાશમાંથી પોતાની પીઠ પર ‘અમૃતવંદના ગ્રંથ’ને લઈ પરમહંસો પાસે આવ્યા તે અદ્ભુત નજારો ગૌરવમય અને ઐતિહાસિક બન્યો. સંગીતની સુરાવલીઓ, ઋષિકુમારોના શ્લોકગાન, ડ્રોન-શો, આતશબાજી, લાઈટ એન્ડ શાઉન્ડ શો, વિદ્યાર્થીઓના નૃત્યની સાથે હજારો લોકોના હૃદયની ઉર્મિઓના આનંદ વચ્ચે ‘અમૃતવંદના ગ્રંથ’નું વિમોચન સંતો, મહંતો, મહામંડલેશ્વરો, વિદ્વાનો, રાજનીતિજ્ઞો અને શ્રેષ્ઠીઓના વરદ હસ્તે થયું.
આ સાથે જ મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીનું પૂજન-સત્કાર-સન્માન કરવામાં આવ્યું ત્યારે ઉપસ્થિત વિશાળ શ્રોતાગણે તાળીઓના ગડગડાટ સાથે પૂજનને વધાવી લીધું. આ પૂજન કોઈ કવ્યક્તિનું નહીં, પરંતુ સ્વામીજીના માધ્યમથી ગુરુકુલ દ્વારા થતી સેવા, ગુરુકુલના આદર્શો, ગુરુકુલમાં થતી ભક્તિ અને સમર્પણનું પૂજન હતું.

‘અમૃતવંદના ગ્રંથ’માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ જેવા રાજકીય મહાનુભાવો, પ.પૂ. અવધેશાનંદજી મહારાજ, પ.પૂ. રામદેવજી મહારાજ, સંપ્રદાયના આચાર્યશ્રી તેમજ દેશના શ્રેષ્ઠ વિદ્વાનો, સાહિત્યકારો અને ઉદ્યોગપતિઓ વગેરે દેશ-વિદેશના મહાનુભાવોના પૂજ્ય સ્વામીજી વિશેના સદ્વિચારોનું સંકલનસ્વરૂપે તૈયાર કરવામાં આવ્યો છે. આ સાથે સ્વામીજીના જીવન પર આધારિત ‘માધવવાણી’ અને ‘મોહન સે માધવ’ ગ્રંથોનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

આ મહોત્સવમાં સ્વામીજીના દર્શન માટે 15 હજારથી વધુ ભક્તો ઉમટી પડ્યા હતા. સંગીતની સુરાવલીઓ, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને વિદ્યાર્થીઓના નૃત્યએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આટલા વિશાળ જનસમુદાય માટે દરેકને પોતાની જગ્યાએ જ ભોજન પ્રાપ્ત થાય તેવી આયોજનબદ્ધ વ્યવસ્થા કરવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter