આણંદઃ પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ.પૂ. મહંત સ્વામી મહારાજની આણંદમાં પધરામણી થઇ છે. સ્વામીશ્રી ગોયા તળાવસ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ઠાકોરજીના દર્શન બાદ અક્ષરફાર્મમાં પધાર્યા હતા. જ્યાં સ્વામીશ્રીના આગમનને વધાવવા વિશાળ સંખ્યામાં પધારેલ હરિભક્તોને વિદ્વાન સંત પૂ. આદર્શજીવનદાસ સ્વામીએ કથામૃતનો લાભ આપ્યો હતો. નિર્ધારિત સમયે સ્વામીનું અક્ષરફાર્મમાં આગમન થતાં પૂજ્ય સંતો અને હજારો હરિભક્તોએ સ્વામીશ્રીને ભક્તિભાવથી વધાવ્યા હતા. સ્વામીના આગમનની વિશિષ્ટ સ્મૃતિઓને સૌ હરિભક્તોએ મન ભરીને માણી હતી.
સ્વામીશ્રી લિફ્ટ દ્વારા મંચના ઉપરના ભાગે રચાયેલ એક પ્લેટફોર્મ ઉપર પધાર્યા હતા. આ સમયે સ્પોટ લાઇટ દ્વારા સૌને તેઓના દર્શન થતાં સૌ આનંદથી ઝૂમી ઉઠ્યા હતા. આગમનની છડીઓ, પ્રાર્થના અને ‘આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી’ના ગાન સાથે સ્વામીશ્રીનું ભક્તિભાવથી સ્વાગત સહુ માટે સ્મૃતિદાયક હતું. યુવા વૃંદે ભક્તિનૃત્ય અર્પણ કરી સૌની ભાવનાઓને રજૂ કરી હતી. સદગુરુ સંત પૂ. ત્યાગવલ્લભ સ્વામી અને વરિષ્ઠ સંતોએ ઠાકોરજી અને સ્વામીને અર્ચા, નાડાછડી અને હારતોરાથી વધાવ્યા હતા.
છેલ્લા એક મહિનાથી પૂજ્ય સંતો અને યુવા-યુવતીઓ દ્વારા અક્ષરફાર્મ અને મંદિરમાં સ્વામીના આણંદ ખાતેના સત્સંગ લાભ પરત્વે ખૂબ તૈયારીઓ ચાલતી હતી. અક્ષરફાર્મનો સભામંડપ અને સ્ટેજની સજાવટ અને પાર્કિંગ સહિતની તમામ વ્યવસ્થાઓ વગેરે અનોખી ભાત ઉપજાવે છે. ભવ્ય મહેલ જેવા મંચ ઉપર ઠાકોરજી, ગુરુપરંપરા અને પ.પૂ. સ્વામીનું સ્થાન સૌ હરિભક્તો માટે ખૂબ જ દર્શનીય બની રહ્યું છે. સ્વામીશ્રીના આગમન નિમિત્તે અબાલવૃદ્ધ સૌએ ભક્તિભાવથી વ્રત, તપ વગેરે કર્યા હતા તેની જાહેરાતો પણ કરવામાં આવી હતી. આગામી 18 ઓગષ્ટ સુધી અક્ષરફાર્મમાં સ્વામીના દર્શન – સત્સંગનો અમુલ્ય લાભ મળશે.
નિયત તારીખોમાં સવારે પુજાદર્શન પૂર્વે સંસ્થાના વિદ્વાન સંત પૂ. આદર્શજીવનદાસ સ્વામીના મુખે મહંત ચરિતમ પારાયણનો લાભ મળશે. એ જ રીતે દરરોજ સાંજે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. આમ, પવિત્ર શ્રાવણ માસમાં આણંદ મંદિર રજત વર્ષે સત્પુરુષના સુવર્ણ સ્પર્શનો લાભ લેવા સમગ્ર આણંદ – નડિયાદ અને ગ્રામ્ય વિસ્તાર માટે અમુલ્ય લ્હાવો પ્રાપ્ત થયો છે.