અમદાવાદઃ આદિ શંકરાચાર્યનું જ્ઞાન હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ થયું છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહે સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અને સંસ્કૃતના વિદ્વાન પ્રોફેસર ડો. ગૌતમભાઇ પટેલ દ્વારા સંપાદિત આદિ શંકરાચાર્યના સંસ્કૃત ભાષામાંથી ગુજરાતી ભાષામાં સંપાદિત અને અનુવાદિત જ્ઞાનસાગર સમાન 1થી 15 પુસ્તકોના સંપુટનું વિમોચન કર્યું હતું.
આદિ શંકરાચાર્યજીએ ઘણી અલ્પ આયુમાં સનાતન ધર્મને સદાય જીવંત, પ્રસ્તુત અને ગતિ આપવા માટે સંસ્કૃત ભાષામાં વિશાળ જ્ઞાન સાગર આપ્યો હતો. અનેક શંકાઓને દૂર કરી સનાતન ધર્મની ધ્વજા ફરકાવી હતી એમ કહી શાહે ઉમેર્યું કે, આજે પ્રો. ગૌતમભાઇની ખંત, પરિશ્રમ અને મહેનતથી આ સંપુટ ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થઇ રહ્યો છે એ ગુજરાત અને ગુજરાતવાસીઓ માટે બહુ મોટી ઉપલબ્ધિ છે. તેમણે યુવાઓ અને કિશોરોને આ જ્ઞાન સાગરમાં જરૂરથી ડૂબકી લગાવવા આગ્રહભરી અપીલ કરી હતી.
ગૃહ મંત્રી હોવા ઉપરાંત સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના ચેરમેન તરીકે પણ કાર્યભાર સંભાળતા અમિતભાઇએ સંસ્કૃત સાહિત્ય માટે આજીવન ભેખ ધરી પરિશ્રમ કરનાર પ્રો. ગૌતમભાઇના પરિચયમાં બાળપણથી હોવાની જાણકારી પ્રસ્તુત કરી હતી. અમિતભાઇએ કહ્યું કે, ગૌતમભાઇએ અનેક પુસ્તકો લખ્યા હશે, પરંતુ આ 15 ગ્રંથો દ્વારા ઉપલબ્ધ સાહિત્ય આગામી વર્ષોમાં શ્રેષ્ઠ સાહિત્ય તરીકે પ્રસ્થાપિત થશે. તેમણે કહ્યું કે, સૌ કોઇ માટે સંસ્કૃતનું જ્ઞાન ઉપલબ્ધ નથી. આમ તો જ્ઞાનની કોઇ ભાષા હોતી નથી, પરંતુ આદિ શંકરાચાર્યના સંસ્કૃત ભાષામાં રચાયેલા જ્ઞાન સાગરને ગુજરાતીમાં ઉપલબ્ધ પ્રો. ગૌતમભાઇની મહેનતથી થયું છે.
આદિ શંકરાચાર્ય વિભૂતિ છેઃ ડો. ગૌતમ પટેલ
આદિ શંકરાચાર્યના હિન્દુ ધર્મના પ્રભાવ અને તેમના કાર્યોને ગુજરાતી ભાષામાં લોકો સુધી પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ રાષ્ટ્રપતિ પુરસ્કૃત વેદરત્ન ડો. ગૌતમ પટેલે કર્યો છે. વિદ્યાવાચસ્પતિ ડો. ગૌતમ પટેલે હિન્દુ ધર્મનું પુનરુત્થાન કરનારા આદિ શંકરાચાર્યના વૈશ્વિક અને શાશ્વત પ્રભાવ વિશે જણાવતાં કહ્યું કે આદિ શંકરાચાર્ય વિભૂતિ છે. જે સમયે હિન્દુ ધર્મ આંતરિક રીતે શક્તિ, શૈવ, સૌર, ગણપત્ય અને વૈષ્ણવ જેવા સંપ્રદાયોમાં વહેંચાયેલો હતો અને અંદરોઅંદરના ઝઘડાઓને કારણે મૃતપાય થઈ ગયો હતો, ત્યારે શંકરાચાર્યનો ઉદય થયો હતો. તેમણે સનાતન ધર્મને ટુકડે ટુકડા થતા બચાવવા માટે ગણપતિ, શિવ, શક્તિ, સૂર્ય અને વિષ્ણુ - આ પાંચેય દેવોની ઉપાસનાને એક જ માળખામાં લાવીને સંપ્રદાયો વચ્ચેની એકતા સ્થાપિત કરી. એટલું જ નહીં, ભારતની ચારેય દિશાઓમાં ચાર મઠોની સ્થાપના કરી. જેમાં ઉત્તર ભારતમાં જોશીમઠ, દક્ષિણમાં શૃંગેરી, પશ્ચિમમાં દ્વારકા અને પૂર્વમાં જગન્નાથપુરી ખાતે મઠની સ્થાપના કરી હતી. સાથે આ મઠના વહીવટ માટે તેમણે એક પ્રકારનું વિલ લખ્યું, જેને ‘મઠામના’ કહેવાય છે, જેનું પાલન આજે પણ કરાય છે. આમ માત્ર બત્રીસ વર્ષની અલ્પ વયમાં તેમણે પંચદેવ ઉપાસના દ્વારા પરસ્પર સંઘર્ષમાં રહેલી વિવિધ સંપ્રદાયોને એકતામાં બાંધ્યા હતા.
ડો. ગૌતમ પટેલે જણાવ્યું કે શંકરાચાર્યની બૌદ્ધિક ક્ષમતા અદભૂત હતી, તેમણે 8 વર્ષની ઉંમરે વેદો શીખી લીધા હતા અને 16 વર્ષની ઉંમરે પ્રસિદ્ધ ભાષ્યો લખ્યા હતા. તેમણે વેદ-ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા પર ગંભીર ભાષ્યો લખ્યા. તેમના ભાષ્યોની ભાષા ગંભીર છે, જેથી સામાન્ય લોકો પણ ધર્મને સમજી શકે તે માટે તેમણે કર્ણપ્રિય ભક્તિ સ્ત્રોતોની રચતના કરી, જે ગાવામાં સરળ અને અર્થમાં ઉંડા છે. તેમણે કહ્યું હતું કે શંકરાચાર્યનું સાહિત્ય સંસ્કૃત કે હિન્દીમાં મળતું હતું, પણ ગુજરાતીમાં આવું કોઈ સંકલિત કામ થયું નહોતું પરિણામે ડો. ગૌતમ પટેલના પ્રયાસથી 15 ગ્રંથોની શ્રેણી ગુજરાતીમાં તૈયાર થઈ.
ડો. ગૌતમ પટેલ કોણ છે?
રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત ડો. ગૌતમભાઇ પટેલે એમ.એ., ડી.લીટ્, પીએચ.ડી. સુધીનો અભ્યાસ કર્યો છે. 89 વર્ષના ગૌતમભાઇ વેદરત્ન, વિદ્યા-વાચસ્પતિ, બ્રહ્મર્ષિ જેવા અનેક એવોર્ડથી સન્માનિત થઇ ચૂક્યા છે. તેઓ સંસ્કૃત સેવા સમિતિ-અમદાવાદના સ્થાપક પ્રમુખ છે.


