લંડનઃ ઈન્ડિયન વર્કર્સ એસોસિયેશન (IWA) સાઉથોલ દ્વારા ગુરુવાર10 સપ્ટેમ્બરે તેની 70મી વર્ષગાંઠ ઉજવાઈ હતી. કામદારોના અધિકારો, સામાજિક ન્યાય, સમાનતા અને સ્થાનિક કોમ્યુનિટીઓના કલ્યાણની હિમાયતના સાત દાયકાની ઉજવણી હતી. આ નિમિત્તે સંસ્થાના સભ્યો, સમર્થકો, સમગ્ર રાજકીય ફલકમાંથી હાઉસ ઓફ લોર્ડ્સ અને પાર્લામેન્ટના સભ્યો, કાઉન્સિલરો અને મેયર્સ, કોમ્યુનિટીના પ્રતિનિધિઓ તેમજ સંસ્થાના મિત્રો સાઉથોલ અને તેની પણ આગળના વિસ્તારોમાં નાગરિક જીવનમાં તેના મહત્ત્વપૂર્ણ યોગદાનને બિરદાવવા માટે એકત્ર થયા હતા.
વર્ષ1956માં સ્થાપિત ઈન્ડિયન વર્કર્સ એસોસિયેશન સાઉથોલ સંસ્થા બ્રિટનની ભારતીય અને માઈગ્રન્ટ કોમ્યુનિટીઓને અસર કરનારા કેટલાક સૌથી મહત્ત્વના રાજકીય અને સામાજિક સંઘર્ષોના કેન્દ્રમાંરહેલ છે. સાત દાયકા દરમિયાન તેણે અન્યાયનો સામનો કરી રહેલા સમુદાયો માટે સપોર્ટ અને અવાજ બની રહેવા સાથે કામના સ્થળે શોષણ, રેસિઝમ અને ભેદભાવ વિરુદ્ધ અભિયાનો ચલાવ્યા હતા. આથી, આ વર્ષગાંઠ સંસ્થાના ભૂતકાળની જ ઉજવણી ન હતી. પડકારજનક સમયમાં IWAને જાળવી રાખનારા મૂલ્યોના ચિંતન તથા ભાવિ પેઢીઓ સમક્ષના પડકારોની વિચારણાની પણ તક હતી.
આ પ્રસંગે બોલતા પ્રેસિડેન્ટ વિરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, ‘આ એનિવર્સરી યુકે અને ભારત વચ્ચે સેતુનિર્માણની સાથોસાથ નાગરિક જીવન, અધિકારોની સુરક્ષા અને ન્યાય માટે IWA સાઉથોલ દ્વારા કરાયેલા વિશાળ યોગદાનની ઉજવણી છે.’ તેમના શબ્દો કામદારો અને સ્થાનિક સમુદાયોના પ્રતિનિધિત્વની ભૂમિકા જ નહિ, કોમ્યુનિટી, સાંસ્કૃતિક અને નાગરિક સંબંધ થકી બ્રિટન અને ભારત વચ્ચે સંબંધોને મજબૂત બનાવવાની દીર્ઘકાલીન ભૂમિકાનું પ્રતિબિંબ પાડતા હતા.
યુદ્ધ પછીના સમયગાળામાં બ્રિટન આવેલા ઘણા માઈગ્રન્ટ્સ માટે જીવન પડકારજનક અને મુશ્કેલ હતું. કામદારોએ વારંવાર ભેદભાવ, કામના સ્થળોએ નબળી સ્થિતિ, અસુરક્ષિત રોજગાર, સેવાઓ મેળવવામાં અને પોતાના અધિકારોને સમજવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.આ સમયે IWA જેવી કોમ્યુનિટી સંસ્થાઓ દ્વારા સલાહ, એકતા અને સામૂહિક કાર્યવાહીનો મહત્ત્વનો સ્રોત બની રહી હતી. સાઉથોલમાં સંસ્થા રેસિઝમ અને અતિ જમણેરી પ્રવૃત્તિઓ સામે લડાઈ તેમજ સમાનતા અને ન્યાય માટે અભિયાનો સાથે ગાઢ રીતે સંકળાઈ હતી. તેનો ઈતિહાસ સાઉથ એશિયન કોમ્યુનિટી તેમજ ભારતીય અને સાઉથ એશિયન જીવનના બ્રિટનના સૌથી અગ્રેસર કેન્દ્રોમાં એક તરીકે સાઉથોલના રુપાંતર સાથે વ્યાપકપણે સંકળાયેલો છે. સંસ્થાના જનરલ સેક્રેટરી કૃષ્ણા સારડાએ ઈતિહાસ સાથે જળવાયેલા સાતત્યને સમજાવ્યું હતું.
IWA સાઉથોલની કથા પેઢીઓની કથા પણ છે. જે પુરુષો અને સ્ત્રીઓએ 1950ના દાયકામાં સંસ્થા સ્થાપી અને પછીના દાયકાઓમાં તેને વિકસાવી, તેનાથી એવા પાયાઓનું નિર્માણ થયું જેનો લાભ ભાવિ પેઢીઓએને પણ મળ્યો. તેમના અભિયાનોએ ચોકસાઈ રાખવામાં મદદ કરી કે ભાવિ પેઢીઓ સંપૂર્ણ રીતે બ્રિટિશ સામાજિક, આર્થિક અને નાગરિક જીવનમાં ભાગીદારી કરી શકે.
ખુદ સાઉથોલ પણ 1956 પછી ઘણું બદલાઈ ગયેલું છે. એક સમયે નવા આવેલા માઈગ્રન્ટ્સ માટે પહોંચવાનું સ્થળ બનેલું શહેર હવે વૈવિધ્યપૂર્ણ અને ઉત્સાહી કોમ્યુનિટીમાં બદલાયું છે, જેનો પ્રભાવ બરોથી પણ આગળ વિસ્તર્યો છે. બિઝનેસીસ, સાંસ્કૃતિક સંસ્થાઓ, પૂજાસ્થળો, સામુદાયિક સંગઠનો અને નિવાસીઓની ઉત્તરોત્તર પેઢીઓએ નવા સાઉથોલને આકાર આપવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે.
IWAઆ પરિવર્તનનો મહત્ત્વનો હિસ્સો રહેલ છે. તેનું યોગદાન વ્યક્તિગત અભિયાનોથી પણ વિશેષ છે. તેણે કોમ્યુનિટી સંસ્થા, રાજકીય સંપર્ક અને સામૂહિક જવાબદારીની પરંપરા વિકસાવવામાં મદદ કરી છે, જેના કેન્દ્રમાં એવી માન્યતા રહેલી છે કે લોકો એક સાથે સંગઠિત બને છે અને સામૂહિક રીતે અન્યાયને પડકારે છે ત્યારે તેમના સંજોગોને સુધારી શકે છે.
IWAની આ 70મી વર્ષગાંઠે વર્ષો દરમિયાન સંસ્થાને યોગદાન આપનારા સ્થાપકો, કર્મશીલો, કેમ્પેઈનર્સ, વેલ્ફેર વર્કર્સ, સ્વયંસેવકો, સભ્યો અને સમર્થકો-શુભેચ્છકોને યાદ કરવાની તક પૂરી પાડી હતી.


