ઈન્ડિયા ગ્લોબલ ફોરમ દ્વારા યુકે-ઈન્ડિયા વીકની ઉજવણી

Tuesday 04th July 2023 13:27 EDT
 

લંડનઃ ઈન્ડિયા ગ્લોબલ ફોરમ (IGF) દ્વારા 29 જૂન ગુરુવારે ફેરમોન્ટ વિન્ડસર પાર્ક ખાતે આયોજિત પાંચમા વાર્ષિક યુકે-ઈન્ડિયા એવોર્ડ્સમાં સ્પોર્ટિંગ લેજન્ડ અને ભારતની સર્વપ્રથમ ઓલિમ્પિક બોક્સિંગ મેડાલિસ્ટ મેરી કોમને ‘ગ્લોબલ ઈન્ડિયન આઈકન ઓફ ધ યર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. યુકે-ઈન્ડિયા એવોર્ડ્સ યુકે અને ભારતની પાર્ટનરશિપને આગળ વધારતા વ્યક્તિવિશેષો અને બિઝનેસીસના યોગદાનને સન્માનિત કરે છે. બ્રિટનના પ્રસિદ્ધ કોમેડિયન રોરી બ્રેમરની યજમાની હેઠળના ઈવેન્ટમાં મહાનુભાવો, ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓ, સેલેબ્રિટીઝ અને પ્રભાવશાળી વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.

IGFના સ્થાપક અને સીઈઓ મનોજ લાડવાએ સમારંભના આરંભે જણાવ્યું હતું કે આ સાંજે આપણે યુકે અને ભારતના સંબંધોમાં સુપર હાઈવેનું પ્રતિનિધિત્વ કરી રહેલા બ્રિટિશ અને ભારતીય બિઝનેસીસ અને સંસ્થાઓની સફળતા, ઈનોવેશનની ઉજવણી કરી રહ્યા છીએ. આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સ બિઝનેસ, પ્રોફેશનલ સર્વિસીસ, ગવર્મેન્ટ, સંસ્કૃતિ અને સામાજિક અસરના ક્ષેત્રો અને યુકે-ભારત સંબંધોને મજબૂત બનાવવામાં અગ્રણીઓના નોંધપાત્ર યોગદાનની કદર કરે છે.

યુકે-ઈન્ડિયા એવોર્ડ્સ 2023ના વિવિધ કેટેગરીના સન્માનિતોમાં  માર્કેટ એન્ટ્રન્ટ ઓફ ધ યર (ક્રાઉડઈન્વેસ્ટ)  કન્સલ્ટન્સી ઓફ ધ યર (SannamS4)  લીગલ પ્રેક્ટિસ ઓફ ધ યર (સીરિલ અમરચંદ મંગલદાસ)  ફાઈનાન્સિયલ સર્વિસીસ ઓર્ગેનાઈઝેશન ઓફ ધ યર (ICICI Bank UK Plc)  ટેકનોલોજી કંપની ઓફ ધ યર (Mphasis)  બિઝનેસ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન ઓફ ધ યર (FICCI - UK)  સોશિયલ ઈમ્પેક્ટ પ્રોજેક્ટ ઓફ ધ યર (એક્શન એઈડ યુકે)નો સમાવેશ થાય છે.

યુકે-ઈન્ડિયા વીક 2023માં 150 વક્તા અને 2000થી વધુ પાર્ટિસિપેન્ટ્સ સાથે 12 ઈવેન્ટ યોજાયા હતા જેમાં ભારત અને યુકેના બિઝનેસ લીડર્સ, પોલિસી મેકર્સ અને વિચારકોએ ભાગ લઈ બંને દેશો વચ્ચે વધુ સહકાર અને વૃદ્ધિની અપાર તકો વિશે ચર્ચાઓ કરી હતી. ચાવીરુપ વક્તવ્યોમાં રોડમેપ 2030ના હેતુઓને સુસંગત વેપાર, ઈન્વેસ્ટમેન્ટ્સ, ઈનોવેશન, ટેકનોલોજી સહિતના વિવિધ વિષયોને આવરી લેવાયા હતા.

લંડનના નેહરુ સેન્ટરમાં ક્રીએટિવ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ કલ્ચરલ ઈકોનોમી સમિટ યોજાયો હતો જ્યાં અભિનેત્રી સોનમ કપૂર, ફેશન ડિઝાઈનર અનિતા ડોંગરે સહિતના લોકોએ ભાગ લીધો હતો. ઈન્ડિયા ગ્લોબલ ફોરમના IGF Studio કાર્યક્રમમાં લેબર પાર્ટીના શેડો સેક્રેટરી ફોર ફોરેન એફેર્સ ડેવિડ લેમીએ યુએનની સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સ્થાનની તરફેણ કરી હતી. ભારતના એજ્યુકેશન મિનિસ્ટર ઘર્મેન્દ્ર પ્રધાને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની સરખામણી કરી હતી.

(યુકે-ઈન્ડિયા એવોર્ડ્સ અને યુકે-ઈન્ડિયા વીક 2023નો વિસ્તૃત અહેવાલ એશિયન વોઈસના તારીખ 08-07-2023ના અંકમાં વાંચી શકાશે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter