લંડનઃ ઈન્ડિયાસ્પોરાના યુકે કન્ટ્રી હેડ નીના અમીન દ્વારા આયોજિત અને લોર્ડ કરન બિલિમોરિયાની યજમાનીમાં 23 ઓક્ટોબરે હાઉસ ઓફ કોમન્સમાં દિવાળી ડિનરમાં બિઝનેસ અગ્રણીઓ, પાર્લામેન્ટેરિયન્સ, ડાયસ્પોરાના વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્થિતિ સંસ્કૃતિ, સંપર્ક અને ઊજવણીની સાંજ બની રહી હતી. એલીગન્ટ બ્લેક ટાઈ અને સમાર્ટ ભારતીય વસ્ત્રોમાં સજ્જ મહેમાનોએ પ્રકાશના ઉત્સવ દિવાળીની ઊજવણી તેમજ ભારત અને યુકે વચ્ચે જીવંત સેતુના મહત્ત્વને ઊજાગર કર્યું હતું.
આ ઈવેન્ટના વક્તાઓમાં સીમા મલ્હોત્રા FRSA MP, યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી, ઈન્ડિયાસ્પોરાના સ્થાપક એમ.આર. રંગાસ્વામી, બેરોનેસ રુબી મેક્ગ્રેગોર-સ્મિથ, ટોની મથારુ અને લોર્ડ કરન બિલિમોરિયાનો સમાવેશ થયો હતો. વક્તાઓ દ્વારા સમાનતા, યુકે-ભારત પાર્ટનરશિપની દિશા તેમજ અર્થતંત્ર અને જાહેર જીવનમાં બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીની ભૂમિકા સંદર્ભે શક્તિશાળી સંદેશાઓ અપાયા હતા. માનવંતા મહેમાનોમાં વરિષ્ઠ પાર્લામેન્ટેરિયન્સ, ઉમરાવો તેમજ ડાયસ્પોરા બિઝનેસ કોમ્યુનિટીના અગ્રણીઓનો સમાવેશ થયો હતો.
આ ઈવેન્ટ માટે ખાસ કેલિફોર્નિયાથી આવેલા ઈન્ડિયાસ્પોરાના સ્થાપક એમ.આર. રંગાસ્વામીએ લીડરશિપ, લક્ષ્ય અને વિશ્વભરના જીડીપીમાં આશરે 35 મિલિયન ડાયસ્પોરા થકી ટ્રિલિયન ડોલર્સથી વધુના યોગદાનની વધતી અસરો વિશે મંતવ્યો દર્શાવ્યા હતા. તેમણે વૈશ્વિક ભારતીય કોમ્યુનિટીને કલ્યાણના પરિબળ માટે એકત્ર કરવાના ઈન્ડિયાસ્પોરાના મિશન તેમજ માર્ચ 2026માં બેંગલુરુમાં યોજાનારા ઈન્ડિયાસ્પોરાના આગામી ગ્લોબલ ફોરમમાં વધી રહેલા ઉત્સાહ વિશે જણાવ્યું હતું.
નીના અમીને ભારતીય ડાયસ્પોરા યુકેમાં કેવી રીતે સફળતા અને સેવાની ગાથા બની રહેલ છે તેના વિશે વાત કરી હતી. બિઝનેસ અને રાજકારણમાં ભારતીય મૂળની નેતાગીરીમાં સતત વૃદ્ધિ હોય કે યુકે અને ભારતીય યુનિવર્સિટીઓ વચ્ચે ભાગીદારીની વધતી સંખ્યા હોય, બંને દેશ વચ્ચેનો સંબંધ અગાઉથી વધુ મજબૂત બન્યો છે. ભારતીય ડાયસ્પોરાએ વ્યાવસાયિક સફળતાથી પણ આગળ વધીને પરોપકાર, વોલન્ટીઅરીંગ અને નાગરિક જીવનમાં નેતૃત્વ મારફતે અસાધારણ કરુણા દર્શાવી છે. ગ્લોબલ કોમ્યુનિટી ઈન્ડિયાસ્પોરા તેની સફળતાનો ઉપયોગ રચનાત્મક પરિવર્તન લાવવા માટે કરે છે.
બ્રિટિશ લોકશાહીના હાર્દમાં આ દિવાળી ઈવેન્ટની યજમાની કરીને ઈન્ડિયાસ્પોરાએ સ્પષ્ટ સંદેશો પાઠવ્યો છે કે ભારતીય ડાયસ્પોરા માત્ર સાંસ્કૃતિક કોમ્યુનિટી નથી, પરંતુ યુકેના ભાવિ સામાજિક અને બિઝનેસ ફલકનો અખંડ હિસ્સો છે. આ ઈવેન્ટ WNS (અને ઈન્ડિયાસ્પોરાના સભ્ય CEO કેશવ મુરુઘેશ) દ્વારા સ્પોન્સર કરાયો હતો.


