ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર એન્જેલા રાયનોર MP દ્વારા બેરિસ્ટર ડોમિનિક ગ્રીવના અધ્યક્ષપદે અને માત્ર કેટલાક મુસ્લિમ સભ્યો સાથે રચાયેલી ઈસ્લામોફોબિયા કાઉન્સિલ યુકેમાં એક નીતિ તરીકે ઈસ્લામિઝમ લઈ આવશે તેવી ચિંતા હિન્દુ કાઉન્સિલ યુકે (HCUK) ધરાવે છે. દેખીતી રીતે જ બેરિસ્ટર ગ્રીવે 2019માં ઈસ્લામોફોબિયાની મુસ્લિમ APPGની વ્યાખ્યાની પ્રસ્તાવના લખી હતી. આવી વ્યાખ્યા હિન્દુઓને નુકસાન પહોંચાડશે, એટલું જ નહિ સરખી માનસિકતાના 99 ટકા મુસ્લિમોને પણ નુકસાન કરશે તેમ હિન્દુ કાઉન્સિલ યુકે માને છે. મીડિયામાં કેટલાક ઈસ્લામિસ્ટ પત્રકારો હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે ‘સામાન્ય ઘૃણા’ હોવાં વિશે લખતા રહે છે, પરંતુ તેનાથી વિપરીત હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વાસ્તવમાં ‘સામાન્ય પ્રેમ’નો અનુભવ બધાને થયેલો છે.
વાણી સ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી લોર્ડ યંગ દ્વારા જ્યુડિશિયલ રિવ્યૂનો પડકાર ન ફેંકાયો ત્યાં સુધી તો એન્જેલા રાયનોરે આ કન્સલ્ટેશન પસંદગીની થોડી સંસ્થાઓ પુરતું મર્યાદિત રાખ્યું હતુ. આ પછી પણ તેમણે મર્યાદિત સમય માટે જ જાહેર પ્રજા માટે કન્સલ્ટેશન ખુલ્લું રાખ્યું છે. HCUKએ સલાહ આપી હતી કે તમામ ધર્મો દ્વારા ઈસ્લામોફોબિયા વ્યાખ્યાની ચર્ચા કરાવી જોઈએ અને આ માટે સર ટોની બ્લેરની સુગ્રથિત ફેઈથ કોમ્યુનિટીઝ કન્સલ્ટેટિવ કાઉન્સિલને પરત લાવવા ભલામણ કરી હતી. જોકે, એન્જેલા રાયનોર HCUK અને તેના સૂચનોને સાઈડલાઈન કરી રહ્યાં હોવાનું જણાય છે.
પ્રાઈમ મિનિસ્ટર સર કેર સ્ટાર્મર એથિસ્ટ-નાસ્તિક છે અને તેમને ઈન્ટર-ફેઈથ જટિલતાઓની સમજ હોય તેમ લાગતું નથી. તેમણે એન્ટિસેમેટિઝમને પડકારવાનું સારું કામ કર્યું છે, પરંતુ ઈસ્લામિક કટ્ટરવાદીઓ દ્વારા હિન્દુઓ પર હુમલા કરાય ત્યારે તેમની યાતનાને તેઓ નજરઅંદાજ કરતા હોવાનું જણાયું છે.
HCUK ટેમ્પલ ટ્રસ્ટીઓને માત્ર રવિવાર, 20 જુલાઈ 2025 સુધી ખુલ્લા રહેનારા ઈસ્લામોફોબિયા પરામર્શનો પ્રતિભાવ આપવા અનુરોધ કરે છે. લોકોને સમજાય તે માટે આ સાથેની લિન્કમાં HCUK (a) અને અનિલ ભાનોટ (b)ના એમ પરામર્શના 13 પ્રશ્નોના બે અલગ અલગ સૂચિત ઉત્તરો અપાયા છે. આ લિન્ક https://forms.office.com/Pages/ResponsePage.aspx?id=EGg0v32c3kOociSi7zmVqI6tIfR9NoRNi6VcrK9V665UQTdRVzRMM0I4UTA0R0ZCNzBJQ0s4TVNYMS4u છે.