લંડનઃ એઈલ્સબરી હિન્દુ ટેમ્પલ (AHT) દ્વારા ડિસ્કવર બક્સ મ્યુઝિયમના સહકાર સાથે શુક્રવાર 26 એપ્રિલે હોળિકાત્સવના રંગોની રમઝટનો ઉત્સવ ઉજવાયો હતો જેમાં, ભારતીય સંસ્કૃતિ, સમુદાય અને સર્જનાત્મકતાની ઊત્સાહપૂર્ણ ઊજવણી જોવાં મળી હતી. મ્યુઝિયમના સુંદર ગાર્ડન્સમાં આયોજિત આ નિઃશુલ્ક, સમાવેશી ઈવેન્ટમાં સેંકડો લોકોએ જીવંત સંગીત અને નૃત્ય પરફોર્મન્સીસ, બાળકોની પ્રવૃત્તિઓ, ઢોલ અને નગારાં, સ્ટ્રીટ ફૂડ અને એકબીજા પર રંગો છાંટવાનો ભરપૂર લ્હાવો માણ્યો હતો.
આ ઈવેન્ટની મુખ્ય હાઈલાઈટ હોળી આર્ટ્સ એક્ઝિબિશન હતું જે ડિસ્કવર બક્સ મ્યુઝિયમ સાથે સહકારથી તૈયાર કરાયું હતું. પ્રદર્શનમાં એઈલ્સબરી હિન્દુ ટેમ્પલ દ્વારા એઈલ્સબરીની શાળાઓને પૂરા પડાયેલા વર્કશોપ્સ અને સ્કૂલની સભાઓ દ્વારા પ્રેરિત સ્થાનિક શાળાના બાળકો દ્વારા હોળીના વિષય પર આધારિત 60થી વધુ આર્ટવર્ક દર્શાવાયા હતાં. આ પ્રદર્શન મે મહિનાના અંત સુધી કોમ્યુનિટી ગેલેરીમાં જોવા મળશે.
આ વિસ્તારના યુવા કળાકારોની પ્રતિભા અને કલ્પનાને પ્રોત્સાહન આપવા પ્રાઈમરી અને સેકન્ડરી સ્કૂલના વિજેતાઓ અને રનર્સ અપ્સને ઈનામોનું વિતરણ કરાયું હતું.
AHTનું વિઝન હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક કેન્દ્ર સ્થાપવાનું છે જ્યાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાઓની ઊજવણી થઈ શકે, વહેચણી કરી શકાય તેમજ આર્ટ્સ, એજ્યુકેશન, વર્કશોપ્સ અને કોમ્યુનિટી સંપર્કો મારફત સમજી શકાય. રોથ્સચાઈલ્ડ ફાઉન્ડેશનના વર્ષોથી સપોર્ટ સાથે AHT તેનો મુખ્ય ઈવેન્ટને વિકસાવવા સાથે સ્થાનિક અસરને ઊંડી બનાવવાનું અને દર વર્ષે રંગ અને સર્જનાત્મકતા દ્વારા કોમ્યુનિટીઓને સાથે લાવી તેની સાંસ્કૃતિક પહોંચને વિસ્તારવાનું કાર્ય ચાલુ રાખે છે.