એફિલ ટાવર વિવાદમાં BAPSને ક્લીનચીટ

Wednesday 07th October 2026 05:49 EDT
 
 

પેરિસઃ ફ્રાન્સમાં સ્વામિનારાયણ સંસ્થાને બદનામ કરવાનો પ્રયાસ આખરે નિષ્ફળ પૂરવાર થયો છે. ગત 5 સપ્ટેમ્બરના રોજ બોચાસણવાસી અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) સંસ્થાના કેટલાંક સાધુઓએ પેરિસના વિખ્યાત એફિલ ટાવરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પહેલાં સાધુઓએ એફિલ ટાવરના મેનેજમેન્ટને તેમની મુલાકાત સવારના પહેલાં સ્લોટમાં ગોઠવવા વિનંતી કરી હતી. જેથી કરીને મુલાકાતીઓનો ધસારો ઓછો હોય અને તેઓની મુલાકાત ઝડપથી સંપન્ન થઇ જાય.
જોકે તે સમયે સ્વામિનારાયણ સંસ્થાવિરોધી માનસિકતા ધરાવતા કેટલાંક લોકોએ એવી અફવા ફેલાવી હતી કે સ્વામિનારાયણ સંસ્થાના સાધુઓએ એફિલ ટાવરમાં કામ કરતી મહિલા કર્મચારીઓને મુલાકાત દરમ્યાન દૂર કરી દેવાની વિનંતી કરી હતી. આ અફવા સાંભળતા જ એફિલ ટાવરનાં મહિલા કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી ગયાં હતાં અને થોડાં જ સમયમાં પેરિસ શહેરની વિવિધ નારીવાદી સંસ્થાઓએ એફિલ ટાવર ખાતે વિરોધ પ્રદર્શન યોજી સ્વામિનારાયણ સંસ્થાનો જોરદાર વિરોધ કર્યો હતો.
આ ઘટનાના પગલે સ્વામિનારાયણ સંસ્થાએ તાત્કાલિક ખુલાસો કરતું નિવેદન જાહેર કર્યું હતું કે તેમના તરફથી મહિલા કર્મચારીઓને નજરથી દૂર રાખવાની કોઇ વિનંતી કરાઇ નહોતી, પરંતુ તેમના આ ખુલાસાને કોઇએ સ્વીકાર્યો નહોતો. બાદમાં એફિલ ટાવરના મેનેજમેન્ટે સમગ્ર ઘટનાની તપાસ કરાવી હતી જેમાં સ્પષ્ટ ખુલાસો થઇ ગયો છે કે સ્વામિનારાયણ સંસ્થાના સાધુઓની મુલાકાત વેળાએ એફિલ ટાવરની મહિલા કર્મચારીઓને દુર રાખવા હિન્દુ સંસ્થા તરફથી કોઇ મૌખિક કે લેખિત વિનંતી કરાઇ નહોતી.
એફિલ ટાવરના ડાયરેક્ટર અને જનરલ મેનેજર પેટ્રિક બ્રેન્કો રૂઇવોએ સ્વામિનારાયણ સંસ્થાના સાધુઓની મુલાકાત સમયે ટાવરની મહિલા કર્મચારીઓને દૂર રાખવાની કોઇ સૂચના મળી હોવાની વાતને સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢી હતી. ‘આવી કોઇ સૂચના મળી હોય તેમ મારી જાણમાં નથી અને મેનેજમેન્ટે પણ મહિલા કર્મચારીઓને દૂર રાખવાની કોઇ સૂચના આપી નહોતી’ એમ તેમણે ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું.
પેરિસ સિટી જનરલ ઇન્સ્પેક્ટરેટ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે મુલાકાતના આયોજન અને વ્યવસ્થાપનમાં ‘સામૂહિક અવ્યવસ્થા’ના કારણે ટાવરનાં મહિલા કર્મચારીઓને થોડો સમય ટાવરથી દૂર રખાયાં હતાં.
ફ્રાન્સના પ્રસિદ્ધ અખબાર ‘લે પેરિસિયન’માં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ, જનરલ ઇન્સ્પેક્ટોરેટ ઓફ પબ્લિક સેફ્ટીને હિન્દુ ધાર્મિક પ્રતિનિધિમંડળ તરફથી ‘સમગ્ર કાફલામાંથી મહિલાઓને દૂર રાખવાની કોઈ સ્પષ્ટ વિનંતી’ મળી નથી. તપાસમાં જણાવાયું છે કે મુલાકાતની વ્યવસ્થા ‘પરસ્પર સંમતિ ધરાવતા પુખ્ત લોકો વચ્ચે’ કરાઇ હતી. તપાસ દરમિયાન બીએપીએસ તરફથી મહિલા કર્મચારીઓને દૂર કરવા અથવા પ્રતિનિધિ મંડળની મુલાકાત દરમિયાન તેમને પાછળ રાખવા અંગે કોઈ લેખિત સંદેશ વ્યવહાર પણ મળ્યો નથી. અહેવાલમાં જણાવાયું છે કે, ‘આ અભિપ્રાય વ્યક્ત કરતો એક પણ લેખિત દસ્તાવેજ કે એક પણ ઈ-મેઇલ નથી. બધું જ પરસ્પર સંમતિ ધરાવતા પુખ્ત લોકો વચ્ચે થયું હતું.’

•••

બીએપીએસ - પેરિસનું નિવેદન

વિવાદના વમળો સર્જનાર એફિલ ટાવર કેસમાં ક્લીનચીટ મળ્યા બાદ બીએપીએસ-પેરિસે એક નિવેદન જારી કર્યું છેઃ જેમાં જણાવાયું છે... ‘એફિલ ટાવર ખાતે અમારા પ્રતિનિધિ મંડળની મુલાકાત સંબંધિત સત્તાવાર તપાસના તારણો બહાર આવ્યા બાદ, BAPS સૌથી પહેલાં આ મુલાકાત સાથે જોડાયેલી ઘટનાઓથી પ્રભાવિત થયેલા કર્મચારીઓ પ્રત્યે પોતાની સંવેદના પુનઃ વ્યક્ત કરવા માંગે છે. શરૂઆતથી જ BAPS એ સતત સ્પષ્ટ કર્યું છે કે તેણે ક્યારેય મહિલા કર્મચારીઓને છુપાવવા, હટાવવા કે બાકાત રાખવા માટે જણાવ્યું જ નહોતું. તપાસથી આ હકીકત સ્થાપિત થાય છે કે મુલાકાતના માર્ગ પર મહિલાઓને બાકાત રાખવા માટે BAPSએ આવી કોઈ વિનંતી કરી નહોતી. અમને આશા છે કે આ સ્પષ્ટતા સંજોગોને વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ થશે અને સંકળાયેલા સૌ માટે આદરપૂર્વક આગળ વધવાનો માર્ગ મોકળો કરશે.’ - બીએપીએસ પેરિસ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter