લંડનઃ એલ્સ્ટ્રી અને બોરહામવૂડમાં તમામ ધર્મો, સંસ્કૃતિઓ અને પશ્ચાદભૂ સાથે કોમ્યુનિટીઓના લોકો પ્રકાશના ઉત્સવ દિવાળીની ઊજવણી કરવા એકત્ર થવા સાથે એકતાની ભાવના મજબૂત બની હતી. કાઉન્સિલર તુષાર કુમાર અને કાઉન્સિલર પરવીન રાનીના સમર્પિત પ્રયાસો સાથે એલ્સ્ટ્રી અને બોરહામવૂડ ટાઉન કાઉન્સિલ દ્વારા બોરહામવૂડના એલમ હોલમાં આયોજિત ઈવેન્ટમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંધકાર પર પ્રકાશ અને અશુભ પર શુભના વિજયના સાર્વત્રિક સંદેશામાં સહભાગી બની રહેવા કાઉન્સિલના રહેવાસીઓ, ફેઈથ લીડર્સ અને મહાનુભાવો એક છત નીચે આવ્યા હતા.
ઈવેન્ટની સાંજનો આરંભ આશા, સંવાદિતા અને શાંતિના પ્રતીકરૂપે પરંપરાગત દીપપ્રાગટ્ય સાથે કરાયો હતો. હિન્દુ, શીખ, ક્રિશ્ચિયન, યહુદી અને મુસ્લિમ કોમ્યુનિટીઓના ધાર્મિક પ્રતિનિધિઓ દીપપ્રાગટ્યમાં સામેલ થયા હતા જેના થકી વૈવિધ્યતા, સમાવેશીતા અને આંતરધર્મી એકતાની ટાઉનની મજબૂત પ્રતિબદ્ધતા ઉજાગર થઈ હતી. પ્રોગ્રામમાં ભારતીય ક્લાસિકગલ નૃત્યો સહિત સાંસ્કૃતિક પરફોર્મન્સીસ, ભક્તિસંગીત અને કોમ્યુનિટીના નેતાઓ દ્વારા પ્રેરણાદાયી સંદેશાઓ નોંધપાત્ર રહ્યા હતા. તમામ વય અને પશ્ચાદભૂના લોકોએ લોકપ્રિય બોલીવૂડ ગીતો પર ડાન્સ કર્યો હતો. સમગ્ર વાતાવરણમાં હાસ્ય, આનંદ અને ઉત્સવ છવાઈ ગયા હતા.
કાઉન્સિલર તુષાર કુમારે જણાવ્યું હતું કે, ‘આ દિવાળી ઊજવણીએ આપણી કોમ્યુનિટીના હૃદયને સુપેરે વ્યક્ત કર્યું છે. જીવનના દરેક ક્ષેત્રના લોકો પ્રકાશ, પ્રેમ અને એકતાને ઉજવવા એકત્ર થયા છે તે સારું લાગે છે.’ કાઉન્સિલર પરવીન રાનીએ ઉમેર્યું હતું કે ‘આ પ્રકારના ઈવેન્ટ આપણને યાદ અપાવે છે કે વૈવિધ્યતા આપણી સૌથી મોટી તાકાત છે. આપણે જ્યારે સાથે મળીને ઊજવણી કરીએ છીએ ત્યારે આપણે એલ્સ્ટ્રી અને બોરહામવૂડમાં તમામ માટે મજબૂત સંબંધો અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ છીએ.’


