અમદાવાદઃ વિશ્વભારતી સંસ્થાન તથા એસજીવીપી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ‘જુઈ-મેળો’ કવયિત્રી સંમેલનનું આયોજન થયું હતું. સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીના દિવ્ય આશીર્વાદ સાથે યોજાયેલા આ સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલા સર્જકોએ હાજરી આપી હતી.
‘જુઈ-મેળો’ એટલે પ્રસન્નતા, પાંખવાળી પંક્તિઓ અને સંસ્કારી અવાજની એક સંગમ યાત્રા. ‘જુઈ-મેળો’ સાહિત્યની વિવિધ શૈલીઓ, શૃંગાર, દેશભક્તિ અને જીવન-વિમર્શના વિચારો તેમજ ગુજરાતી ભાષાની મધુરતા અને સંસ્કૃતના અભિનયી વાક્યોએ સૌના ચિત્તને ઝળહળાવી દીધું હતું.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી, જેના દ્વારા કાવ્ય અને સંસ્કારના સુગંધિત સમન્વયને ઉજાગર કરાયો હતો. દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય અર્જુનકુમાર શામલના અધ્યક્ષસ્થાને યોજાયેલા ઉદ્ઘાટન પ્રસંગે ડો. ચિંતન જોશી અતિથિવિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા.
આ શબ્દમેળામાં ગુજરાતના પ્રખ્યાત 13 કવયિત્રીઓએ પોતાના હૃદયમાંથી ઊઠેલી રચનાઓ રજુ કરી ત્યારે શ્રોતાઓના હૃદયકમળમાં મધુરતા છવાઈ હતી. આ પ્રસંગે ઉષા ઉપાધ્યાય, પ્રીતિ પૂજારા, પૂર્વી બ્રહ્મભટ્ટ, ગોપાલી બુચ, માર્ગી દોશી, જ્યોતિ રામાણી, વર્ષા પ્રજાપતિ, નિયતિ અંતાણી, કીર્તિદા બ્રહ્મભટ્ટ, રેણુકા દવે, ભાર્ગવી પંડ્યા, જિજ્ઞા વોરા અને નિરાલી પટેલે પોતાની રચનાઓ રજૂ કરી હતી.કવિતાઓની સાથે સાથે હાસ્યપ્રસ્તુતિ પણ રજૂ કરાઇ હતી. જેમાં ગૌરી શાહે ‘હાસ્યહિલ્લોળ’ નામથી શ્રોતાઓના ચહેરા પર હાસ્યવિસ્મય ઉજાગર કર્યો. કાર્યક્રમનું સંચાલન વર્ષા પ્રજાપતિ દ્વારા સરળ સંવાદશૈલીમાં અભિન્ન રૂપે સંભાળ્યું હતું.
આ પ્રસંગે ખાસ SGVP સંસ્થાના અધ્યક્ષ પપૂ ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધાપ્રિયાદાસજી સ્વામીની અનુકંપાથી આ કવયિત્રી સંમેલનનું સૂત્રસાંકળ ગૂંથાયું. પૂજ્ય સ્વામીજીએ સર્વ કવિયત્રીઓને સંસ્થામાં આવકારતો સંદેશો શાળાના આચાર્ય દ્વારા પાઠવ્યો હતો તથા પોતાના હૃદયની પ્રસન્નતા વ્યક્તિ કરી હતી. આ કવિતાસભા ખરેખર તો એક સાહિત્યિક ઉજવણી હતી, જેમાં સ્ત્રી રચનાશક્તિ, ગુજરાતી ભાષાનો વૈભવ અને સંસ્કૃતની ગૌરવગાથાનો સંગમ જોવા મળ્યો.