અમદાવાદઃ છારોડી સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (એસજીવીપી) ખાતે સંસ્થાના અધ્યક્ષ પૂ. ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂ. બાલકૃષ્ણદાસજી સ્વામીના દિવ્ય સાંનિધ્યમાં ભવ્ય બાલ ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરાયું હતું. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સંસ્થાના કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઇને ઉજવણીને અદ્ભુત અને યાદગાર બનાવી હતી.આ મહોત્સવમાં એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કૂલના 2000 બાળકો, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના 200 બાળકો અને મેમનગર ગુરુકુળના 100 બાળકો જોડાયા હતા. આ બાળભક્તોએ પોતાની શ્રદ્ધા અને ભક્તિ પ્રગટ કરવા માટે અનોખી રીતે પૂજન કર્યું હતું. તેમણે ચોકલેટ, બિસ્કિટ, ફૂલ અને અન્ય વસ્તુઓમાંથી જાતે બનાવેલા વિવિધ પ્રકારના હાર દ્વારા સ્વામીજી અને સંતોનું પૂજન કર્યું હતું. તેમજ ત્રણ નૃત્યો દ્વારા ગુરુવંદના કરી હતી. આ સમયે ભાવુક દ્રશ્ય સર્જાયું હતું.
17 દેશના બાળકો, 22 ભાષામાં ગુરુવંદના
આ ગુરુપૂર્ણિમા મહોત્સવનું સૌથી મોટું આકર્ષણ 17 દેશના બાળકો દ્વારા 22 ભાષાઓમાં ગુરુવંદના રજૂ કરવામાં આવી હતી. આ અદભુત અને વિશિષ્ટ કાર્યક્રમને નિહાળીને ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યચકિત અને પ્રભાવિત થયા હતા. આ વૈશ્વિક પ્રસ્તુતિએ વસુધૈવ કુટુંબકમ્ની ભારતીય સંસ્કૃતિની ભાવનાને જીવંત કરી દીધી હતી.આ પ્રસંગે પોતાના પ્રવચનમાં પૂ. સ્વામીજીએ જણાવ્યું હતું કે, ‘ભારત વસુધૈવ કુટુંબમમાં માને છે, ત્યારે આજે આ વાક્ય ચરિતાર્થ થાય છે. એસજીવીપીમાં 17 દેશના બાળકો તથા 22 ભાષામાં જે રીતે પ્રસ્તુતિ કરી છે, એ જોઈને અત્યંત આનંદ થાય છે.’ તેમના આ શબ્દોએ ઉપસ્થિત સૌમાં ગર્વ અને આનંદની લાગણી ભરી દીધી હતી.બાળકો ઉપરાંત, આ બાલ ગુરુપૂર્ણિમા મહોત્સવમાં સંસ્થાના 500 જેટલા કર્મચારીઓ પણ જોડાયા હતા. તેમણે પણ વિવિધ વિભાગના વડાઓ સાથે મળીને વિવિધ ઉપહારો સાથે સ્વામીજીનું પૂજન કરી પોતાની શ્રદ્ધા અર્પણ કરી હતી.
આ ઉપરાંત ઋષિકુમારો દ્વારા ગુરુકુલ સંસ્કૃતિ સંવાદ રજૂ થયો હતો. બાળકોએ ખીલી અને દોરા દ્વારા તૈયાર થયેલ અદ્ભુત ચિત્ર પૂ. સ્વામીજીને અર્પણ કર્યું હતું.સમગ્ર મહોત્સવ ભક્તિ, ઉત્સાહ અને આનંદના વાતાવરણથી ભરપૂર રહ્યો હતો, જે ખરેખર એક અદ્ભુત અનુભવ હતો. આ બાલ ગુરુપૂર્ણિમા મહોત્સવે ગુરુ-શિષ્ય પરંપરાના મહત્વ અને વૈશ્વિક એકતાના સંદેશને સુપેરે ઉજાગર કર્યો હતો. આ મહોત્સવનું તમામ સંચાલન બાળકો દ્વારા જ કરાયું હતું.