ઓમ કેર ગ્રૂપનું ડિમેન્શીઆ કાફેઃ કોમ્યુનિટીને વ્યક્તિલક્ષી સારસંભાળની ભેટ

Wednesday 14th October 2026 07:29 EDT
 
 

ઓમ કેર ગ્રૂપ દ્વારા તેના ડિમેન્શીઆ કાફેની ત્રીજી આવૃત્તિનો આરંભ કરાયો છે, જે સ્થળે ડિમેન્શીઆ ધરાવતા લોકો, તેમના પરિવારો અને સારસંભાળ લેનારા લોકો સલામત અને સપોર્ટિવ વાતાવરણમાં એક સાથે હળી મળી શકે છે, વાતચીતો કરી શકે છે અને અર્થસભર પ્રવૃત્તિઓનો આનંદ માણી શકે છે.

ડિમેન્શીઆ કાફે ઓમ કેર ગ્રૂપની ડિમેન્શીઆની પરંપરાગત સંભાળ વ્યવસ્થાથી આગળ વધીને ડિમેન્શીઆની પર્સોનાલાઈઝ્ડ- વ્યક્તિલક્ષી સારસંભાળ અને પરિવારોને સપોર્ટ કરવાની વિસ્તૃત પ્રતિબદ્ધતાનો હિસ્સો છે. અહીંના સેશન્સમાં હળવી માનસિક કસરતો, કોયડાઓ, કાર્ડ ગેમ્સ, સ્મૃતિલક્ષી રમતો તેમજ અંતાક્ષરી અને પરિચિત ગીતો જેવી મ્યુઝિકલ એક્ટિવિટીઝનો સમાવેશ થાય છે, જેના થકી અરસપરસ વાતચીત અને આનંદ માણવા સાથે યાદશક્તિને ઉત્તેજિત કરવામાં મદદ મળે છે.

ઓમ કેરના સારસંભાળ નિષ્ણાત પ્રોફેશનલ્સ પણ સેશન દરમિયાન ઉપસ્થિતોને સપોર્ટ અને મદદ કરવા હાજર હોય છે, જેનાથી લોકોને હળવાશ, સમાવેશિતા અને કાળજી લેવાતી હોય તેવા વાતાવરણને સર્જવામાં મદદ મળે છે. ચા, કોફી, નાસ્તા અને હળવા રિફ્રેશમેન્ટ્સ પણ પીરસવામાં આવે છે જેનાથી અનૌપચારિક અને સામાજિક વાતાવરણમાં ઉમેરો થાય છે.

ઓમ કેર માને છે કે ડિમેન્શીઆની સારસંભાળ વ્યક્તિલક્ષી હોવી જોઈએ કારણકે દરેક વ્યક્તિની યાદગીરીઓ, રોજબરોજની આદતો, રસ, સાંસ્કૃતિક અનુભવો અને અભિવ્યક્તિના માર્ગો અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિ માટે એક જ અભિગમને અનુસરે તેવી અપેક્ષા રાખવાના બદલે વ્યક્તિને અનુકૂળ થાય તેવી સારસંભાળ હોવી જોઈએ.

ઓમ કેર તેના ડિમેન્શીઆ કાફે મારફત આ ફીલોસોફીને વ્યાપક કોમ્યુનિટી સમક્ષ લાવે છે અને ડિમેન્શીઆ ધરાવતા લોકો સામાજિક રીતે સંકળાયેલા રહે, સંપર્કમાં રહે અને તેમને મૂલ્યવાન ગણવામાં આવે તેમાં મદદરૂપ બને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter