લંડનઃ યુકેમાં બ્રિટિશ ભારતીય સમુદાયો સાથે સંપર્કો વધારવાના મિશનના ભાગરૂપે કન્ઝર્વેટિવ ફ્રેન્ડઝ ઓફ ઈન્ડિયા (CF India)ના યજમાનપદે દેશમાં ભારતીય ડાયસ્પોરાની સૌથી વધુ વસ્તી ધરાવતા લેસ્ટર વિગ્સ્ટનમાં હોલિડે ઈન ખાતે દિવાળીની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી.
પ્રકાશના ઉત્સવ તેમજ બ્રિટન અને ભારત વચ્ચે ટકાઉ મિત્રતાને મજબૂત બનાવવાની ઊજવણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના વરિષ્ઠ સભ્યો, કોમ્યુનિટી અગ્રણીઓ અને બિઝનેસ લીડર્સ સહિત 140થી વધુ મહેમાનો ઉપસ્થિત હતા. ઉપસ્થિત મહાનુભાવોમાં શેડો હેલ્થ સેક્રેટરી સ્ટુઅર્ટ એન્ડ્રયુ MP, શેડો મિનિસ્ટર નીલ ઓ’બ્રિઆન MP, લેસ્ટર ઈસ્ટના સાંસદ શિવાની રાજા, બેરોનેસ સંદીપ વર્મા તેમજ CF Indiaના સહાધ્યક્ષો સર ઓલિવર ડાઉડેન MP અને ડો. કૂલેશ શાહનો સમાવેશ થયો હતો. ભારતીય હાઈ કમિશનર વતી મોહમ્મદ શાહિદ આલમે ભારતીય હાઈ કમિશનનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ઈવેન્ટમાં CF Indiaની કામગીરી અને તળિયાના સ્તરે તેની હાજરી મજબૂત બનાવવામાં કોમ્યુનિટી અગ્રણીઓ, એન્ટેપ્રીન્યોર્સ અને પ્રોફેશનલ્સને સાંકળવાના નેશનલ ઈનિશિયેટિવ કન્ઝર્વેટિવ ફ્રેન્ડઝ ઓફ ઈન્ડિયા એમ્બેસેડર પ્રોગ્રામ લોન્ચ કરાયો હતો. એમ્બેસેડર પ્રોગ્રામ વોલન્ટીઅર્સને તેમના સ્થાનિક વિસ્તારોમાં CF Indiaનું પ્રતિનિધિત્વ કરવા, સામુદાયિક સંબંધોનું નિર્માણ, સંપર્કની પ્રવૃત્તિઓને સપોર્ટ તેમજ યુકે અને ભારતના સહભાગી મૂલ્યો અને સંબંધોને પ્રદર્શિત કરવાની તક આપે છે.
કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને વિપક્ષના નેતા કેમી બેડનોક MPએ સંદેશામાં જણાવ્યું હતું કે, ‘કન્ઝર્વેટિવ ફ્રેન્ડઝ ઓફ ઈન્ડિયાએ આપણા પક્ષ અને ભારત વચ્ચેના સંબંધો મજબૂત બનાવવામાં ભારે યોગદાન આપ્યું છે. નવો એમ્બેસેડર પ્રોગ્રામ વધુ લોકોને સ્થાનિક અને ભારતીય મૂળના બ્રિટિશ લોકો સાતે સંકળાવાની અનોખી તક પૂરી પાડે છે.’
CF Indiaના સહાધ્યક્ષ ડો. કૂલેશ શાહે જણાવ્યું હતું કે,‘આ પ્રોગ્રામ અમારા વિઝન અને ઉત્સાહના સહભાગી તમામ માટે ખુલ્લું આમંત્રણ છે. અમે દેશભરમાં બ્રિટિશ ભારતીયોને સશક્ત બનાવવા માગીએ છીએ, તેમનો અવાજ વધારવા અને આપણા રાષ્ટ્રીય નેટવર્કને મજબૂત બનાવવા માગીએ છીએ. લેસ્ટર હંમેશાં અમારા મિશન અને ટકાઉ તફાવત સર્જવાની મહત્ત્વાકાંક્ષાનાં કેન્દ્રમાં રહેશે.’ વક્તાઓએ લેસ્ટર ઈસ્ટમાં નોંધપાત્ર યોગદાન આપવા બદલ શિવાની રાજા MPનો આભાર માનવા સાથે તેમની નેતાગીરી અને કોમ્યુનિટી સાથે સતત સંપર્ક જાળવવા પર ભાર મૂક્યો હતો.


