કરમસદ સમાજ યુકેઃ જરૂરિયાતનાં સમયે મદદ કરવા આગળ આવતી સંસ્થા

Tuesday 16th May 2023 05:37 EDT
 
 

લંડનઃ કરમસદ સમાજ યુકેની 52મી વાર્ષિક સામાન્ય સભા (AGM) સોમવાર 23 એપ્રિલ, 2023ના રોજ યોજાઈ હતી. આટલા વર્ષોની યાત્રા દરમિયાન સંસ્થાએ ઘણી સિદ્ધિ હાંસલ કરી છે. આ સભા દરમિયાન મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કરમસદ સમાજ યુકે (એશિયન સંગઠન)ની સ્થાપના ડિસેમ્બર 1971માં કરવામાં આવી હતી. હાલ યુકેના આશરે 1300 પરિવારો આ સંસ્થાનું સભ્યપદ ધરાવે છે.

ભારતના લોહપુરુષ અને સરદાર પટેલ તરીકે પ્રખ્યાત વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલના જન્મસ્થાન ગુજરાતસ્થિત નાના ગામ કરમસદની કોમ્યુનિટી દ્વારા તેનું સંચાલન કરાય છે. યુકેમાં છ ગામ ચરોતર સમાજની પ્રથમ સંસ્થાઓમાં એક કરમસદ સમાજ યુકે અહીંના સમાજમાં ગરબા, ફેમિલી પિકનિક અને ભોજન સમારંભ તથા નૃત્ય કાર્યક્રમો સહિત સાંસ્કૃતિક અને સામુદાયિક ઈવેન્ટ્સની જરૂરિયાત ઓળખવામાં પ્રથમ સંસ્થાઓમાં પણ એક છે. સંસ્થા દ્વારા એકત્ર કરાતા ભંડોળમાંથી યુકેમાં કેન્સર રિસર્ચ, મેનકેપ, ગોશ, સાઈટ સેવર્સ, બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન સહિતની વિવિધ ચેરિટીઝને અને વિદેશમાં પણ દાન અપાય છે.

કોરોના મહામારી અને નિયંત્રણોના ગાળામાં સંસ્થા ભંડોળ એકત્ર કરવા કોઈ ચેરિટી ઈવેન્ટ્સ યોજી શકી ન હતી. આથી, કેટલાક કમિટી મેમ્બર્સે ટેલિફોન વાતચીતમાં NHS Charitiesની ટુગેધર અર્જન્ટ કોવિડ-19 અપીલ માટે નાણા કેવી રીતે એકત્ર કરી શકાય તેની ચર્ચા કરી હતી. સંસ્થા તેના સભ્યોના સારાં સ્વાસ્થ્યની પૂછપરછ કરવા હંમેશાં ટેલિફોન કરતી હતી ત્યારે તેઓ કોવિડ-19 અપીલ માટે નાણાકીય દાન કરવા ઈચ્છશે કે કેમ તેની પણ પૃચ્છા કરી હતી. સભ્યો અને મિત્રોની ઉદારતાને નજરમાં રાખી 3,000 પાઉન્ડનું પ્રાથમિક લક્ષ્ય રખાયું હતું તે ઝડપથી પૂર્ણ થઈ ગયું અને નવું લક્ષ્ય 5,000 પાઉન્ડનું રાખવા નિર્ણય લીધો હતો. નવું લક્ષ્ય પણ પરિપૂર્ણ થયાં પછી સંસ્થાએ આખરે 10,000 પાઉન્ડનું ભંડોળ એકત્ર કર્યું હતું.

સંસ્થાના પ્રેસિડેન્ટ મહેન્દ્રભાઈ સંતોકભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘જ્યારે પણ જરૂરિયાત ઉભી થાય ત્યારે આપણા જેવી સંસ્થા મદદ કરવા આગળ આવે તે જોઈને ઘણું સારું લાગ્યું છે. મદદની આ અપીલને સારો પ્રતિભાવ આપવા બદલ અમે કરમસદ સમાજ યુકેના સભ્યો અને મિત્રો માટે ગૌરવ અનુભવીએ છીએ. અમે BAPS ઈન્ડિયા કોવિડ ઈમર્જન્સી અપીલ માટે કુલ 2001 પાઉન્ડનું દાન એકત્ર કરી શક્યા હતા.’

             મારા પિતાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા બદલ સમાજનો અત્યંત આભારઃ દ્વિજેશ પટેલ

કરમસદ સમાજ યુકેની વાર્ષિક સામાન્ય સભામાં સ્વ. શ્રી જ્યોતીન્દ્ર આપાભાઈ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. સભામાં ઉપસ્થિત તેમના પુત્ર શ્રી દ્વિજેશભાઈ પટેલે આ બાબતે કરમસદ સમાજનો આભાર માનતા જણાવ્યું હતું કે, ‘વાર્ષિક સામાન્ય સભામાં મારા પિતા જ્યોતીન્દ્ર આપાભાઈ પટેલને જે સ્નેહાળ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ તે બદલ હું કરમસદ સમાજ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરું છું. હું અહીં મારા સ્વર્ગસ્થ પિતા, માતા અને દાદાજીને ઓળખતા ઘણા લોકોને મળ્યો છું. સુંદર આયોજન માટે કોમ્યુનિટીના વોલન્ટીઅર્સનો આભારી છું. મારા પિતાને અપાયેલી સુંદર શ્રદ્ધાંજલિ ઉપરાંત, ભોજન, સંગીત અને કાર ફેસિલિટી પણ સરસ હતી.

તેમણે જણાવ્યું હતું કે, ‘મારા પિતા, દયાળુ, મજબૂત અને ભલા વ્યક્તિ હતા. તેઓ સારાં ભોજન અને સંગીતના પણ પ્રેમી હતા. તેમણે ભારતીય સંગીતનું નિર્માણ કરતી મ્યુઝિક કંપની ઓડિયોરેકની સ્થાપના કરી હતી. મારા પિતાને હંમેશાં કરમસદ ગામ અને સરદાર વલ્લભભાઈ પટેલ માટે ગર્વ હતો. એજીએમમાં તેમના સ્મરણનું આયોજન કરવાની તક આપવા બદલ અમે કરમસદ સમાજના ઘણા આભારી છીએ.

’અહીં આશરે 400 લોકો ઉપસ્થિત રહી પરિવારો અને મિત્રો સાથે સંપર્ક જાળવવાનો આનંદ મેળવી રહ્યા હતા. સમાજ દાન પર કાર્ય કરે છે અને તેના માટે અપાયેલાં દાનનો ઉપયોગ ઉપસ્થિત લોકો માટે ભોજન, પીણાં અને મનોરંજન માટે કરવામાં આવે છે. સાંસ્કૃતિક સાતત્યની જાળવણી અને પૂર્વજોનું સ્મરણ કરાય છે તેને ધ્યાનમાં રાખીએ તો આ તેમના જ ઉપયોગમાં આવે છે. જ્યારે સ્વયંસેવકો અન્યોને સપોર્ટ કરે છે ત્યારે તેનું પરિણામ અનેકગણું મળે છે જે એકજૂટ બની વોલન્ટીઅરીંગ કરવાના સામાજિક ફાયદાનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે‘ તેમ દ્વિજેશભાઈએ જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, ‘કોવિડ લોકડાઉન્સના ગાળામાં વોલન્ટીઅર્સ અને કરમસદ સમાજના કમિટી મેમ્બર્સે પણ ચેરિટીઝ અને હોસ્પિટલો માટે રસોઈ તૈયાર કરવામાં, દાન અને ભંડોળો એકત્ર કરવામાં તેમજ ખરીદીની સહાયમાં સામેલ થયા હતા. ઈન્વર્ક્લાઈડમાં મહામારી સામે પ્રતિસાદમાં તેઓ અગ્રેસર રહ્યા હતા. હું નાનો હતો ત્યારે મારા પેરન્ટ્સ સાથે સમાજના ઈવેન્ટ્સમાં હાજર રહેતો હતો અને યુનિવર્સિટી પછી મિત્રો અને અભ્યાસ પાછળ વધુ સમય અપાતો હતો.’

‘મારા પિતાનું અવસાન થયું ત્યારે મને આ બધું જ યાદ આવતું હતું અને મને લાગ્યું કે હું પણ કોમ્યુનિટીનો હિસ્સો છું અને પિતાના આત્માને આનંદ થાય અને કોમ્યુનિટીનો વિચારથી તેમને ગર્વની લાગણી થાય તે માટે મારે કશું કરવું જોઈએ. મારા પિતાનો જે કોમ્યુનિટીમાં ઉછેર થયો અને જે કરમસદ ગામને તેઓ ઘણું ચાહતા ત્યાં મારા પિતાની પશ્ચાદભૂ અને બાળપણ વિશે કહેવાની મને જે તક આપવામાં આવી તે ખરેખર અદ્ભૂત છે. આજનો સંદેશો તો એ જ છે કે યુકેમાં સમાજને ચલાવવામાં આપણે પરસ્પર સહયોગ આપવો જોઈએ તેમજ વોલન્ટીઅરીંગ માટે ચેરિટીઝ અને ડોનેશન્સ પણ આવશ્યક છે. આ બધા સાથે કામ ચલાવી યાત્રાને આગળ વધારતા રહેવું જોઈએ. આ બધું કોમ્યુનિટી માટે સારો સ્રોત બની રહેશે જ્યાં લોકો પરસ્પર અને કોમ્યુનિટી સંપર્ક જાળવી શકવા વિશે ગર્વ અનુભવી શકે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter