કરમસદમાં VYO દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને સ્માર્ટ સ્ટીકનું વિતરણ

Wednesday 19th May 2021 06:23 EDT
 
 

પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના સંસ્થાપક જગદગુરુ વલ્લભાચાર્યજીના ૫૪૪મા પ્રાદુર્ભાવ ઉત્સવની વિશ્વભરમાં સમસ્ત વૈષ્ણવ સમુદાય દ્વારા ઉજવણી થઈ હતી. તે દિવસે વડોદરાના માંજલપુર વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે યુવા વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણાથી VYO દ્વારા સેવા સંકલ્પ અંતર્ગત "બીઇંગ બ્લાઇન્ડ બીઇંગ સ્ટ્રોન્ગર " અભિયાનમાં  ભારતના ૨૬ શહેરોમાં પ્રજ્ઞાચક્ષુઓને રૂ. ૧૮૫૧ની કિંમતની સ્માર્ટ સ્ટિક પ્રદાન કરવામાં આવી હતી.
તેના ભાગરૂપે વલલ્ભ યુથ ઓર્ગેનાઈઝેશન કરમસદ એકમ દ્વારા રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ એકમની હોસ્ટેલ ખાતે એક પ્રતિકાત્મક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં બે તબક્કે ૨૫ વ્યક્તિઓને આ સ્ટીક અપાઈ હતી. આ પ્રસંગે અંધજન મંડળ આણંદ એકમના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, મંત્રી સુધાબેન પટેલ, જલારામ જન સેવા ટ્રસ્ટ ધર્મજ દ્વારા ચાલતી દિવ્યાંગો માટેની પ્રવૃત્તિના પ્રોજેક્ટ ડિરેક્ટર રાજેશ પટેલ (ધર્મજ), VYOકરમસદ એકમના પ્રમુખ અંકિત પટેલ (મુખી), મહિલા પાંખના પ્રમુખ પીનાબેન પટેલ, યુવા પાંખના પ્રમુખ કુશ પટેલ તથા અન્ય સ્વયંસેવક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સુધાબેન પટેલે સ્વાગત પ્રવચન કરી અંધજન મંડળની પ્રવૃત્તિઓની રૂપરેખા આપી હતી.  રાજેશ પટેલે સમગ્ર પ્રોજેક્ટની ટૂંકી માહિતી આપતા  જગદગુરુ વલ્લભાચાર્યજી જયંતીનું માહાત્મ્ય જણાવ્યું હતું અને કહ્યું કે આ કોઈ દાન નથી પરંતુ, એક વૈષ્ણવ દ્વારા બીજા વૈષ્ણવની સેવા માત્ર છે.
આ સ્ટીકની કિંમત રૂ. ૩,૦૦૦ પ્રતિ નંગ છે. જેના માટે દેસ અને દુનિયાભરમાંથી વૈષ્ણવોએ ઉદાર દિલથી સેવા કરી છે. આ સ્ટીકની ખાસિયત એ છે કે તેમાં એક સેન્સર લાગેલું છે. તેને મોબાઈલની જેમ ચાર્જ કરતા રહેવાનું હોય છે. આ ચાર્જરના કારણે આ સ્ટીક ધરાવનાર વ્યક્તિની આસપાસ એકથી ત્રણ ફૂટ જગ્યામાં આવતી વસ્તુ, વ્યક્તિ કે અડચણ વગેરેની આગોતરી જાણ સ્ટીકના હેન્ડલમાં રાખેલા વાઈબ્રેટર મારફતે થઈ જાય છે. તેથી આ સ્ટીક દરેક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને રોજબરોજના જીવનમાં ખૂબ ઉપયોગી તથા આશીર્વાદરૂપ સાબિત થાય છે.    
વડોદરા , ભાવનગર, જામનગર, દાહોદ, કરમસદ, અમદાવાદ, લુણાવાડા, પેટલાદ, ઉમરેઠ, મુંબઈ, નંદુરબાર , તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઝારખંડ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ તેમજ રાજસ્થાનના શહેરોમાં પણ સ્માર્ટ સ્ટીક આપવામાં આવશે. ચાર મહિનામાં એક લાખ જેટલી સ્માર્ટ સ્ટીક દેશભરના વિવિધ શહેરોના પ્રજ્ઞાચક્ષુઓને આપવામાં આવશે. હાલ ગુજરાતમાં ૧.૨૫ લાખ પ્રજ્ઞાચક્ષુઓ છે. જેમાંથી ૭૦ ટકા જેટલા ગરીબ છે. ત્યારે દેશમાં પ્રથમ વખત આટલા મોટા પ્રમાણમાં સ્માર્ટ સ્ટીક આપવામાં આવી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter