કરુણા મેનોર કેર હોમ ખાતે ગાર્ડન પાર્ટી યોજાઈ

Tuesday 02nd June 2020 23:31 EDT
 

લંડનઃ હેરોસ્થિત કરુણા મેનોર કેર હોમ ખાતે રહેવાસીઓ તથા સભ્યો દ્વારા ગાયક શાહિદ અબ્બાસ ખાનની ઉપસ્થિતિમાં ૯ મે, શનિવારે ગાર્ડન પાર્ટીનું આયોજન કરાયું હતું. શાહિદ સ્વૈચ્છિકપણે ઉપસ્થિત રહ્યો હતો. સામાજીક અંતરના પાલન સાથે આ ગાર્ડન પાર્ટી યોજાઈ હતી. કોરોના વાઇરસ મહામારીને કારણે વર્તમાન પરિસ્થિતિમાં રહેવાસીઓ પોતાના પરિવારજનોને મળી શક્યા નથી અને રાબેતા મુજબના કોઇ કાર્યક્રમમાં પણ ભાગ લઇ શક્યા નહિ હોવાથી તેમને ઘરઆંગણે મનોરંજન મળી રહે તેવા હેતુ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.

માત્ર ત્રણ વર્ષની વયથી ગાવાનું શરૂ કરનાર ગાયક શાહિદ અબ્બાસ ખાને આ પ્રસંગે સંસ્થા ખાતે પોતાનો અનુભવ વર્ણવી કહ્યું કે મારા માટે હૃદયસ્પર્શી અને લાભદાયક અનુભવ રહ્યો છે. અહીં રહેનારા વડીલોના ચહેરા પર હું ખુશી લાવી શક્યો તે મારા માટે મોટી બાબત છે. હું દરેકના જીવનમાં દરરોજ ખુશી લાવી શકું તો તે ખરેખર મને ગમશે. અહીં ગાવા માટે આમંત્રણ આપવા બદલ હું સંસ્થાનો આભારી છું.

શાહિદે કરુણા મેનોરના હોટેલ સર્વિસ મેનેજર નિરાલી પટેલ અને કોમ્યુનિટી ડેવલપમેન્ટ મેનેજર ધ્વનિશા ઠાકર સહિત તમામ સંભાળ રાખનારા, નર્સો તથા અન્ય કર્મચારીગણનો આભાર માન્યો હતો.

કાર્યક્રમમાં સૌથી ખાસ બાબત જન્મદિવસની ઉજવણી રહી હતી. આ સપ્તાહે જેમનો જન્મદિવસ હતો તેવા શ્રીમતિ દેવકુવર સોલંકી (૭૭), શ્રીમતી શમીમ સૈયદ (૭૫) તથા શ્રીમતી લલિતા શાહ (૯૧) ઉપરાંત સંસ્થાના મહેનતુ નર્સ જોસેફાઈન સાનાનો જન્મદિવસ ગાયક શાહિદની ઉપસ્થિતિમાં કેક તથા સ્વાદિષ્ટ વ્યંજનો સાથે આ ગાર્ડન પાર્ટીમાં ઉજવાયો હતો. આ કાર્યક્રમને કેર હોમના નિવાસીઓએ ખૂબ આનંદ અને ઉલ્લાસથી માણ્યો હતો. શાહિદે કેર હોમના નિવાસીઓ માટે તેમના મનગમતા ગીત ગાયા હતા.

વધુ માહિતી માટે ધ્વનિશાનો ઠાકરનો સંપર્ક 0208 861 9600 પર કરી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter