કાર્ડિફમાં હિંદુ કાઉન્સિલ ઓફ વેલ્સ દ્વારા રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો

Wednesday 05th August 2020 07:43 EDT
 
 

લંડનઃ વેલ્સમાં માર્ચ મહિનામાં અમલી બનેલા લોકડાઉન બાદ પ્રથમ મોટા ધાર્મિક કાર્યક્રમ તરીકે તા. ૨ ઓગસ્ટને રવિવારે કાર્ડિફમાં હિંદુ કાઉન્સિલ ઓફ વેલ્સ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી. સંતરામ મંદિર કોમ્યુનિટી સેન્ટરમાં આયોજિત રક્ષાબંધનની આ વાર્ષિક ઉજવણીમાં સામાન્ય રીતે તમામ ઉંમરની બહેનો ભાગ લેતી હોય છે અને પોતાના ભાઈના હાથના કાંડા પર તેમની રક્ષાના પ્રતીક સમી રાખડી બાંધે અને બદલામાં ભાઈ તેમને ગીફ્ટ આપે છે. આ વર્ષે સોશિયલ ડિસ્ટન્સિંગના પગલાંને લીધે ભાઈઓએ જાતે જ રાખડી બાંધી હતી અને ઉજવણી દરમિયાન બે મીટરનું અંતર જળવાઈ રહે તે માટે લોકોની સંખ્યા ઓછી રખાઈ હતી.

આ કાર્યક્રમનું આયોજન હિંદુ કાઉન્સિલ ઓફ વેલ્સ દ્વારા ભારતના ઓનરરી કોન્સુલ રાજ અગ્રવાલના સહયોગથી કરાયું હતું. તેઓ તેમના રોયલ નેવી કેપ્ટનના યુનિફોર્મમાં સજ્જ હતા. અગાઉના વર્ષોની માફક આ કાર્યક્રમનું આયોજન આર્મ્ડ ફોર્સીસ, ઈમરજન્સી સર્વિસીસ અને કોમ્યુનિટી લીડર્સ દ્વારા કોમ્યુનિટીને અપાયેલા અમૂલ્ય યોગદાન બદલ તેમનો આભાર માનવા અને તેમના પ્રત્યે સમર્થન દર્શાવવા કરાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં રોયલ નેવી, RAF અને આર્મીનું પ્રતિનિધિત્વ કરતા બ્રિગેડિયર જોક ફ્રેઝર, એર કોમોડોર એડ્રિયન વિલિયમ્સ અને લેફ્ટનન્ટ કર્નલ મેકગિલનો સમાવેશ થતો હતો.

આ પ્રસંગે રાજ અગ્રવાલે જણાવ્યું હતું કે આજે એકબીજાના સાથસંગાથનો આનંદ માણી શકીએ છીએ તે ખૂબ મહત્ત્વની ક્ષણો છે. ઘણા લાંબા સમયથી કોઈ કાર્યક્રમ કે ઉજવણીના આયોજનની આપણને પરવાનગી અપાતી ન હતી. જેની ખોટ વરતાતી હતી. આજે અહીં ઘણાં પરિચિત લોકોને જોવાનું ખૂબ સારું લાગે છે. આ બાબત મિત્રતા, પારસ્પારિક સહયોગ અને એકબીજાના રક્ષણને સમર્પિત છે. આ કાર્યક્રમ ભાઈચારાનું મજબૂત બંધન હોવાની પુનઃખાતરી કરાવવા માટેની શ્રેષ્ઠ તક છે અને તે હિંમત, શિસ્ત, સંભાળ અને લાગણી જેવા મુખ્ય મૂલ્યો પર ભાર મૂકે છે. તેમણે કહ્યું કે મુશ્કેલીના આ કપરા સમયમાં વડીલો, નિર્બળ અને જરૂરતમંદ લોકોની સંભાળ રાખવા બદલ હું કોમ્યુનિટી લીડર્સ અને વોલન્ટિયર્સનો ખૂબ આભાર માનું છું.

હિંદુ કાઉન્સિલ ઓફ વેલ્સના વાઈસ ચેરમેન કરસનભાઈ વાઘાણીએ જણાવ્યું હતું,‘ આ પડકારજનક સમયમાં આપણી સાથે રક્ષાબંધનની ઉજવણી કરવા પોતાનો અમૂલ્ય સમય ફાળવવા બદલ આપણે આર્મ્ડ ફોર્સીસ, ઈમરજન્સી સર્વિસીસ અને કોમ્યુનિટી લીડર્સના ખૂબ આભારી છીએ. ખાસ કરીને કેપ્ટન રાજ અગ્રવાલના પણ આભારી છીએ કારણ કે તેઓ આપણા એમ્બેસેડર અને માર્ગદર્શક તરીકે હંમેશા આપણી સાથે રહેતા હોય છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter