વારાણસી: પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં થોજાયેલી સંતોની બેઠકમાં હિન્દુ આચારસંહિતા મુદ્દે મંથન થયું હતું. હવે કાશી વિદ્વત પરિષદના અનુસાર ઓક્ટોબર-2025માં આચારસંહિતા જાહેર કરવામાં આવશે. પહેલા તબક્કામાં 356 પાનાંની આચારસંહિતાની એક લાખ નકલો છપાવાશે અને તે હિન્દુ ધર્માવલંબીઓના ઘરે-ઘરે પહોંચાડાશે. તેની મારફત સમાજને વહેંચનારા લોકોને કડક શબ્દોમાં સંદેશ અપાશે.
આ સંહિતામાં દહેજ પ્રથા પર સંપૂર્ણપણે પ્રતિબંધની જોગવાઈ છે. લગ્નમાં માત્ર કન્યાદાન કરવાની મંજૂરી રહેશે અને લગ્ન વૈદિક રીતિરિવાજ સાથે અને દિવસ દરમિયાન જ કરાવવાની ભલામણ કરાઈ છે. સાથે સાથે જ મંદિરોના ગર્ભગૃહમાં માત્ર અર્ચકોને પ્રવેશની મંજૂરી આપવાની વાત કહેવાઈ છે. આ હિન્દુ આચાર સંહિતાને મનુસ્મૃતિ, પરાશર સ્મૃતિ, દેવલ સ્મૃતિની સાથે-સાથે રામાયણ, મહાભારત, ગીતા અને પુરાણોને આધારે તૈયાર કરાઈ છે. 70 વિદ્વાનોની 11 ટીમે એક સાથે મળીને દેશના 40 ધર્મસ્થળોએ બેઠકો કર્યા બાદ આ દસ્તાવેજ તૈયાર કર્યો છે. આ સંહિતા સમાજમાં સંતુલન, સાદગી અને ધાર્મિક મૂલ્યોના પુનઃ સ્થાપનનો માર્ગ મોકળો કરશે.
મહિલાઓના ધાર્મિક અધિકારો પર ભાર
સંહિતામાં મહિલાઓને ધાર્મિક અધિકારો આપવા પર વિશેષ ભાર અપાયો છે. મહિલાઓ હવે યજ્ઞ અને હવન જેવા અનુષ્ઠાનોમાં ભાગ લઈ શકશે. કન્યા ભૃણ હત્યાને પાપ જાહેર કરાયું છે. સાથે જ ઘર વાપસીની પ્રક્રિયાને સરળ બનાવતા સ્પષ્ટતા કરાઈ છે કે બ્રાહ્મણ શુદ્ધિકરણ બાદ વ્યક્તિને નવું ગોત્ર પણ આપી શકશે. પ્રી-વેડિંગ શૂટ જેવી દેખાડાની પરંપરાઓ પ્રતિબંધિત રહેશે. જ્યારે મૃત્યુભોજને મહત્તમ 13 લોકો સુધી મર્યાદિત કરાયું છે.ો