કિંગ્સબરી સ્વામિનારાયણ મંદિરે દિવાળી અને નૂતન વર્ષની ભવ્ય ઉજવણી

Wednesday 02nd November 2022 08:28 EDT
 
 

કિંગ્સબરીમાં શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે વિક્રમ સંવત 2079ના પ્રારંભની 26 ઓક્ટોબરે ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. દર્શનીય અન્નકૂટ સમક્ષ બિરાજમાન ભગવાનના દર્શન માટે 10 હજાર જેટલા ભાવિકો ઉમટી પડ્યાં હતાં. લંડનના મેયર સાદિક ખાને પણ મંદિરની મુલાકાત લીધી હતી.
દિવાળી અને નૂતન વર્ષની ઉજવણીના 6 દિવસીય મહોત્સવનો પ્રારંભ 21 ઓક્ટોબરે રમા એકાદશીના પર્વ સાથે કરાયો હતો. ધનતેરસના દિવસે સાંસ્કૃતિક પ્રદર્શન અને લાઇટ શો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. 24 ઓક્ટોબરે દિવાળી અને શ્રી સદ્દગુરૂ દિનની ઉજવણી કરાઇ હતી. આ સમગ્ર સમયગાળા દરમિયાન કિંગ્સબરી મંદિર દ્વારા સ્થાનિક ફૂડ બેન્કો અને ચેરિટિઝને દાન કરવા માટે ખાદ્યસામગ્રી અને જીવનજરૂરી વસ્તુઓ એકઠી કરાઇ હતી. દિવાળીની ઉજવણી દરમિયાન મંદિર સમુદાય અને મુલાકાતીઓ દ્વારા દર વર્ષે આ પ્રવૃત્તિ કરાય છે પરંતુ હાલમાં સર્જાયેલી કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસના કારણે પડતી હાડમારીઓના કારણે આ વર્ષે દાનના પ્રવાહમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો.
26 ઓક્ટોબરે નૂતન વર્ષના પ્રારંભ સાથે જ દિવાળીની ઉજવણીનું સમાપન થયું હતું. આ પ્રસંગે ભગવાનને અર્પણ કરાતા અન્નકૂટને અવનવી રીતે રજૂ કરવા માટે કિંગ્સબરી મંદિર જાણીતું છે. તાજેતરના વર્ષોમાં મંદિરના અન્નકૂટના ડિસ્પ્લેમાં કોરોના કાળમાં એનએચએસની કામગીરી અને લંડનના કોસ્મોપોલિટન સમુદાયોના યોગદાનને બિરદાવાયું હતું. આ વર્ષે અન્નકૂટમાં સ્વ. મહારાણીના 70 વર્ષના કાર્યકાળ અને કોમનવેલ્થના ડિસ્પ્લે રજૂ કરાયાં હતાં. ક્વીન નેતૃત્વ કરતાં હતાં તે કોમનવેલ્થ દેશોનું પ્રતિબિંબ ભોજન અને ડેકોરેશનમાં સ્પષ્ટ ઝલકતું હતું. આ વર્ષે મંદિર ખાતે અત્યાર સુધીનું સૌથી આકર્ષક અને ભવ્ય પ્રદર્શન આયોજિત થઇ શક્યું હતું. જેમાં સ્વર્ગસ્થ મહારાણીની ગોલ્ડન, ડાયમંડ અને પ્લેટિનમ ઉજવણીમાં ભાગ લેનાર મંદિરના શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડનો પણ સમાવેશ થતો હતો. આ પ્રદર્શન દ્વારા મહારાણીને ભવ્ય શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી.
આ દિવસે ડઝનબંધ કાઉન્સિલરો, સાંસદો અને મહાનુભાવો પણ મંદિરમાં દર્શન માટે આવ્યા હતા. લંડનના મેયર સાદિક ખાન તેમની મુલાકાત દરમિયાન મંદિરના અન્નકૂટથી ઘણા પ્રભાવિત થયા હતા. મંદિરની સખાવતી પ્રવૃત્તિ પણ જારી છે. આ માટે 6 નવેમ્બરના રવિવાર સુધી ખાદ્યસામગ્રી સ્વીકારાશે. આ દિવસે મંદિરમાં રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter