લંડનઃ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત લંડન સ્થિત સ્વામિનારાયણ મંદિર - કુમકુમના 12મા પાટોત્સવની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું અનેક વિવિધ ઉપચારોથી મહાપૂજન કરાયું હતું. જેમાં દૂધ-દહીં, ઘી-સાકર, કેસર જળ અને પુષ્પથી ભગવાન ઉપર અભિષેક કરાયો હતો. આ પ્રસંગે અબજીબાપાશ્રીની વાતોની પારાયણ પણ યોજાઇ હતી. જેમાં શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી અને શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ કથામૃતનું પાન કરાવ્યું હતું.
આ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આપણી ભારતીય સંસ્કૃતિ મંદિરો - શાસ્ત્રો અને સંતોના કારણે ટકી રહી છે. આજે પણ વિદેશની અંદર મંદિરો હોવાના કારણે આપણું યુવા ધન દર શનિવાર અને રવિવારે પણ પણ મંદિરોમાં આવતું હોવાથી તેમના સંસ્કારો સચવાઈ રહ્યા છે. મંદિરો અને સંતોના યોગમાં જે યુવાનો રહે છે, તેમનું જીવન વ્યસન મુક્ત અને સદાચારમય રહ્યું છે. યુવાનોને કુસંગથી બચાવવા માટે મંદિરોની ખાસ જરૂર છે. મંદિરમાં જવાથી શાંતિની દિવ્ય અનુભૂતિ થાય છે. તેથી આપણે સૌ કોઈએ નિત્ય ભગવાનના દર્શન કરવા મંદિરમાં અવશ્ય જવું જોઈએ.