અમદાવાદઃ સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ મણિનગરમાં કુમકુમ સંસ્થાનો પ્રારંભ કર્યો તેને 26 મેના રોજ 40 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગની રંગેચંગે ઉજવણી કરાઇ હતી.
આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ ફુલોના શણગાર કરાયા હતાં તો શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને 21 ફૂટનો વિશાળ હાર ધરાવાયો હતો. સૌ સંતો - સત્સંગીઓએ ધૂન, સામૂહિક પ્રાર્થના કરી હતી. ત્યારબાદ શ્રીજી વિજય સેવા સમિતિના યુવાન સભ્યોની સત્સંગ સભા યોજાઈ હતી. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી આ અંગે જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ રચેલ ત્યાગી સંતોના સિદ્ધાંતો છે તેને સાચવવાને માટે શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આ કુમકુમ સંસ્થાની સ્થાપના કરી હતી. વિદેશમાં પણ ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર થાય એટલા માટે કુમકુમ મંદિરના સંસ્થાપક સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી અને તેમના ગુરુ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌપ્રથમ ઈ.સ. 1948માં આફ્રિકામાં વિચરણ કર્યું હતું.
શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ અનેક વખત યુએસએ, કેનેડા, દુબઈ આદિ દેશોમાં પણ વિચરણ કર્યું છે. શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ લંડનમાં પણ મંદિરની સ્થાપના કરી છે.