કેન્યાના કિસુમુ ખાતે ગીતા ફાઉન્ડેશન દ્વારા આંખની હોસ્પિટલનું નિર્માણ

આ હોસ્પિટલમાં બાળકોને વિનામૂલ્યે સારવાર આપવાની ફાઉન્ડેશનની યોજના

Wednesday 02nd November 2022 09:44 EDT
 
 

લંડનઃ દીવાળી એટલે ભવિષ્ય તરફ મીટ માંડવા અને ભૂતકાળને વાગોળવાનો સમય. યુકેમાં રજિસ્ટર્ડ થયેલી સખાવતી સંસ્થા ગીતા ફાઉન્ડેશન તરીકે જાણીતા હસુમતી બાલમુકુંદ ફાઉન્ડેશને તાજેતરમાં જ કેન્યાની રાજધાની નૈરોબીથી થોડા અંતરે આવેલા કિસુમુ ખાતે તૈયાર થઇ રહેલી સૌપ્રથમ આંખની હોસ્પિટલ માટે 22,000 પાઉન્ડનું દાન આપ્યું હતું. આ સાથે સંસ્થા દ્વારા છેલ્લા એક વર્ષમાં અપાયેલા દાનની રકમ 32000 પાઉન્ડ પર પહોંચી છે.
કિસુમુ ખાતે હોસ્પિટલના નિર્માણ માટેની જમીન મેડિકલ ટિચિંગ કોલેજ દ્વારા દાનમાં મળી છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે આંખોની દ્રષ્ટિ બચાવવા માટે સંઘર્ષ કરી રહેલા બાળકોની વિનામૂલ્યે સારવાર ડોક્ટરો દ્વારા કરાશે. આ પ્રોજેક્ટનું નેતૃત્વ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા કરાયું છે અને ફાઉન્ડેશનનું લક્ષ્યાંક સૌથી વધુ જરૂરીયાતમંદ બાળકોને વિનામૂલ્યે સારવાર માટે ભંડોળ ઉપલબ્ધ કરાવવાનું છે. ભૂતકાળમાં ગીતા ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના વડોદરા ખાતેની હોસ્પિટલોને એમ્બ્યુલન્સ અને કરમસદ ખાતેની ક્રિશ્ના હોસ્પિટલને દાન અપાયાં હતાં.
ટ્રસ્ટીઓ શરદ પરીખ, શ્રી પરીખ અને કૌશિક દેસાઇ ગુજરાતમાં કન્યા શિક્ષણના પ્રોજેક્ટ સ્પોન્સર કરી રહ્યાં છે. ગુજરાતના સોજિત્રા પાસે આવેલા નાર ગામમાં કન્યા શાળાનું પુનર્વસન કરાયું છે. પ્રાઇવસી ન હોવાના કારણે ઘણી કન્યાઓ શાળામાં આવતી નહોતી તેથી આ શાળામાં નવા વોશરૂમ તૈયાર કરી અપાયાં છે. સ્માર્ટ રૂમની સાથે એક ડાઇનિંગ રૂમની સુવિધા પણ ઊભી કરાઇ છે. આગામી વર્ષોમાં આ સુવિધા નવી પેઢીઓ માટે જીવનશૈલીના ધોરણો ઉચ્ચ બનાવશે.
ફાઉન્ડેશનનું આગામી સ્વપ્ન હોટેલ રૂમમાં બાઇબલની સાથે ગીતા મૂકવાનું છે. આ
માટે હોટેલની માલિકી ધરાવતા લોકોનો તેમજ ગીતા મૂકવા માટે ફંડ આપવા ઇચ્છતા લોકોનો સહકાર ઇચ્છે છે. કોઇ પણ વ્યક્તિ ગીતા ફાઉન્ડેશનમાં હસુમતી બાલમુકુંદ પરીખ એસોસિએશન - યુકે ચેરિટી નંબર 1047977510ના બાર્કલે બેન્ક એકાઉન્ટ નંબર 106538માં પણ દાન જમા કરાવી શકે છે. તેનો સોર્ટ કોડ નંબર 20-84-17 છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter