લંડનઃ કેન્સરગ્રસ્ત સ્ત્રીઓ, પરિવારો, સારસંભાળ લેનારાઓ તેમજ મિત્રોને પણ તેમની યાત્રામાં સંપૂર્ણ સપોર્ટ ઓફર કરતી રજિસ્ટર્ડ ચેરિટી એશિયન વિમેન કેન્સર ગ્રૂપ (AWCG) દ્વારા તાજેતરમાં સભ્યો, મિત્રો અને પરિવારો સાથે વર્ષના અંત નિમિત્તે ઊજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ ચેરિટી ગ્રૂપની સ્થાપના 2006માં કરાઈ હતી અને તાજેતરમાં જ તેને ચેરિટી તરીકે રજિસ્ટર્ડ કરવામાં આવી છે. હાલ તેના 170થી વધુ સભ્ય છે.
કેન્સરગ્રસ્તોને સારવાર પછી પણ શારીરિક અને સંવેદનાત્મક સંઘર્ષ એકલા રહીને કરવો ન પડે અને તેમના પોતાના વાતાવરણની બહારથી મદદ કરી શકાય તેની ચોકસાઈ માટે પણ AWCG દ્વારા સપોર્ટ કરાતો રહે છે. આયોજકોએ જણાવ્યું હતું કે તેમનું લક્ષ્ય તમામ પ્રકારના કેન્સરથી અસરગ્રસ્તોને સહાય કરવાનું, જાણકારીની વહેંચણી અને અરસપરસ સશક્તિકરણ તેમજ કોમ્યુનિટીમાં કેન્સર વિશે જાગરૂકતા ઉભી કરવાનું છે. AWCG મુખ્યત્વે એશિયન મહિલાઓને સપોર્ટ કરવા સ્થપાયું છે છતાં, કોઈ પણ બેકગ્રાઉન્ડની કેન્સરગ્રસ્ત મહિલાને સપોર્ટ કરવાની જરૂર હોય ત્યાં પાછીપાની કરાતી નથી.
આ ઉપરાંત, કેન્સરયાત્રામાંથી પસાર થઈ રહેલી એશિયન સ્ત્રીઓની સાંસ્કૃતિક અને ભાવનાત્મક જરૂરિયાતો પૂર્ણ કરવા તેમજ મેઈનસ્ટ્રીમ સપોર્ટ ગ્રૂપ્સ દ્વારા નહિ મળતી સેવાની ખાઈનું નિરાકરણ લાવવાનું લક્ષ્ય પણ આ ગ્રૂપ ધરાવે છે. એશિયન મહિલા ઓને અસર કરતી સાંસ્કૃતિક વૈવિધ્યતા સહિતના મુદ્દાઓ ધ્યાને લેવાય છે જેથી તેઓ જ્યાં પણ રહેતાં હોય ત્યાં ગેરમાન્યતાઓ અને કલંક, ભાષાકીય અવરોધો દૂર કરવામાં મદદ મળી શકે.
AWCG અન્ય કેન્સર ચેરિટીઝ અને એકેડેમિક સંસ્થાઓ સાથે મળી સંશોધન, શિક્ષણ અને બહેતર પરિણામો માટે સહકાર સાધે છે. આ વર્ષે બકિંગહામ પેલેસમાં કિંગ ચાર્લ્સ સાથે અન્ય ચેરિટી સંસ્થાઓ સાથે AWCGને પણ રિસેપ્શનમાં આમંત્રિત થવાનું સન્માન મળ્યું હતું. અહીં સંસ્થા દ્વારા દરરોજ જે કામગીરી કરાય છે તેને બિરદાવાઈ હતી.
આયોજકોએ વોલન્ટીઅર્સ અને શુભેચ્છકો પ્રતિ આભાર વ્યક્ત કરી આગામી વર્ષમાં પણ મહત્ત્વપૂર્ણ સપોર્ટ અને સશક્તિકરણ પૂરી પાડવાની તૈયારી દર્શાવી હતી. આ ચેરિટી ગ્રૂપ વિવિધ પ્રવૃત્તિ અને યુવાવર્ગ અને વડીલો સહિત તમામ વયજૂથના સાથસંગાથ, સપોર્ટ માટે એક મહિનામાં ત્રણ વખત નોર્થ હેરો ખાતે બપોરના 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી મળવાનો કાર્યક્રમ રાખે છે તેમજ વર્ષમાં ત્રણ વખત વર્કશોપ્સનું આયોજન પણ કરવામાં આવે છે. AWCGના સભ્યો વિવિધ પ્રકારની કેન્સરયાત્રામાંથી પસાર થઈ ચૂક્યા હોવાથી વિશ્વસનીય અને રચનાત્મક વાતાવરણમાં પોતાની કથા અન્યોને જણાવી હૂંફ પૂરી પાડી શકે છે. સભ્યો તેમના મિત્રો, કેરર્સ અને પરિવારના સભ્યોને સામાજિક મેળાવડા અને ખુલ્લી બેઠકોમાં આમંત્રી શકે છે.
આ વર્ષાંત ઊજવણીમાં સહુએ સાથે મળીને ભોજન, સંગીત અને નૃત્યની મોજ માણી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે આવું આનંદિત અને ઉત્સાહપૂર્ણ વાતાવરણ ગ્રૂપની મજબૂત સામુદાયિક ભાવનાને ઉજાગર કરે છે તેમજ કેન્સરગ્રસ્ત મહિલાઓને સપોર્ટ પણ મળે છે. જો તમને કેન્સરનું નિદાન કરાયેલી અથવા હાલ કેન્સરયાત્રામાંથી પસાર થઈ રહેલી કોઈ પણ મહિલા વિશે જાણકારી હોય તો AWCGની દિશા ચીંધતા અચકાશો નહિ.
વધુ માહિતી માટે રોહિણીબહેન પટેલ (07968 386798) અને વિનાક્ષીબહેન પોપટ (07503 626712)નો સંપર્ક સાધવા ઉપરાંત, ઈમેઈલ [email protected] તેમજ www.asianwomencancergroup.co.uk વેબસાઈટની મુલાકાત લઈ શકાય છે.


