કોરોનાના કહેરમાં માનવતાની મહેંક: અરસ-પરસ અહોભાવનું આદાન-પ્રદાન

જ્યોત્સના શાહ Tuesday 28th April 2020 08:35 EDT
 
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને ૨૫ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરી રહેલ પૂ.શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી અને અન્ય અગ્રણીઓ
 

વાચક મિત્રો, કોરોના મહામારીની વ્યાપકતા અને ગંભીરતાએ માનવધર્મ ઉજાગર કર્યો છે. નાત-જાત, રંગભેદ, ધર્મને બાજુએ રાખી એકબીજાના દુ:ખમાં સહભાગી બનવાની હકારાત્મક સ્પર્ધાને કારણે બ્રિટનમાં નાગરિક ધર્મ વધુ જાગ્રત બન્યો જોઇ શકાય છે. એક બાજુ પોતાના જીવનને હોડમાં મૂકી દર્દીઓની સારવાર ને સાજા કરવાની ખેવના કેન્દ્ર સ્થાને રાખી કોવીદ-૧૯માં નિ:સ્વાર્થ સેવા આપતા ફ્રન્ટ લાઇન મેડીકલ સ્ટાફ, ડોકટર્સ, નર્સો, કેરર્સ, એમ્બ્યુલન્સ, પોલીસ, ફાયર સ્ટેશનો, ટ્રાન્સપોર્ટ સ્ટાફ વગેરે વિવિધ સ્તરેથી રાત'દિ ફરજ બજાવવામાં ઝૂકી પડ્યા છે તો બીજી બાજુ એમના ખાવા-પીવાની તેમજ રક્ષણ માટે જરૂરી PPE સાધનો, વેન્ટીલેટર્સ આદીની જરૂરિયાત પૂરી પાડવા અનેક સેવાભાવી ભાઇ-બહેનો અને કંપનીઓ પોતાની ફરજ બજાવવા આગળ આવી રહ્યા છે. એ સૌને અભિનંદન. પ્રતિ સપ્તાહે નવા નવા સમાચાર અમને સાંપડતા રહે છે જે આપણા માટે પ્રેરણાદાયી બની રહે છે.
કોરોના વાયરસ, કોવીદ-૧૯નો ભોગ બનેલાઓની વધતી જતી સંખ્યાને કારણે તાજેતરમાં લંડનના એક્સેલમાં બંધાયેલ વિશાળ હોસ્પીટલ નાઇટિંગલના ડોકટરો, નર્સો, અને એમની સમગ્ર ટીમ યુધ્ધના ધોરણે કામ કરી જનસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરૂં પાડી રહ્યા છે. એમની આ સરાહનીય સેવાના ભાગીદાર બની એક નાગરિક તરીકે પોતાની ફરજ સમજી સક્રિય બનેલ ભાઇ-બહેનોને ધન્યવાદ. અત્રે જણાવેલ માહિતી અમને પૂરી પાડવા બદલ શ્રી કિશોરભાઇ પંડ્યાનો અને એમની સમગ્ર ટીમનો ખુબ ખૂબ આભાર.
ઇસ્ટ લંડનના આનંદ પાન હાઉસના શ્રી કિશોરભાઇ પંડ્યા, તાજ ફુડ્સના શ્રી અનિલભાઇ સોલંકી, વી.બી. એન્ડ સન્સ, ક્વોલીટી ફુડ્સ, મીના સ્ટોરના સહકારથી વોલ્ધામ સ્ટોમાં નવી બનેલ શેફ્રન રેસ્ટોરન્ટના શ્રી હારૂનભાઇના કીચનમાં રોજના જરૂરત મુજબ ૧૭૦૦થી ૨૫૦૦ સુધીના લંચ બોકસીસ તૈયાર કરી ગુડમેઝની નોટિંગેલ હોસ્પીટલ, વ્હીપક્રોસ હોસ્પીટલ, ઇસ્ટ લંડનના વડિલોની સંભાળ રાખતા કેર હોમ્સ, ઘર-વિહોણાં નિ:સહાયોને સેવા પૂરી પાડે છે.
રસોઇ બનાવવાથી માંડી ડીલીવરી સુધીની સેવાઓમાં શેફ્રન રેસ્ટોરન્ટના શ્રી હારૂનભાઇ અને એમનો સ્ટાફ, વોલંટીયર્સ અને કુટુંબીજનો મળી ૪૦ જેટલા સેવાભાવી ભાઇ-બહેનોની ટીમ માનવતા મહેંકાવી રહેલ છે. અત્રે જણાવેલ મોટા મોટા સુપર માર્કેટો તરફથી દાળ, બાસમતી ચોખા, તેલ, ફ્રોઝન પીઝ, મિકસ્ વેજીટેબલ્સ તથા અન્ય સામગ્રી જથ્થાબંધ (૫૦૦ કિલો બાસમતી ચોખા, ૫૦૦ કિલો તુવેર દાળ વગેરે) પૂરી પાડવામાં આવે છે.
• શ્રી બર્મિંગહામ પ્રગતિ મંડળ (શ્રી કૃષ્ણ મંદિર), સ્પાર્કબ્રુક, બર્મિંગહામના જનસંપર્ક અધિકારી જણાવે છે કે, UHB ટ્રસ્ટની પાંચ હોસ્પીટલો (ક્વીન એલિઝાબેથ, હાર્ટલેન્ડ્સ, સોલીહલ, ગુડ હોપ અને નવી તૈયાર થયેલ નાઇટીંગલ-બર્મિંગહામ)માં કોવીદ-૧૯ ના ICU વિભાગ અને એ સંબંધિત વોર્ડ્સમાં આઇ પેડ અને ટેબ્લેટ્સની ખાસ જરૂર છે. કોવીદ-૧૯ને કારણે દર્દીને અલગ, એકાંતમાં રહેવું પડે છે. એમને મળવા કોઇ આવી શકતું નથી. પોતાના નિકટજન સાથે વાતચીત ન થવાને કારણે ચિંતા અને મૂંઝારો અનુભવાય છે. ખાસ કરી વડિલો માટે આ પરિસ્થિતિ અસહ્ય બની જાય છે.
આવા સંજોગોમાં પોતાના કુટુંબીજન સાથે વાતચીત કરી મન હળવું કરવાનો ઉપાય છે ટેબ્લેટ કે આઇ પેડ. જેના દ્વારા ચહેરા જોઇ વાતચીત થવાને કારણે હળવાશ અનુભવાય.
એમના માટે આ સાધનો ખરીદી મદદ કરવા મંદિર તરફથી અપીલ કરાઇ અને £4000નું ભંડોળ એકત્ર કરાયું. જેનાથી ૧૫ ટેબ્લેટ્સ હોસ્પીટલોને અપાશે. વધુ ભંડોળ માટે અપીલ ચાલુ છે. વધુ માહિતી માટે સંપર્ક: રમણભાઇ બલસારા : 07748 658 498 / 0121 244 2713
• તાજ ફુડ્સ લિ.ના સેલીબેન સોલંકીએ જણાવ્યું કે, અમે NHS ફ્રન્ટ લાઇન મેડીકલ સ્ટાફની ત્યાગભાવનાની કદરરૂપે અમારી સેવા સાદર કરવાનું નક્કી કર્યું. અમે "જસ્ટ ગીવીંગ ક્રાઉડ ફઁડ રેઇઝર" શરૂ કર્યું અને ખુબ સારો પ્રતિસાદ સાંપડ્યો. પરિણામે અમે કોવીદ-૧૯ સામે ઝઝૂમી રહેલાઓ માટે દરરોજ ૨૭૫ થી ૩૦૦ જેટલા ૫ કોર્સ શાકાહારી ભોજન છેલ્લા ત્રણેક સપ્તાહથી પહોંચાડી રહ્યા છે. જેમાં ક્વીન્સ હોસ્પીટલ, કિંગ જ્યોર્જ અને ન્યુહામ જનરલ હોસ્પીટલમાં મુખ્યત્વે નાઇટ શીફ્ટ કરી રહેલને રોજ તાજું ભોજન પૂરી પાડી અમારો નાગરિક ધર્મ બજાવી રહ્યા છે.
૨૨ એપ્રિલ ૨૦૨૦ના રોજ અમારી આ સેવાની કદર કરતો એક સરસ સંદેશ ઇમેઇલ અને વીડીયો NHS Bart@queens તરફથી મળ્યો છે. જેમાં ન્યુહામ યુનિવર્સિટી હોસ્પીટલ, બાર્ટ્સ હેલ્થ NHS ટ્રસ્ટે જણાવ્યું છે કે, “તાજેતરમાં તમારા અને તમારી ટીમ તરફથી મળેલ દાન અને NHS પરત્વેની વફાદારી દાખવવા માટે અમે આપનો હાર્દિક આભાર માનીએ છીએ. કોવીદ-૧૯ સામે લડત આપવા આપના જેવા ઉદારમના દાતાઓ અમારી સાયકોલોજીકલ અને મોરલ સપોર્ટની જરૂરત પણ પૂરી પાડી રહ્યા છો એ સરાહનીય છે.
• વૈષ્ણવ સંઘ ઓફ યુ.કે.એ નોર્થ વેસ્ટ લંડનની સ્થાનિક હોસ્પીટલમાં NHS ટ્રસ્ટને સપોર્ટ કરવા NHS સ્ટાફ માટે જરૂરી મહત્વના સાધનો PPE અને દર્દીઓની દરકાર માટે વિશિષ્ઠ સાધનો ખરીદીને આપવા માટે હેરોના મેયર સાથે મળીને ૨૫,૦૦૦ પાઉન્ડનું ફંડ કરવાનું ભગીરથ કાર્ય ઉપાડ્યું છે. નોંધનીય છે કે અગાઉ મહાપ્રભુજીના પ્રાગટ્ય દિનની તારીખ હતી જે લંબાવીને ૩૦ એપ્રિલ કરવામાં આવી છે. દાન માટે સંપર્ક સુભાષ લાખાણી 077 48324 092. બ્રેન્ટ, હેરોના નિવાસીઓ માટે આ ઉપયોગી ફંડમાં સૌને ફુલ નહિ તો ફુલની પાંખડી આપવા અપીલ કરવામાં આવી છે. ઓનલાઇન દાન માટે http:// virginmoneygiving.com/ fund/vsuk-nhs Account details: Name: VSUK Account number:66206468 • sort code:30-93-90
વૈષ્ણવ સંઘ ઓફ યુ.કે. દ્વારા આપણી કોમ્યુનિટીના અશક્ત અને વયોવૃધ્ધ વડિલો માટે ઇન્ફોર્મેશન સર્વિસની શરૂઆત કરી છે. જેમાં ભોજન, મેડીકલ સર્વિસ, ગ્રોસરીની ખરીદી કરવી હોય કે કોઇને શારીરિક, માનસિક તકલીફ હોય અને એકલતા અનુભવતા હોય એવા લોકોને વાતચીત કરી હળવાશ અનુભવવી હોય તેમના માટે ખાસ સેવાની સુવિધા કરવામાં આવી છે. સંપર્ક: વિશાલ સોઢા 020 8243 8790.
કોરોના મહામારીને કારણે ૨૫ માર્ચથી સરકારે લોકડાઉન જાહેર કરતાં અસંખ્ય ગરીબ નિઃસહાય માટે અમદાવાદ ખાતે વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી (કડી-અમદાવાદ)એ અન્નદાનની સેવા આરંભી છે. અન્નદાનની સેવા આપવા ઈચ્છનારે મીનાબેન પોપટનો 07958 436 586 ઉપર સંપર્ક સાધવો.
• અક્ષય પાત્ર ફાઉન્ડેશન ૨૫ માર્ચ ૨૦૨૦થી કોવીદ-૧૯ ભારતમાં લોકડાઉન જાહેર થયું એ દરમિયાનમાં ભારતના રાજ્યોમાં ૨૫ મિલિયનથી વધુ નિ:સહાયો અને જરૂરતમંદોને ભોજન પૂરૂં પાડ્યું છે. યુ.કે.માં પણ ગ્રેટર લંડનમાં ૬૦,૦૦૦થી વધુ નિ:સહાયો અને ઘર વિહોણાંને બાળકો સહિત સૌને શાકાહારી ભોજન સેવા આપેલ છે. ફુડ ફોર ઓલ સાથે મળી અમે દરરોજના ૩૦૦૦ વન પોટ મીલ લંડનના ટોટનહામ સ્ટેડિયમ, કેન્ટીશ ટાઉન, કિંગ્સ ક્રોસ, કેમડન અને આસપાસના બરોમાં પહોંચતા કરીએ છીએ એમ અક્ષયપાત્ર ફાઉન્ડેશન યુ.કે.ના ડાયરેક્ટર-ડેવલપમેન્ટ એન્ડ પાર્ટનરશીપ જુહી રાઠીએ "ગુજરાત સમાચાર" અને "એશિયન વોઇસ"ના પ્રતિનિધિને જણાવતાં ઉમેર્યું કે, ફંડીંગ અને ટેકનોલોજીની સેવા અક્ષયપાત્ર દ્વારા પૂરી પડાય છે અને મેક્સફીટ કીચનમાં ફુડ પેકેટ બનાવવા તથા વહેંચણમાં વીસેક વોલંટીયર્સ સેવા આપી રહેલ છે. આ સેવા હજી સમયની માંગ મુજબ થોડો સમય ચાલુ રાખીશું.
યુ.કેમાં પણ ઘર-વિહોણાં અને ભૂખને કારણે સ્કુલે જવાનું ટાળતાં બાળકોને અક્ષયપાત્ર તરફથી દરરોજ ભોજન મળતાં તેઓ સ્કુલમાં જતા થયા છે. એમની આ સેવાની કદરરૂપે BBC તરફથી "ગ્લોબલ ફુડ ચેમ્પીયન્સ ઇન ૨૦૧૯" ટાઇટલ એવોર્ડ એનાયત થયો હતો.
• વલ્લભ યુથ ઓરગેનાઇઝેશન(VYO) તરફથી વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજીએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની રાહતનિધીમાં ૨૫ લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો: વડાપ્રધાન રાહત ફંડમાં ૫૧ લાખ રૂપિયાનું યોગદાન
 ભારતમાં પ્રવર્તમાન કોરોના મહામારીના પરિણામે ભારત સરકારે રાષ્ટ્રીય લોકડાઉન જાહેર કર્યું જેથી દેશ અને રાજ્યમાં નિરાધાર પરિવારોને ભોજનની સમસ્યા ઉભી થઇ જેમાં દેશના જવાબદાર નાગરિકની ફરજના ભાગરૂપે સ્વ સંકલ્પ કરીને વૈષ્ણવાચાર્ય પૂ.શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ પહેલ કરી. એમની પ્રેરણાથી સંચાલિત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO) વિશ્વ પરિવાર તરફથી કોરોના વાયરસથી પીડિતોને મદદ કરવા અને એની અસરને નાબૂદ કરવા ગુજરાતના મુખ્યમંત્રીના રાહત ફંડમાં શ્રી વિજયભાઇ રૂપાણીને ૨૫ લાખ રૂપિયાના યોગદાનનો ચેક વડોદરા ખાતે અર્પણ કરવામાં આવ્યો હતો. અને વડાપ્રધાન રાહત ફંડમાં ૫૧ લાખ રૂપિયાનો ચેક આપવા નિર્ધાર કર્યો છે. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના લંડનના સંપર્ક : જયશ્રીબેન રાડિયા :
07903054838 રૂપા બેન ક્કકર :07767254165 દેવયાનીબેન પટેલ: 07929 165 395
• નિજાનંદ દ્વારા નિરાધાર ગરીબોને પોષણ યુક્ત ભોજન : આણંદ-બોરસદ રોડ ઉપર આવેલ નિજાનંદ રીસોર્ટસના સૂત્રધાર લંડન સ્થિત શ્રી યોગેન્દ્રભાઇ પટેલ દ્વારા આણંદની આસપાસના ગામડાઓમાં (ખાંધલી, વાંસખિલીયા, વ્હેરા)ના કામવિહોણાં ગરીબ-નિરાધારોને પોષણ યુક્ત ભોજન પૂરૂં પાડવાનો સેવાયજ્ઞ આરંભ્યો છે. ગરમા ગરમ ભોજન નિજાનંદના "આતિથ્ય રેસ્ટોરંટ"ના રસોડે તૈયાર થાય છે. જે કોઇને સેવામાં સહભાગી થવું હોય તેઓએ 07770 865 117 સંપર્ક સાધવો.

દરેક સેવાભાવી સંસ્થાઓ, સેવાભાવી વ્યક્તિઓ સન્માન અને અભિનંદનને પાત્ર છે. જે કોઇ સંસ્થા આવા સમાજિક કાર્યમાં પ્રવૃત્ત હોય તેઓએ ગુજરાત સમાચાર, એશિયન વોઇસને પોતાની કામગીરી વિષે માહિતી email: [email protected] પર મોકલી આપવા વિનંતિ. (વધુ આવતા સપ્તાહે...)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter