કોરોનાનો કેર : માનવજાત સામે એક મોટો પડકાર

જ્યોત્સના શાહ Wednesday 15th April 2020 05:22 EDT
 
નીસડન મંદિરમાં સ્વામીઓ દ્વારા શંખનાદ કરી એનએચએસનું અભિવાદન 
 

મિત્રો, સમગ્ર દુનિયાને પોતાના ભરડામાં લઇ રોજના હજારો-લાખો કોરોનાનો શિકાર બની મોતના મુખમાં ધકેલાયાના સમાચારે સૌના જીવ પડીકે બંધાયા છે. કોણ, ક્યારે એનો શિકાર બને એ ભય ચારેકોર ફેલાઇ ગયો છે. ચાઇનાના વુહાનથી શરૂ થયેલ આ વાયરસે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. કોવીદ – ૧૯ નામે ઓળખાતો આ વાયરસ એટલી ઝડપભેર ફેલાઇ રહ્યો છે કે દુનિયાભરના તમામ વ્યવહારો પર લગામ લાગી ગઇ છે. રોજ-રોજ બહાર પડતા મૃત્યુ આંક અને અને ભોગ બનેલાઓના આંકડા રૂંવાડા ખડાં કરી દે તેવા છે. અખબારો કે ટી.વી., રેડિયો આદી પ્રચાર માધ્યમોમાં કોરોના છવાઇ ગયો છે.
વાહનવ્યવહારથી ધમધમતી દુનિયાને થંભી જવાની ફરજ પડી છે. રસ્તા પર ચાલતા વાહનો કે આકાશમાં ઉડતા વિમાનો બધા વિરામના મોડ પર ઉભા છે. ફાયનાન્સ હાઉસો કે ટ્રાન્સપોર્ટ બધું જ શીથીલ બની ગયું છે. દુનિયાની ઇકોનોમીને ભારે ધક્કો લાગ્યો છે. રોજ ખાઇને કમાનારા માટે કપરો સમય છે. ઘડિયાળના કાંટે ચાલતા માનવીઓ ઘરની ચાર દિવાલોમાં બંદી બની બેસી ગયા છે. શાળા-કોલેજો બંધ થઇ ગઇ છે. ઓફિસો બંધ થતાં મોટાભાગનાનો વ્યવહાર ઘરમાં બેસી કોમ્પ્યુટરના કી બોર્ડ પર આંગળીઓ વડે ચાલી રહ્યો છે. હાલ મેળાવડાઓ, ઉત્સવો, બર્થડે, લગ્ન, એનિવર્સરી જેવા પ્રસંગો કે ધાર્મિક તહેવારો પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. બધે જ લોકઆઉટ. જાત સમજથી કે સરકારી વટહુકમથી આ લોકઆઉટનું સન્માન સૌએ કરવું જ રહ્યું. પોતાની અને અન્યોની સલામતિ ખાતર.
તો વળી બીજી બાજુ હેલ્થ સર્વિસ, ડોક્ટરો, નર્સો, સફાઇ કામદારો, પોલીસ, સીવીલ સર્વિસના કર્મચારીઓ પર કામનું ભારણ અનેક ગણું વધી ગયું છે. પોતાની સલામતિ કરતા અન્યોની સલામતિ કાજે તેઓ ઝઝૂમી રહ્યા છે. ધન્ય છે આ વીરો અને એમની ફરજ પરસ્તિને.
 આવા કટોકટીભર્યા સમયમાં તાજેતરમાં બ્રિટનના મહારાણીના રાષ્ટ્રજોગ સંદેશમાં આશાનું કિરણ પ્રગટતું જોઇ શકાય છે. આ પડકારભર્યા સંજોગોમાં સ્વયં શિસ્તનું પાલન કરી આપણા માટે જીવના જોખમે કામ કરી રહેલાઓને પોરસવાના છે. આપણાં આડોશ-પાડોશમાં રહેતા વડિલો કે અશક્તોને ખરીદીમાં, ભોજન પૂરૂં પાડવામાં આદી યથા શક્તિ જે પણ મદદ થઇ શકે એ કરવાની છે. સંવેદનશીલ માનવ બની કરૂણા વહેવડાવવાની છે. સમય જતાં બધું થાળે પડશે. પરંતુ હાલ તો સંજોગોનો સામનો કરવા કટીબધ્ધ બનવું જ રહ્યું. આપણે સૌ સાથે મળી સફળતા મેળવીશું એમાં શંકા નથી.
કોરોનાના કપરા સમયમાં જીવનનો આનંદ કે ઉત્સવ હકારાત્મક અભિગમ ધરાવતા આપણાં ભાઇ-બહેનો નવી ટેકનોલોજીના સહારે માઇલો દૂર અલગ-અલગ દેશોમાં વસતાં કુટુંબીજનો, મિત્રો સાથે સામૂહિક મિલન અને વાતો કરવાનો લ્હાવો લઇ રહ્યા છે જે અગાઉ કદી શક્ય બન્યો ન હતો. માઇલોનું અંતર નજદીકીમાં ફેરવાઇ ગયું છે. રામ નવમી, મહાવીર જયંતિ, હનુમાન જયંતિ જેવા તહેવારો અને સત્સંગો પણ ઓન લાઇન ઉજવી જીવનની ધન્યતા માણી રહેલાઓને સલામ કરવી ઘટે! આપણે તો ઉત્સવ પ્રિય પ્રજા! એકેય મોકો હાથથી જવા દેવાય!
આમ જુઓ તો વ્યવહારોની આવન-જાવન અને માણસોની હેરાફેરી પર બ્રેક લાગવાથી પર્યાવરણ સુધરી રહ્યું છે. નદી-દરિયા ને સરોવરોના જળ પણ શુધ્ધ બની રહ્યા છે. પશુ-પંખી નિર્ભયપણે વિહરી રહ્યા છે. એમનો શિકાર બંધ છે. આપણી જાત સાથે વાત કરી, ચિંતનનો પણ આ સમય છે. કોરોનાના આ પ્લસ પોઇન્ટનો સદુપયોગ કરી જીવનમાં આવતાં પડકારોને હંફાવી જીત મેળવીએ એવી શુભેચ્છા.

----------------

કોરોનાની કટોકટીમાં માનવતાનો સાદ સાંભળી  સક્રિય બનેલ સૌને સલામ....

વેબ કાસ્ટના માધ્યમે સામાજિક, ધાર્મિક પ્રવૃત્તિઓ વેગીલી બની

- જ્યોત્સના શાહ

કટોકટીના આ સમયમાં લંડનના NHS સ્ટાફ અને નિ:સહાયોને - કોવીદ ૧૯નો ભોગ બનેલ લોકોને મફત ભોજન પૂરા પાડવા વેમ્બલીના ચિંતન પંડ્યા, દક્ષા વરસાની અને મોના પંડ્યા સાથે મળી "કોવીદ-૧૯ રીસ્પોન્સ કીચન"ની યોજના ઘડી ફંડ ઉઘરાવી જોરશોરથી કામ કરી રહ્યા છે. વિલ્સડનગ્રીન, સ્વામિનારાયણ મંદિરના દક્ષા બહેને ઘરેથી અને ચિંતનભાઇએ એમની વેમ્બલીમાં આવેલ "દેશી ધાબા" રેસ્ટોરંટના રસોડેથી કોવીદગ્રસ્તોને ભોજન પહોંચાડવાની પહેલ કરી. એમના રસોડે રોજના ૨૦૦૦ થી વધુ ભોજન તૈયાર કરી NHSની લંડન અને લૂટન સહિતની ૧૬ હોસ્પીટલો તથા બહાર નીકળી ન શકે એવા વડિલો, અસહાય લોકોના ઘરે-ઘરે જઇ ટીફીન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એમણે અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રોજ-રોજ માંગ વધતી જાય છે. આ સદ્કાર્ય ઘણા બધાના સાથ-સહકાર અને દાતાઓના દાનથી ચાલી રહેલ છે.
એમના સપ્લાયર્સમાં ગ્રેડગોલ્ડ કેટરીંગ તરફથી શાકભાજી અને ફળો, વી.બી.એન્ડ સન્સ તરફથી મૂળ ભાવે રાશન, સેટકો તરફથી પ્લાસ્ટીક કન્ટેઇનર્સ, કિંગ્સબરીના બંસરી દાબેલી તરફથી ૫૦૦ મીલ્સ, સેવા ડે પ્રોજેક્ટ અન્વયે શ્રી જલારામ મંદિર, ગ્રીનફર્ડ તરફથી, શ્રી સ્વામિનારાયણ મંદિર, વિલ્સડન તરફથી ફળો, વોલંટીયર્સ, આર્થિક સહાય અને આલ્પર્ટનમાં આવેલ કચ્છીયા સમાજનો ફંકશન હોલ આ પ્રવૃત્તિના ઉપયોગ માટે સાદર કરેલ છે. આમ સારા કાર્યમાં મદદ મળતા માનવતા મહોરી ઉઠી છે. વધુમાં ઉમેર્યું કે, આ સાથે જ અમે ગયા સપ્તાહે ૧૦,૦૦૦ ગ્લોવ્સ, માસ્ક જરૂરતમંદોને પૂરા પાડ્યા છે.
અમે શક્ય એટલા સૌ કોઇને મદદ કરવા તૈયાર છીએ. એ માટે અમારી રીતે પ્રયાસ કરી રહ્યા છીએ. જેને પણ જરૂર હોય તેઓ અમારો સંપર્ક સાધે, અમે તેમને બનતી બધી જ સેવા (ફુડ ડીલીવરી, સપ્લાય આદી)વિના મૂલ્યે પૂરી પાડીશું. કટોકટીના આ સમયમાં સૌ સાથે મળી આપણી ફરજ અદા કરીએ. મદદ માટે સંપર્ક : 020 8903 8000, What’s up number : 07950 602 031 or 07939 924 968.
જલારામ બાપાના "ભૂખ્યાને ભોજન"ના સૂત્રને અનુસરી જલારામ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર, ગ્રીનફર્ડ તરફથી વેમ્બલીના દેશી ધાબાની "કોવીદ-૧૯"યોજનામાં સાથ નોંધાવી અમારા રસોડે ફુડ તૈયાર કરવામાં મદદરુપ થઇએ છીએ એમ શ્રી શનીદ હિરાણીએ જણાવ્યું હતું. વધુ વિગત માટે સંપર્ક: Shaneed Hirani 07984 730 302
• નીસડન સ્વામિનારાયણ મંદિરના શ્રી યોગશભાઇ પટેલે "ગુજરાત સમાચાર" અને "એશિયન વોઇસ"ના પ્રતિનિધિને જણાવ્યું કે, નીસડન મંદિરમાં ૫ માર્ચ ૨૦૨૦ થી વીકેન્ડ સભા બંધ કરી ઓન-લાઇન સત્સંગ શરૂ કર્યો છે. ૧૩ માર્ચથી મંદિર મુલાકાતીઓ માટે બંધ કરાયું છે. વેબકાસ્ટના માધ્યમથી સપ્તાહના સાતેય દિવસ વચનામૃત વાચન, સંતોના જીવન ચરિત્ર વાચન-વીડિયો નિદર્શન, આરતી, હિન્દુ ધર્મ વિષયક અંગ્રેજીમાં વાર્તાલાપ, કિશોર-કિશોરીઓની ધાર્મિક પરીક્ષા જેવા વિવિધ કાર્યક્રમો ટેલીકાસ્ટ થતા રહે છે અને ભાવિકો એનો લાભ લઇ પ્રવૃત્ત રહે છે.
• કોરોના (કોવીદ ૧૯)ના ભોગ બનેલાઓની સહાય માટે મંદિર તરફથી યુ.કે.ભરમાં દેશવ્યાપી ઝૂંબેશ BAPS Connect & Care આદરાઇ છે. ૧૧ એપ્રિલ સુધીમાં થયેલ કામગીરીનો સંક્ષિપ્ત અહેવાલ રજુ કરતા એમના પરિપત્રમાં જણાવાયું છે કે, હાલ ૫૮૦થી વધુ સ્વયંસેવકો સેવા સાદર કરી રહ્યા છે. જેમાં યુ.કે.ભરના ૩૦થી વધુ વિસ્તારો આવરી લેવાયા છે. ૮ હોસ્પીટલોના સ્ટાફ ટીમને ફુડ અને અન્ય જરૂરી વસ્તુઓ પહોંચાડાય છે. દરરોજ તાજું ભોજન બનાવી ૫૩૦થી વધુ લોકોને લંડનમાં ઘરે-ઘરે મોકલાય છે. ૭૫ થી વધુ ટન શાકભાજી અને ફળો વિવિધ ચેરિટીઓમાં વિતરણ કરાયું છે. ૬૭૦૦ કુટુંબોનો સંપર્ક કરી મદદ કરાઇ છે. ૧૨,૩૦૦ ભોગ બનેલાઓને ફોન કોલ્સ દ્વારા માર્ગદર્શન અપાયું છે. પાડોશીઓને મદદરૂપ થવા અંગેની ૧૩૦૦ થી વધુ પત્રિકાઓનું વિતરણ કર્યું.
સંપર્ક: Yogeshbhai 07836 592 131
• સ્ટેનમોર સ્વામિનારાયણ મંદિર તરફથી શ્રી ભીમજી ભૂડિયાએ જણાવ્યું કે, અમે દરરોજ ૭૦૦ ગરમ ભોજન નોર્થવીક હોસ્પીટલ અને વોટફર્ડ હોસ્પીટલના NHS સ્ટાફ અને દર્દીઓને, વડિલોને, નિ:સહાય લોકોને, ઘર-વિહોણાંને, શેલ્ટર્સમાં રહેનારને, એકલા રહેતા અને ક્વોરાન્ટાઇનનો ભોગ બનેલ સહિત સ્થાનિકોને ઘરે જઇ પહોંચાડવાનું કાર્ય થઇ રહ્યું છે.
• સ્વામિનારાયણ ભગવાને ચીંધેલ મૂલ્યોમાં જણાવાયું છે કે, વડિલો, નિ:સહાય અને જરૂરતમંદોને મદદ કરવાની હરિભક્તોની ફરજ છે. સવિશેષ આવા કટોકટીના સમયમાં મંદિર અને એના સ્વયંસેવકો સખત જહેમત ઉઠાવી રહ્યા છે કે, કોઇ ભૂખ્યા ન સૂએ, એ કોઇપણ નાત-જાત કે ધર્મના હોય. “કોઇને દુખ્યો રે દેખી ના ખમાય, દયા એની રે અતિ આકળા થઇ, અન્ન, ધન, વસ્ત્ર રે આપીને દુ:ખ ટળે, કરૂણા દ્રષ્ટિ રે.”જેવી વૃત્તિ રોજબરોજ રાખવાનું સૂચવ્યું છે જેનું પાલન કરવા અમે કટિબધ્ધ બન્યા છે. સંપર્ક: ભીમજી ભૂડીયા 07973 620 111
વિલ્સડનગ્રીન સ્વામિનારાયણ મંદિરના કુરજીભાઇ કેરાઇએ જણાવ્યું કે, સંતોના આશીર્વાદથી અમે દરરોજ ૧૫ થી ૨૦ ટન ફળ-ફળાદિ બ્રેન્ટ, ઇલિંગ સહિત અનેક વિસ્તારોની ચેરિટી જેને પણ જરૂર હોય તેઓ અમારે ત્યાં આવી લઇ જાય છે. જરૂરતમંદો, વડિલો, એકલતા અનુભવતા અસહાયોને મદદ કરવી એ અમારી ફરજ છે. સંપર્ક 07956 278 402
• હરે કૃષ્ણ મુવમેન્ટના સ્થાપક પૂ. પ્રભુપાદે એમના અનુયાયીઓને અપીલ કરી હતી કે, મંદિરની આસપાસના ૧૦ કિલો મીટરના વિસ્તારમાં કોઇ ભૂખ્યું ન સૂએ એનું ધ્યાન રાખજો. એ ન્યાયે હરે કૃષ્ણ અને અક્ષયપાત્ર ચેરિટી યુ.કે. સાથે મળીને ૫૦,૦૦૦ ભોજન સેવા સેન્ટ્રલ લંડનમાં કોવીદ-૧૯નો ભોગ બનેલ જરૂરતમંદોને પૂરી પાડી હોવાનું ગયા રવિવારે સાંજના એક ટી.વી. કાર્યક્રમમાં જણાવ્યું હતું.
• દીપ્સ ફુડના દીપેન શાહ, ડી.એન.એસ. એકાઉન્ટન્ટના રૂપલની આગેવાની હેઠળ કોવીદ ૧૯નો શિકાર બનેલ દર્દીઓ, એકલા રહેતા વડિલો, ઘરવિહોણાં અને નિ:સહાય લોકો સહિત હોસ્પીટલના સ્ટાફ તેમજ હોસ્પીસીસને મદદરૂપ થવા અભિયાન આદર્યું છે. એમની સાથે ઓશવાળ અગ્રણીઓ અને ૨૦ જેટલા વોલટીંયર્સ કાર્યરત બન્યા છે. માંગ મુજબ હોસ્પીટલના કોવીદ -૧૯ વોર્ડ માટે કામ કરી રહેલ ડોક્ટર્સ, નર્સીસ અને અન્ય સ્ટાફ તેમજ દર્દીઓ માટે દરરોજ સરેરાશ ૪૦૦ થી ૭૦૦ જેટલા ડોક્ટર્સ-નર્સોને ગરમ ભોજન, નાસ્તા, પાણી, સોફ્ટ ડ્રીન્કસ, ફળો વગેરે પહોંચાડવામાં આવે છે. ઉપરાંત સરેરાશ ૭૫ થી ૧૫૦ અસહાય વડિલોને ભોજનની સુવિધા પૂરી પાડીએ છીએ એમ દીપેને ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના પ્રતિનિધિ સાથેની વાતચીતમાં જણાવ્યું.

દરેક સેવાભાવી સંસ્થાઓ, સેવાભાવી વ્યક્તિઓ સન્માન અને અભિનંદનને પાત્ર છે.
જે કોઇ સંસ્થા આવા સમાજિક કાર્યમાં પ્રવૃત્ત હોય તેઓએ ગુજરાત સમાચાર, એશિયન વોઇસને પોતાની કામગીરી વિષે માહિતી
email: [email protected] પર મોકલી આપવા વિનંતિ.
(વધુ આવતા સપ્તાહે...)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter