ગાંધી બાપુના સ્વદેશાગમનની શતાબ્દીની ઉજવણી મહાત્મા ગાંધી ફાઉન્ડેશન દ્વારા સૂરીલી ભજનસંધ્યા યોજાઇ

Tuesday 21st April 2015 14:31 EDT
 

દક્ષિણ અાફ્રિકાથી ગાંધીજી ભારત પરત ફર્યા અને સ્વાતંત્ર્ય સંગ્રામની ધૂરા સંભાળી એ અવિસ્મરણીય ઘટનાની શતાબ્દી નિમિત્તે લંડનના પાર્લામેન્ટ સ્કવેરમાં ગાંધીજીની ભવ્ય કાંસ્ય પ્રતિમાની અનાવરણ વિધિ કરાઇ અને એ નિમિત્તે મહાત્મા ગાંધી ફાઉન્ડેશન યુ,કે.એ પણ મંગળવાર તા. ૩૧-૩-૧૫ની સાંજે હેરોના કડવા પાટીદાર હોલમાં એક સૂરીલી ભજનસંધ્યા યોજી હતી. અા પ્રસંગે રાજકારણીઅો, કાઉન્સિલર્સ, વિવિધ સંસ્થાઅોના અગ્રણીઅો અને ગાંધી બાપુના ચાહકોની વિશાળ હાજરીથી હોલ ગૂંજી ઉઠ્યો હતો.

અા પ્રસંગે પધારેલ મહાનુભાવોમાં હેરોના મેયર કાઉન્સિલર શ્રી અજય મારૂ, હાઇ કમિશન અોફ ઇન્ડિયાના મિનિસ્ટર અોફ કો-અોર્ડીનેશન શ્રી એસ. એમ. સિધ્ધુ, ફાઉન્ડેશનના ગ્રાન્ડ પેટ્રન અને 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ'ના તંત્રી શ્રી સી.બી. પટેલ, હેરો ઇસ્ટના ભૂતપૂર્વ એમ.પી શ્રી બોબ બ્લેકમેન, ગ્રેટર લંડન એસેમ્બલીના સભ્ય કાઉન્સિલર શ્રી નવીનભાઇ શાહ, પાર્લામેન્ટની ચૂંટણીઅોના હેરો ઇસ્ટના યુવા ઉમેદવાર ઉમા કુમારન અાદીએ હાજર રહી પોતાના વક્તવ્યમાં ગાંધીજીના પ્રેરક વ્યક્તિત્વની યાદો તાજી કરી હતી.

સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય શ્રીમતી પુષ્પાબેન ડાહ્યાભાઇ કવિ અને નૂતનબેન રાજેશભાઇ જોબનપુત્રાના વરદ્ હસ્તે થયું. ફાઉન્ડેશનના વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમતી નીતિબેન ઘીવાલાએ સૌનું હાર્દિક સ્વાગત કર્યું અને વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમતી ઇલાબેન પંડ્યાએ અને માનદ્ સેક્રેટરી શ્રી ભાનુભાઇ પંડ્યાએ કાર્યક્રમનું સંચાલન એમની અાગવી શૈલીથી કર્યું હતું. વિવિધ સંસ્થાઅોના ત્રીસેક અગ્રણીઅોના વરદ્ હસ્તે ગાંધીજીની છબિને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

નીતુબેન શાહ અને સાથીદારોએ બાપુના પ્રિય ભજનો સહિત અન્ય અનેક ભજનો ગાઇ સભાજનોની ચાહના મેળવી હતી. અાભાર વિધિ કરતા ફાઉન્ડેશનના ખજાનચી શ્રી રમેશભાઇ પટેલે કીર્તિ કેટરીંગના શ્રીમતી જયાબેન પટેલનો, પીરસવાની સેવા માટે યોગી ડીવાઇન સોસાયટીના સ્વયંસેવકોનો, ફોટોગ્રાફીની સેવા માટે ફાઉન્ડેશનના કમિટી સભ્ય શ્રી સુરેન્દ્રભાઇ પટેલનો તેમજ સૌ કમિટી સભ્યો શ્રીમતી અરૂણાબેન પટેલ, હીરજીભાઇ પબારી, કાઉન્સિલર મનજીભાઇ કારા સહિત અા કાર્યક્રમ સફળ બનાવવા યોગદાન અાપનાર બધાનો હાર્દિક અાભાર માન્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter