ગાયત્રી મહાયજ્ઞ-ધ્વજવંદન સાથે ચિન્મય મિશનમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી

Friday 22nd January 2021 03:40 EST
 

દેશના ૭૨મા પ્રજાસત્તાક દિનને વિશિષ્ટ રીતે ઊજવવાનું આયોજન ચિન્મય મિશનના અમદાવાદ કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું છે. દર વર્ષે યુવાનો માટે ભારત દેશ અને ભારતીય સંસ્કૃતિના ગૌરવવંતા ઇતિહાસને લગતા વર્કશોપ્સ યોજવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાય છે પણ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં લઈને ૨૬મી જાન્યુઆરીએ સવારે ૬.૩૦ થી ૧૦.૩૦ વાગ્યા સુધી વિશેષ ગાયત્રી મહાયજ્ઞ કરવામાં આવશે.

પ્રજાસત્તાક દિને ગાયત્રી મહાયજ્ઞના આયોજન વિશે ચિન્મય મિશન અમદાવાદનાં બ્રહ્મચારિણી અનુપમા ચૈતન્યજી જણાવે છે કે, ભારતીય સંસ્કૃતિમાં ત્રણ પ્રકારે શક્તિનું આહ્વાન કરવામાં આવે છેઃ યંત્ર, તંત્ર અને મંત્ર દ્વારા. વૈદિક મંત્રોમાં ખૂબ શક્તિ હોય છે અને તેમાં પણ ગાયત્રી મંત્રનું આગવું મહત્ત્વ છે. ગાયત્રી મંત્રનો જપ મુખ્ય રીતે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે અને ભારત શબ્દનો અર્થ છે જે સતત જ્ઞાનમાં રત હોય તે. આથી જ્ઞાનનો પ્રકાશ લોકોના જીવનમાં આનંદ ફેલાવે એવા ઉદ્દેશથી છેલ્લા ચાર દાયકાથી પરમધામ ખાતે પરંપરાગત રીતે વિશ્વશાંતિ માટે આ ગાયત્રી મહાયજ્ઞ કરવામાં આવે છે.

પરમધામ મંદિર ખાતે યજ્ઞશાળામાં વહેલી સવારથી ગાયત્રીમંત્રના જપ સાથે યજ્ઞમાં આહુતિ આપવામાં આવશે જેમાં યજમાનો જોડાઈ શકશે. આ યજ્ઞ ખાસ સૌની સુખાકારી અને દેશની સતત ઉન્નતિ થાય એવી પ્રાર્થના સાથે કરવામાં આવશે. તે સાથે જ સવારે ૮ વાગ્યે મંદિર પરિસરમાં દર વર્ષની જેમ રાષ્ટ્રધ્વજને રાષ્ટ્રગીતના ગાન સાથે સલામી આપીને વંદન કરવામાં આવશે. આ ધ્વજવંદન કાર્યક્રમનું સંસ્થાના cmahmedabad ફેસબુક પેજ પર જીવંત પ્રસારણ કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter