ગીરગઢડામાં ઓક્સીજન વગર ટળવળતા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે સંજીવની બનતું લંડનનું દિવ્ય સેવા ફાઉન્ડેશન

Wednesday 12th May 2021 07:11 EDT
 
 

કોરોના મહામારીની બીજી લહેરમાં ગુજરાતમાં સ્થિતિ ખૂબ વણસી હતી. ઓક્સિજનની અછતના કારણે કોવિડ -૧૯ના દર્દીઓની સારવાર શક્ય બનતી ન હતી અને દર્દીઓનું મૃત્યુ થતું હતું. ગીર ગઢડામાં આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે લંડન સ્થિત દિવ્ય સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટના આર્થિક સહયોગથી ઓક્સિજન બેંકની શરૂઆત કરાઈ હતી.આ બેંક પાસે ૧૧૧ જેટલાં જમ્બો સિલિન્ડર છે. તેમાં જેટલા પણ સિલિન્ડર ખાલી થાય તેને ટેમ્પામાં ભરીને ભાવનગર મોકલીને અલંગથી ઓક્સિજન ભરાવીને પાછા લવાતા હતા. તેથી તે સુવિધા સતત ચાલુ રહેતી હતી અને દર્દીઓની ઓક્સિજનને લગતી મુશ્કેલી ઘટી હતી. આમ આ બેંક સંજીવની સમાન પૂરવાર થઈ છે અને ત્યાં ઓક્સિજનની સુવિધા સાથે ૫૦ બેડની સગવડ સાથેનું સેન્ટર કાર્યરત કરાયું છે.
લંડન સ્થિત દિવ્ય સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી ભારતીબેન બીપીનભાઈ કંટારીયા છે. ભારતીબેન પૂ.રામબાપા પુત્રી થાય છે. એમની આ સંસ્થાના આર્થિક અને સામાજીક સહયોગથી તમામ દર્દીને મફત અને સરસ ગરમ ભોજન મળી રહે તેવી સુવિધા ગોઠવવામાં આવી છે. દરેક દર્દીને ચા, લીંબુ શરબત, ગરમ નાસ્તો, હળદરવાળું દૂધ સૂંઠ તેમજ આયુર્વેદ દવા - ગોળી અને બન્ને ટાઈમ સાદું અને સાત્વિક ભોજન મળી રહે તેવી સુવિધા ટ્ર્સ્ટ દ્વારા કરાઈ છે.
વધુમાં દિવ્ય સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ દવારા એક સ્કૂલના બિલ્ડીંગમાં  આઈસોલેશન સેન્ટર શરૂ કરાયું છે. તેમાં ૪૦ દર્દીને દાખલ કરાયા હતા. જરૂરતમંદ દર્દીઓને ઓક્સિજનની સુવિધા સાથે એમડી ફિઝિશિયનની વિઝિટિંગ સેવા ઉપલબ્ધ કરાઈ હતી. આમ ગીરગઢડાના આસપાસના ૬૦થી ૮૦ જેટલાં ગામો તેમજ અન્ય વિસ્તારના લોકોને દિવ્ય સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટે સંજીવની પૂરી પાડી હતી. ૧૨ મે, ૨૦૦૫માં ભારતીબહેને પૂ.રામબાપાના આશીર્વાદ અને સહયોગ સાથે આ સેવાલક્ષી સંસ્થાનો આરંભ કર્યો હતો. દિવ્ય સેવા ફાઉન્ડેશનના ટ્રસ્ટી ભારતીબહેને આણંદ જિલ્લાના મલાતજ નજીક અંતરિયાળ ગામોના સ્કૂલોના બાળકોને દફતર, યુનિફોર્મ સહિત વસ્તુઓ પૂરી પાડી છે. તે ઉપરાંત તેઓ આ વિસ્તારની મહિલાઓને સેનેટરી પેડ જેવી વસ્તુઓ પૂરી પાડે છે. અગાઉ પણ આ ટ્રસ્ટ આદિવાસી વિસ્તાર ડાંગમાં સામાજીક, શૈક્ષણિક તેમજ આરોગ્ય ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
બુધવારે ભારતીબહેનના જન્મદિન નિમિત્તે ગીરગઢડામાં બે એમ્બ્યુલન્સ સાથે આઇસોલેશન સેન્ટરમાં ૨૦૦ બેડની સુવિધા અને દર્દીઓને સાત્વિક ભોજન આપવાની વ્યવસ્થા કરાવી છે. ઉપરાંત પૂ.રામબાપાએ ગુરૂજી હિરજીબાપાના નામે બાબરા, અમરેલી અને ગીરગઢડાના દર્દીઓ અને પરિવારજનોને મફત ભોજન વ્યવસ્થા માટે સદાવ્રત ચાલુ કરાવ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter