ગુજરાત હિન્દુ સોસાયટીએ 26મો પાટોત્સવ ઉજવ્યો

Wednesday 02nd September 2026 08:02 EDT
 
 

લંડનઃ ગુજરાત હિન્દુ સોસાયટી (GHS)એ શનિવાર 21 અને રવિવાર 22 ઓગસ્ટ એમ બે દિવસોએ 26મા વાર્ષિક પાટોત્સવની ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક હનુમાન ચાલીસાના 108પઠન અને માતાજીની 108 સ્તુતિ સાથે ઉજવણી કરી હતી. બે દિવસના પાટોત્સવમાં 500થી વધુ ભક્તોએ હાજરી આપી માતાજી અને હનુમાનજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

શનિવારે ભક્તજનો 108 હનુમાન ચાલીસાના પઠન માટે એકત્ર થયા હતા. હનુમાન ચાલીસાના યજમાન તારાબહેન હસમુખભાઈ પટેલ અને પરિવાર દ્વારા સવારની પૂજા કરવામાં આવી હતી. સવારના 11 વાગ્યે હનુમાન ચાલીસા પઠનનો આરંભ કરાયો હતો અને બપોરના 4.00 કલાક સુધી પાઠ ચાલ્યો હતો. ભક્તોએ પણ હનુમાનજીને લાડુ ધરાવ્યા હતા. બપોરના 1.00થી 2.00 વાગ્યા સુધી ભક્તોને પ્રસાદનું વિતરણ કરાયું હતું.

રવિવારની પૂજાના યજમાન કાન્તિભાઈ અને તારાબહેન ચૌહાણ અને તેમના પરિવાર હતા. ભક્તોએ 108 વખત માતાજીની સ્તુતિ ગાવામાં ભાગ લીધો હતો. રવિવારે ખાસ વિધિમાં મંદિરની બહાર લહેરાતી સનાતન ધર્મ ધ્વજાને બદલવામાં આવી હતી. નવી ધ્વજાના યજમાન ધનુબહેન પટેલ અને તેમના પરિવાર સાથે પૂજારીએ પૂજાવિધિ કરાવી હતી. નવી ધ્વજા લહેરાવ્યા પછી ભક્તોએ બપોરના 4.00 કલાક સુધી માતાજીની સ્તુતિ ચાલુ રાખી હતી. મુખ્ય હોલમાં ભાવિકોને પ્રસાદનું વિતરણ કરાયું હતું.

GHS ના પ્રેસિડેન્ટ દશરથભાઈ નાયીએ પ્રસાદ માટે ઉદાર યોગદાન આપવા બદલ યજમાનો પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત, રસોઈ કરનારી સમર્પિત બહેનો અને સતત સેવા આપનારા સ્વયંસેવકોનો પણ આભાર માન્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter