લંડનઃ ગો ધાર્મિક સંસ્થા દ્વારા ઉત્તર નેપાળ તેમજ નેપાળ-તિબેટની સરહદે વિનાશક પૂર અને ભૂસ્ખલનોથી અસરગ્રસ્ત લોકોની સહાય માટે ઈમર્જન્સી ફંડરેઈઝિંગ અપીલ કરવામાં આવી છે. ગો ધાર્મિકની ટીમોએ નેપાળમાં અસરગ્રસ્ત કોમ્યુનિટીઓને અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. કુદરતી આફતોના કારણે નેપાળમાં 1000થી વધુ લોકોના મોત નીપજ્યાં છે તથા આશરે 3900 લોકો લાપતા છે.
ગો ધાર્મિકની ટીમો અને સ્વયંસેવકો ઘર, નિર્વાહના સાધનો અને સ્વજનોને ગુમાવનાર પરિવારોની વહારે પહોંચ્યા છે. તાકીદે સહાય આવશ્યક હોય તેવી કોમ્યુનિટીઓ માટે અનાજ, ધાબળા, સેનિટરી પેડ્સ, પીવાનું સ્વચ્છ પાણી તેમજ રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ વાન્સમાં ભરાઈ રહી છે અને તત્કાળ વિતરણ માટે સજ્જ છે. ગો ધાર્મિક દ્વારા માહિતી અને સપોર્ટ ઈચ્છતા લોકોને મદદ કરવા કાઠમંડુ એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક પણ ખોલાયું છે.
ગો ધાર્મિકના સ્થાપક હનુમાન દાસે જણાવ્યું હતું કે, ‘લોકોએ પોતાના ઘર, જીવનનિર્વાહ અને સ્વજનો પણ ગુમાવ્યા હોય તેવી પરિસ્થિતિમાં આપણે માત્ર જોઈ ન શકીએ. અમારો સિદ્ધાંત સીધોસાદો છેઃ બધાને પ્રેમ કરો, બધાને ભોજન કરાવો અને સહુની સેવા કરો. અત્યારે અમે કરુણાને વ્યવહારુ કાર્યમાં બદલાવી રહ્યા છીએ, પરિવારોને જરૂર હોય તે અનાજ, પીવાનું સ્વચ્છ પાણી, ધાબળા, સેનિટરી સપ્લાયની વસ્તુઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પુરી પાડી રહ્યા છીએ.’


