ગોંડલ: ગોંડલના અક્ષર મંદિરના આંગણે બુધવારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજની પધરામણી થતાં હરિભક્તોમાં હરખની હેલી ફરી વળી છે. આગામી 14 તારીખ સુધી મહંત સ્વામી મહારાજ અક્ષર મંદિરમાં મુકામ કરવાના હોવાથી શ્રેણીબદ્ધ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો અને સત્સંગ સભાનું આયોજન થયું છે.
પ.પૂ. મહંત સ્વામી મહારાજના બુધવારે ગોંડલ આગમન સાથે જ સત્સંગ લાભનો પ્રારંભ થયો છે. સ્વામીશ્રીની નિશ્રામાં યોજાનાર મુખ્ય ઉત્સવો અંતર્ગંત 8 નવેમ્બર રવિવારના રોજ દિવાળી પર્વે સાંજે 4-30 કલાકે યોગી સભામંડપમ ખાતે દીપોત્સવ અને ચોપડાપૂજન યોજાશે. ત્યારબાદ તા. 9 ના રોજ સવારે 5-00 કલાકે અક્ષરઘાટ ખાતે વિશ્વશાંતિ-લક્ષ્મી હોમ મહાયાગનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 10 નવેમ્બર, મંગળવારના રોજ નૂતન વર્ષના પાવન અવસરે સવારે 9-00થી સાંજે 7-00 કલાક સુધી અન્નકૂટોત્સવના દર્શનનો લાભ મળશે.
આ ઉપરાંત મહંત સ્વામી મહારાજના દિવ્ય રોકાણ દરમિયાન વિવિધ વિશેષ દિવસોની ઉજવણી પણ કરવામાં આવશે. જેમાં તા. 6 નવેમ્બરે ધનતેરસ નિમિત્તે પૂજા દર્શનની સાથે સ્વાગત દિન અને લક્ષ્મીપૂજન યોજાશે. તા. 7 નવેમ્બરે કાળી ચૌદશના રોજ હનુમાનજી પૂજન અને બાળ દિનની ઉજવણી થશે. તા. 11 નવેમ્બરે ભાઈબીજના દિવસે યુવા દિન અને તા. 12 નવેમ્બરે સુદ ત્રીજના રોજ ગ્રામ્ય દિન ઉજવાશે. અંતમાં તા. 14 નવેમ્બર અને લાભ પાંચમના રોજ મહંત સ્વામી મહારાજ ગોંડલથી વિદાય લેશે.


