લંડનઃ યુવાનો આંતરિક શાંતિ અને આનંદનો અનુભવ કરી શકે તે હેતુસર રવિવાર 9 ઓગસ્ટે વોલન્ટીઅર્સ દ્વારા હેરો લેઝર સેન્ટર ખાતે ગ્લોબલ યુથ ફેસ્ટિવલ (GYF) લંડન એડિશનનું આયોજન કરાયું હતુ. 12 કલાકના આ વેલબીઈંગ ફેસ્ટિવલમાં 1000થી વધુ યુવા લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગ્લોબલ યુથ ફેસ્ટિવલમાં સહુને પ્રશ્ન કરાયો હતો કે તમને ખરેખર શેનાથી આનંદ પ્રાપ્ત થાય છે અને આનંદને જાળવી રાખવો શાથી મુશ્કેલ છે.
ચાર હેપી હોર્મોન્સને કેન્દ્રમાં રાખી ચાર ઝોન ઉભા કરવામાં આવ્યા હતા. મોમેન્ટમ અને ખોજ માટે ડોપામાઈન ડિસ્ટ્રિક્ટ, માનવ લાઈબ્રેરી અને માટીકામ મારફત માનવીય સંબંધ સંદર્ભે ઓક્સીટોસિન ઓએસિસ, યોગ અને સાઉન્ડ બાથ મારફત પુનઃસ્થાપના માટે સેરોટોનિન સ્પ્રિંગ્સ તેમજ સર્ફ સિમ્યુલેશન અને પડકારોના સામના માટે એન્ડોર્ફિન એસ્ટેટના ઝોન્સ હતા. આ ચારેય ઝોનમાંથી પસાર થવાનો અવિરત કલ્યાણ પ્રોગ્રામ હતો, જેમાં શ્વાસોચ્છવાસ, યોગનિદ્રા, ત્રાટક ધ્યાન, કિન્ટ્સુગી અને માત્ર વાતચીત માટે કનેક્શન કાફેનો સમાવેશ થતો હતો.
માનસિક આરોગ્ય વિશે સ્પષ્ટ વાતો
આજની જનરેશન દ્વારા પૂછાતા પ્રશ્નો સંદર્ભે બે પેનલચર્ચાનું આયોજન કરાયું હતું. પ્રથમ ચર્ચાના મોડરેટર હાઉસ ઓફ અરાયા અને જય શેટ્ટી સર્ટિફિકેશન સ્કૂલના સીઈઓ અને સહસ્થાપક કવિત હારીઆ હતા. આ પેનલમાં Bae HQ ના સહસ્થાપક અમરદીપ પરમાર, નાઈકેના પ્રથમ મેન્ટલ ફિટનેસ ટ્રેઈનર માયા રાયચૂરા અને પરફોર્મન્સ સાયકોલોજિસ્ટ બૈજુ સોલંકીનો સમાવેશ થયો હતો. બીજી પેનલચર્ચાના મોડરેટર NHS કન્સલ્ટન્ટ સાઈકીઆટ્રિસ્ટ અને ફિલ્મમેકર ડો. પરવિન્દર શેરગિલ હતા જ્યારે પેનલમાં ડિજિટલ કન્ટેન્ટ ક્રીએટર રાધા પટેલ, મ્યુઝિક આર્ટિસ્ટ અને મેન્ટલ હેલ્થ એડવોકેટ એલેની સી તેમજ બ્રોડકાસ્ટર અને પ્રેઝન્ટર સુઝી માન હતાં.
દિવસનો આરંભ ઈડીએમ યોગ અને કોફી રેવ વિથ અર્જુન સાથે કરાયો હતો જ્યારે સમાપન ભાવિક હારીઆની રાહબરી હેઠળ બોલીવૂડ અને ભજન જેમના GYF કોન્સર્ટ સાથે થયું હતું. મધ્યમાં વરિષ્ઠ સંન્યાસી આત્મપ્રિત નેમિજીના વિઝડમ માસ્ટરક્લાસ સંબોધનમાં જીવનને સફળતા તરફ દોરી જતી બ્લુપ્રિન્ટ પર સંબોધન હતું.
શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD) અને ગ્લોબલ યુથ ફેસ્ટિવલનો પ્રેરણાસ્રોત પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી છે. તેમના વિઝન અનુસાર સાચી પ્રગતિ તો આપણે બાહ્ય સિદ્ધિઓ હાંસલ કરીએ છીએ તેનાથી નહિ, પરંતુ આપણે અંદર શું બનીએ છીએ તેના થકી મપાય છે. આ વિચાર પાછળ જ પ્રત્યેક ઝોન, પ્રત્યેક સત્ર અને સ્વયંસેવાનો પ્રત્યેક કલાક આધારિત હતો.
હેરોના મેયર કાઉન્સિલર યોગેશ તેલી, હર્ટ્સમીઅરના મેયર કાઉન્સિલર પરવીન રાની, હેરો ઈસ્ટના પાર્લામેન્ટ મેમ્બર બોબ બ્લેકમેન CBE, બ્રેન્ટ અને હેરો માટે લંડન એસેમ્બલી મેમ્બર કૃપેશ હિરાણી AM દ્વારા આ ફેસ્ટિવલને સપોર્ટ કરવામાં આવ્યો હતો. SRMD UK ના ટ્રસ્ટી અને GYF લંડનના આયોજક મંથન તાસવાલા, લેસ્ટર ઈસ્ટના પાર્લામેન્ટ મેમ્બર શિવાની રાજા, ડર્મેટોલોજિસ્ટ અને આયુર્વેદિક પ્રેક્ટિશનર ડો. સંગીથા ખોસલા સહિત સહુએ કાર્યક્રમને બિરદાવી વિચારો વ્યક્ત કર્યાં હતાં.


