ચાણસદમાં ૫૫ યુવાનોએ પૂ. મહંત સ્વામીના હસ્તે પાર્ષદ દીક્ષા ગ્રહણ કરી

Tuesday 14th December 2021 16:19 EST
 
 

પાદરાના ચાણસદ ગામે બીએપીએસ પ્રાયોજિત દીક્ષા મહોત્સવના દ્વિતીય દિવસે ૫૫ યુવાનોએ પાર્ષદ દીક્ષા ગ્રહણ કરી હતી. પૂ. મહંત સ્વામી મહારાજે સ્વહસ્તે ૫૫ નવયુવાનોને દીક્ષા પ્રદાન કરી હતી. ચાણસદ ગામ પ્રમુખ સ્વામી મહારાજની જન્મભૂમિ અને શાંતિનું ધામ ગણાય છે.

પૂજ્ય મહંત સ્વામીએ ચાણસદ ખાતે આવેલા સ્વામીનારાયણ મંદિરે દર્શન કરી બાદમાં પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળે દર્શન કરી દીક્ષા ગ્રહણ મહોત્સવ સ્થળે પહોંચ્યા હતાં. ત્યાં નવયુવાનોને દીક્ષા પ્રદાન કરી હતી. આ પ્રસંગે દેશ- વિદેશમાંથી આશરે ૬૦૦ સંતો ઉપસ્થિત રહ્યાં હતા. દીક્ષા ગ્રહણ કરનારા યુવાનોના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યાં હતા.
 યુવાનોએ સંસ્કારી પ્રણાલી અનુસાર સંત પરંપરાના બીજા સ્થાને એટલેકે પાર્ષદ અવસ્થામાં સ્વચ્છતા, સંગીત, વિદ્યા, સાહિત્ય, અભ્યાસ વગેરે અનેક વિભાગના શિક્ષણીય સમયની અવધિ પછી અંતિમ ચરણમાં ભાગવતી દીક્ષા બાદ પોતાની રૂચિ, આવડત અને ક્ષમતા અનુસાર વિશેષ અભ્યાસ કરવાનો રહેશે. આમ સાધક પાર્ષદ અને ભગવતી દીક્ષાના તબક્કાઓમાં સમાજ સેવા સંસ્કાર સિંચન કરતા પ્રગટ ગુરુહરિના આદેશ અનુસાર એકાંતિક ધર્મ સિદ્વ કરવાના લક્ષ્યાંક જીવન જીવવાની કટિબદ્વતા વ્યક્ત કરી હતી. જેમાં ૬ અનુસ્નાતક, ૧૬ સ્નાતક, ૨૯ ઇજનેર તેમજ પરદેશના ૬ યુવાનો અને માતા-પિતાના એકના એક એવા ૨૦ યુવાનોએ પાર્ષદ દીક્ષા લીધી હતી. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે યોજાયેલા દ્વિદિવસીય દીક્ષા સમારોહ ૧૦૮ માળાના મણકા અને એક મેરુ મળી કુલ ૧૦૯ યુવાનોએ સહર્ષ ત્યાગ આશ્રમ સ્વીકાર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter