ચિન્મય મિશન પરમધામ પાટોત્સવ ૨૦૨૧ પ્રસંગે વિશેષ પૂજા - સંપૂર્ણ ગીતા પારાયણ

Saturday 16th January 2021 06:20 EST
 

ચાર દાયકાથી બાળકોથી માંડીને વૃદ્ધો માટેની વિવિધ પ્રવૃત્તિઓથી ધબકતું ચિન્મય મિશન અમદાવાદનું પરમધામ મંદિર તેના નવનિર્માણનાં ચાર વર્ષ પૂરાં કરી રહ્યું છે ત્યારે ઉમંગ-ઉલ્લાસભેર ભારે ધર્મમય વાતાવરણમાં પાટોત્સવની ઉજવણી થઇ રહી છે. દર વર્ષે આ ઉત્સવમાં પ્રભાતફેરી, પૂજા, આનંદમેળા અને ભક્તિસંગીતના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે પણ આ વખતે કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવાનું આવશ્યક હોવાથી લોકો સોશિયલ મીડિયા દ્વારા આ ઉત્સવમાં જોડાઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

ત્રણ દિવસના આ ઉત્સવમાં ૧૬મી જાન્યુઆરીએ વહેલી સવારે ૬.૩૦ વાગ્યાથી ચિન્મય અષ્ટોત્તર હવન, ગુરુપાદુકા પૂજા સાથે પાટોત્સવનો શુભારંભ થયો હતો. બપોરે ૩.૩૦થી ૬.૩૦ વાગ્યા સુધી સંપૂર્ણ ગીતા પારાયણ કરવામાં આવ્યું હતું. ૧૭મી જાન્યુઆરીએ વહેલી સવારે ભગવાન શ્રીકૃષ્ણની ઉત્સવમૂર્તિની પાલખી સાથે મંદિર પરિસરમાં જ પ્રભાત ફેરી યોજાશે. સાંજે ઓનલાઇન આનંદમેળો યોજાશે જેમાં બધી જ ઉંમરના લોકો ઑનલાઇન જોડાઈ શકશે અને બાળકો માટે ખાસ સ્ટોરી સેશન્સ, ફન ગેમ્સ, યુવાનો અને વયસ્કો માટે ગેમ્સ, ક્વીઝ જેવા કાર્યક્રમો હશે.

૧૮મી જાન્યુઆરીએ મંદિરમાં વિરાજમાન શ્રી વેણુગોપાલ, ગંગેશ્વર મહાદેવ, વનવાસી રૂપમાં સીતારામજી, સિદ્ધિવિનાયક ગણપતિજી, આંજનેય સ્વામી, વીર હનુમાનજીની પાટોત્સવ પૂજા અને હવન કરવામાં આવશે. સાંજે ૬.૧૫થી ૭.૩૦ વાગ્યા સુધી તદ્ધામ પરમં મમ નામનો ખાસ કાર્યક્રમ થશે જેમાં ચિન્મય સ્વરાંજલિ ગ્રુપના ભક્તિસંગીત સાથે પાટોત્સવની પૂર્ણાહુતિ થશે.

ભાવિકજનો YOUTUBE/cmahmedabad માધ્યમથી કાર્યક્રમમાં ઓનલાઇન સામેલ થઇ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter