જગન્નાથ સોસાયટી યુકે અને AHTT UK દ્વારા ગીતા જયંતીની વર્ચ્યુઅલ ઉજવણી

Tuesday 05th January 2021 14:44 EST
 
 

મહાભારતમાં કુરુક્ષેત્રના ૧૮ દિવસના પ્રસિદ્ધ યુદ્ધના પ્રથમ દિવસે શ્રી કૃષ્ણે અર્જૂનને ભગવદ ગીતાનો જે ઉપદેશ આપ્યો હતો તે પવિત્ર દિવસ ગીતા જયંતીની યુકેમાં શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી. યુકેમાં કોવિડ – ૧૯ મહામારીને પગલે લદાયેલા નિયંત્રણો હેઠળ શ્રી જગન્નાથ સોસાયટી યુકે ( જગન્નાથ ટેમ્પલ ટ્રસ્ટ યુકે તરીકે જાણીતા) અને એઈલ્સબરી હિંદુ ટેમ્પલ ટ્રસ્ટ (AHTT UK) દ્વારા ૨૮ ડિસેમ્બર, ૨૦૨૦ને સોમવારે આધ્યાત્મિક ઉજવણીનું ઓનલાઈન આયોજન કરાયું હતું. ભગવદ ગીતાની ૫,૧૫૭મી જયંતીની ઉજવણીમાં યુકે તથા વિશ્વભરના હજારો ભાવિકો જોડાયા હતા. વેદિક જ્ઞાનના સાર સાથેની ગીતાને હિંદુ ધર્મમાં સૌથી મહત્ત્વનો અને પ્રભાવશાળી ધાર્મિક ગ્રંથ મનાય છે.

ભજન ગાન સાથે કાર્યક્રમ શરૂ થયો હતો. યુકેના જાણીતા મેડીકલ જનરલ પ્રેક્ટીશનર (GP) અને શ્રી જગન્નાથ સોસાયટી યુકેના પ્રેસિડેન્ટ ડો. સહદેવ સ્વેઈને સૌને આવકારતા જણાવ્યું કેગીતા ઉપદેશોને ૫,૦૦૦થી વધુ વર્ષ થયાં હોવા છતાં તે અમર છે અને માર્ગદર્શન તથા માનવજીવનની સમસ્યાના ઉકેલ પૂરા પાડે છે. તેમણે ગીતાના ઉપદેશોનું પાલન કરીને કોવિડ ૧૯ના દર્દીઓની સારવાર માટે નિઃસ્વાર્થ સેવા આપનારા દુનિયાભરના મેડીકલ પ્રોફેશનલ્સની પ્રશંસા કરી હતી.

ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સીબી પટેલે ભગવદ ગીતાના ત્રણ મુખ્ય વિષયો જ્ઞાન, કર્મ અને ભક્તિની વિસ્તૃત છણાવટ કરી હતી.

ચિન્મય મિશન, રાંચીના આચાર્ય પૂ. સ્વામી માધવાનંદે ચાવીરૂપ વક્તવ્ય આપતા ગીતામાં જણાવ્યા મુજબ શરીર, મન અને બુદ્ધિના સંતુલનના મહત્ત્વવિશે જણાવ્યું હતું. માઈન્ડ મેનેજમેન્ટમાં ગીતા વ્યવહારિક માર્ગદર્શન પૂરું પાડે છે. તેમણે ભાવિકોના પ્રશ્રોના પણ જવાબો આપ્યા હતા.

અતિથિ વક્તાપદેથી જાણીતા શિક્ષણવિદ અને સંસ્કૃત સ્કોલર પ્રો. ડો. હરિકૃષ્ણ સત્પથીએ સમજાવ્યું કે ભગવદ ગીતા વિષાદ (હતાશા) થી પ્રસાદ (વિશ્વાસ) સુધીની સફર છે અને તે આપણને કટોકટી અથવા પડકારને વિશવાસ સાથે તકમાં પરિવર્તિત કરવાની ટેક્નીક શીખવે છે.

આર્ષ દીપ, યુકેના સ્થાપક નંદના ચૈતન્યે દર્શકોમાં બાળકોને સંબોધન કર્યું હતું અને ગીતાના મહત્ત્વના કેટલાંક શ્લોકોનું ગાન કરાવવામાં નેતૃત્વ કર્યું હતું અને તેનો અર્થ સમજાવ્યો હતો. આયર્લેન્ડથી કાર્યક્રમમાં જોડાયેલાં શ્રીમતી શ્રીમરાણી દાસે ભગવાન કૃષ્ણ અને ભગવાન જગન્નાથના ભક્તિગીતો ગાઈને સૌને ભાવવિભોર કરી દીધાં હતા.

શ્રી જગન્નાથ સોસાયટી યુકેના ટ્રસ્ટી ડો. ચેતન સત્પથીએ લંડનમાં જગન્નાથ મંદિરના ભવ્.ય બાંધકામ અંગે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ મંદિર યુરોપમાં મહત્ત્વનું સીમાચિહ્ન અને જગન્નાથ સંસ્કૃતિનું કેન્દ્રબિંદુ બનશે તેવી અપેક્ષા છે. મંદિર બનાવવા માટે ટ્રસ્ટ દ્વારા લંડનના નોર્થવેસ્ટમાં M25 મોટરવે નજીક જમીન મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. મંદિરનું નિર્માણ ૨૦૨૨માં શરૂ થશે અને ૨૦૨૪માં પૂરું કરવાનો અંદાજ છે.

આઈસીઆઈસીઆઈ બેંક, યુકેના એમડી અને સીઈઓ લોક નાથ મિશ્રાએ SJS UKના સભ્ય તરીકે જોડાઈને તથા ડોનેશન આપીને લંડનમાં ભગવાન જગન્નાથના ભવ્ય મંદિરના નિર્માણના મિશનને પૂરું કરવા સૌને પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમનું આયોજન SJS UKના જનરલ સેક્રેટરી ડો. પ્રકાશ ડે અને AHTT UK દ્વારા કરાયું હતું. કાર્યક્રમમાં ટ્રસ્ટને તથા તેના પ્રોગ્રામમાં મદદરૂપ થવા બદલ સંકેત કોમ્યુનિકેશન્સના પ્રકાશ સાહુ અને શ્રીકાંતનું સન્માન કરાયું હતું. કાર્યક્રમનું કોમ્પિયરિંગ ઋષિકેશ અને સુદીપ્તા પાણીગ્રહીએ સંભાળ્યું હતું. યુકે ઉપરાંત આયર્લેન્ડ, અમેરિકા, બહેરિન, નાઈજીરીયા, ઓમાન અને ભારત સહિત કેટલાંક દેશોના ભાવિકો કાર્યક્રમમાં જોડાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter