લેસ્ટરમાં જંગલ ક્લબ ખાતે ૧૪ નવેમ્બરને રવિવારે જલારામ મંદિર, લેસ્ટરની ઓર્ગન ડોનર ટીમે જલારામ બાપાની ૨૨૨મી જન્મજયંતી નિમિત્તે વિવિધ મનોરંજન પર્ફોર્મન્સીસના માધ્યમથી તેમને સાંસ્કૃતિક કાર્યક્રમના સ્વરૂપે અંજલિ અર્પી હતી.
તમામ વયજૂથના લગભગ ૩૦ યુવાનો અને કેટલાંક વયસ્કોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બોલીવુડના પ્રોફેશનલ્સ જે કાર્યક્રમ રજૂ કરે છે તેવો કાર્યક્રમ આપવા માટે તેઓ જૂન ૨૦૨૧થી (કોરોના નિયંત્રણો હોવા છતાં) રિહર્સલ કરતા હતા.
અશ્વિની કબીલારાજન અને શ્રુતિ રામકુમારે ‘હે ગણેશ’ ભરતનાટ્યમ નૃત્ય, સિનિયર્સે ‘શાનદાર’ પર્ફોર્મ કર્યું હતું. તેની કોરિયોગ્રાફી દુર્ગેશ મકવાણાએ કરી હતી. જુનિયર્સે ‘અભી તો પાર્ટી’, પ્રિયા ટેલરે રાજસ્થાની ડાન્સ, બોલી આર્ક ડાન્સ ગ્રૂપ દ્વારા ‘ઢુંઢે અખિંયા’ રજૂ કર્યું હતું જેનું નિર્માણ અર્જૂન રામકુમાર અને કિરણ કૌરે કર્યું હતું. અંતમાં તમામ કલાકારોએ અલબેલા અને ઓમ શાંતિ ઓમ રજૂ કર્યું હતું. આ કાર્યક્રમના પ્રોડ્યુસર ડાન્સ માસ્ટર સુનંદા પટેલ હતા, જ્યારે ગીતો ગોલ્ડી અને સીનીતાના હતા.
જલારામ મંદિર ખાતેના ઓર્ગન ડોનર લીડ ભરત પટેલે જણાવ્યું કે કોમ્યુનિટીના યુવા અને નાના સભ્યોને ઓર્ગન ડોનેશન સાથે સંકળાવાની આ તક હતી. તેમણે ઉમેર્યું કે તેઓ માત્ર NHSBT ઓર્ગન ડોનર રજિસ્ટરમાં સહી કરશે એટલું જ નહીં, આ વિષય પર ફેમિલી ડિસ્કશન્સ શરૂ કરી શકે અને ઓર્ગન ડોનેશન્સના સંદર્ભમાં સમાજમાં પ્રવર્તતી ખોટી માન્યતાઓને તથા અંગદાન આડેના અવરોધોને દૂર કરવાની કામગીરી કરશે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો હિંદુ ધર્મ દાનને સમર્થન આપે છે. તેમણે ઉમેર્યું કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને અંગદાન કરે તે માનવજાત માટે શ્રેષ્ઠ દાન છે.
જંગલ ક્લબના માલિક બાલીએ જણાવ્યું કે તેમની ક્લબમાં યોજાયેલા કાર્યક્રમની ખૂબ પ્રશંસા થઈ હતી. જાણીતા રાડિયાઝ સુપરસ્ટોને જણાવ્યું કે તેમના ઈનબોક્સમાં અભિનંદન પાઠવતા સંખ્યાબંધ મેસેજ આવ્યા હતા.