જેતલપુરધામઃ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે નિર્મિત નવ મંદિર પૈકીના પાંચમા જેતલપુર - ધામમાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાને 200 વર્ષ પૂર્ણ થયા છે. આ ઐતિહાસિક પ્રસંગ નિમિત્તે દ્વિશતાબ્દી પાટોત્સવની ભવ્ય ઉજવણીનો આરંભ વિજયસ્તંભ સ્થાપનાથી કરાયો છે.
શ્રી નરનારાયણદેવ પીઠાધિપતિ આચાર્યશ્રી કોશલેન્દ્રપ્રસાદ મહારાજ તથા તેજેન્દ્રપ્રસાદ મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી, ભાવિ આચાર્ય વ્રજેન્દ્રપ્રસાદ મહારાજની અધ્યક્ષતામાં આગામી પાંચથી 11 માર્ચ દરમિયાન આ મહોત્સવ ધામધૂમથી ઉજવાશે.
આ પ્રસંગે સાધુ-સંતો, યજમાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં 51 ફૂટ ઊંચા કાંસાના વિજયસ્તંભની સ્થાપના કરાઇ હતી, જેના શિખર પર સ્વામિનારાયણ સંપ્રદાયની ધજા લહેરાઇ રહી છે. ભાવિ આચાર્યએ કહ્યું, આ દ્વિશતાબ્દી મહોત્સવ માત્ર ધાર્મિક આયોજન નહીં, પણ સમાજમાં આધ્યાત્મિકતા, સંસ્કાર અને સામાજિક એકતાનો સંદેશ આપતું પર્વ બનશે.
51 ફૂટના વિજયસ્તંભનું પૂજન
આ ઐતિહાસિક પ્રસંગે 51 ફૂટનો કાંસાનો વિજયસ્તંભ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં આધ્યાત્મિકતા સાથે સામાજિક એકતાનું પ્રતીક રખાયું છે. આ પ્રસંગે રાજ્યભરના 15 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓને સ્કૂલબેગનું વિતરણ કરાયું હતું. 5 દિવસીય ઉત્સવમાં લાઇટિંગ શો, તેમ જ બાલ વાટિકા તૈયાર કરવામાં આવશે. સંપ્રદાયના 500થી વધારે સંતો આ કાર્યક્રમમાં જોડાશે. મહોત્સવ દરમિયાન વિવિધ યજ્ઞ, યાત્રા, અભિષેક, અન્નકૂટ, લાઇટ એન્ડ સાઉન્ડ શો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે.


