જૈન ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ દ્વારા કુમારપાળ દેસાઇને અહિંસા એવોર્ડ

Wednesday 23rd November 2022 06:38 EST
 
 

લંડનઃ જૈન ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના સંયુક્ત ઉપક્રમે હાઉસ ઓફ કોમન્સમાં અહિંસા દિવસની ઉજવણી કરવામાં આવી. કોવિડ મહામારીના કારણે ત્રણ વર્ષ બાદ યોજાયેલા પ્રત્યક્ષ કાર્યક્રમમાં ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર અને જૈનદર્શનના ચિંતક-વિચારક ડો. કુમારપાળ દેસાઇને અહિંસા એવોર્ડથી સન્માનિત કરાયા હતા. અહિંસા અને અનુકંપા એ જૈન ધર્મનો મહત્વનો સિદ્ધાંત છે અને આ વિચાર - સિદ્ધાંતોના પ્રચાર - પ્રસાર માટે પ્રશંસનીય પ્રદાન આપનાર મહાનુભાવને અહિંસા એવોર્ડથી સન્માનિત કરાય છે.

લંડનમાં નિવાસ કરતા બે જૈન શ્રમણીજીએ નવકારમંત્રનું ગાન કર્યું. એ પછી ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મેહુલ એચ. સંઘરાજકાએ હર મેજેસ્ટી ધ ક્વિનના નિધન અંગે ભારતીય મૂળના બ્રિટિશ વડાપ્રધાનની નિમણૂક અંગે તેમજ બર્મિંગહામમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ અને યુરોપિયન ચેમ્પિયનશીપમાં મેડલ મેળવનારી પ્રથમ જૈન કાયલે કોઠારી અંગે વાત કરી હતી.

ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિટીસના મિનિસ્ટર ઓફ ફેઈથ બાયબ્રૂકે મુખ્ય અતિથિ બેરોનેસ સ્કોટનું સ્વાગત કર્યું અને 2019માં હાઉસ ઓફ કોમન્સમાં થયેલા વિચારવિમર્શને યાદ કર્યો હતો. બેરોનેસ સ્કોટે વર્ષ 2022નો અહિંસા એવોર્ડ ડો. કુમારપાળ દેસાઈને એમના જૈનદર્શન, ગુજરાતી સાહિત્ય, શૈક્ષણિક પ્રદાન અને એન્સાયક્લોપીડિયા માટે એનાયત કર્યો હતો. એવોર્ડનો સ્વીકાર કરતી વખતે ડો. દેસાઈએ આયોજકોનો આભાર માન્યો હતો.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના ચેરમેન નેમુ ચંદરયા (OBE)એ કહ્યું કે ડો. કુમારપાળ દેસાઈએ ગુજરાતી અને જૈન ધર્મના શિક્ષણમાં અને સાહિત્યમાં મહત્વનું કાર્ય કર્યું છે. જૈન સાધુ-સાધ્વીઓને પણ એમના જ્ઞાનનો લાભ મળ્યો છે અને હવે પછીના વર્ષોમાં ઉત્તમ સ્વાસ્થ્ય સાથે સફળતા મેળવતા રહે તેવી શુભકામના વ્યક્ત કરી હતી.
સ્કૂલમાં ગુજરાતી અત્યંત આવશ્યકઃ ગેરથ થોમસ
આ પ્રસંગે સંસ્થાના ચેરમેન ગેરથ થોમસ - એમપીએ સહુનું સ્વાગત કર્યું હતું અને ભારત-યુકેના વ્યાપાર અંગે વાત કરીને કહ્યું હતું કે, બંને દેશોના સંબંધો બાંધવા માટે સ્કૂલમાં ગુજરાતી ભણાવવું અત્યંત આવશ્યક છે.
નેશનલ સ્ટેટેસ્ટીકના કોમ્યુનિટી આઉટરીચ અને એન્ગેજમેન્ટ ઓફિસની કામગીરી કરતાં એમિલી સ્ટીડસ્ટોને સેન્સસ અંગે છેલ્લામાં છેલ્લી માહિતી આપતાં કહ્યું કે, ધર્મ અને જાતિ અંગેની માહિતી થોડા અઠવાડિયામાં સહુને મળતી થઈ જશે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીએ આ સંસ્થા સાથે સહયોગ આપવાનું નક્કી કર્યું અને 2023માં યુકેના જૈનો અંગેની વસ્તીગણતરી અને એની વિશેષતાઓનું એનાલિસીસ પ્રગટ કરવાનું જાહેર કર્યું છે.
જૈન ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ પાર્ટીના ડેપ્યુટી ચેરમેન બોબ બ્લેકમન, એમપીએ વસ્તીગણતરીનું સ્વાગત કરતા કહ્યું કે આ માહિતીને લીધે જૈનોની ડાયેટરી, જૈનોની આહાર, શિક્ષણ અને કમ્યુનિટીની જરૂરિયાતો સંતોષાશે.
છેલ્લે યુનિવર્સિટી ઓફ બર્મિંગહામે ધર્મનાથ સ્વામી ચેર ઇન જૈન સ્ટડીઝની સ્થાપનાની ઘોષણા કરી હતી. આ માટે વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ, શાહ ફાઉન્ડેશન તેમજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીએ આપેલા સહયોગને સહુએ બિરદાવ્યો હતો. આની ઉજવણી કરતાં ફિલોસોફી, થિયોલોજી અને રીલિજીયન સ્કૂલના હેડ પ્રો. ચેરલોટ હેમ્પલે યુનિવર્સિટીના ધ્યેય અને વિઝનની વાત કરી હતી. જ્યારે પ્રોફેસર ઓફ ફિલોસોફી ઓફ રીલિજીયનના અધ્યાપક યુજીન નાગાસાવાએ બર્મિંગહામમાં થઈ રહેલા ફિલોસોફી અને ધર્મોના અભ્યાસ વિશે વાત કરી હતી.
યુનિવર્સિટીમાં જૈન ધર્મ પર પોસ્ટ ડોક્ટરલ રિસર્ચ કરનારા ડો. મેરી-હેલેન-ગોરીસે યુનિવર્સિટીમાં ભણાવાતા કોર્સ અંગે માહિતી આપી હતી. આગામી એકેડેમિક વર્ષમાં જૈન સ્ટડીઝના અભ્યાસક્રમની સાથે આસિસ્ટન્ટ પ્રોફેસરશીપ ઇન જૈન સ્ટડીઝ એન્ડ આસિસ્ટન્ટ પ્રોફેસરશીપ એથિક્સ ઓફ નોનવાયોલન્સ અને પોસ્ટ ડોક્ટરલ રિસર્ચ ફેલોશીપ જૈન સ્ટડીઝમાં અપાશે. કાર્યક્રમના અંતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના ટ્રસ્ટી શ્રી જયસુખ મહેતાએ આભારવિધિ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter