જૈન સમાજ માન્ચેસ્ટર દ્વારા દિવાળીની ઉજવણી અને વડીલ બહુમાન સમારંભ

પરિવારોની ચાર પેઢીઓ ઉજવણી માટે એક સાથે આવી હોય તેવો પ્રથમ પ્રસંગ

Tuesday 01st November 2022 07:54 EDT
 
 

જૈન સમાજ માન્ચેસ્ટર દ્વારા વિશેષ દિવાળી સાંજનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરચક કાર્યક્રમમાં 320 મહેમાનોએ સ્મરણીય અને અદ્ભૂત સાંજને માણી હતી. કોમ્યુનિટીના કોઈ ઈવેન્ટમાં પરિવારોની ચાર પેઢીઓ ઉજવણી માટે એક સાથે આવી હોય તેવો આ પ્રથમ પ્રસંગ બની રહ્યો હતો. આ વિશેષ કાર્યક્રમમાં ભારતીય સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી નિમિત્તે ધ્વજારોહણ કરાયું હતું અને તે પછી અદ્ભૂત વડીલ બહુમાન સમારંભ અને દીવાળીની ઉજવણીઓનો સમાવેશ થયો હતો.
વડીલ બહુમાન સમારંભ ખરેખર અનોખો બની રહ્યો હતો અને આ પ્રસંગ આ વર્ષના વાર્ષિક કાર્યક્રમની રૂપરેખામાં વિશેષ આયોજન તરીકે રખાયો હતો. ભારતીય સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીના પ્રસંગે ભારતીય સ્વાતંત્ર્યદિને અથવા તે પહેલા જન્મેલા (જેમની વય 75 વર્ષ અથવા તેથી વધુ થતી હોય) સમાજના વયોવૃદ્ધ સભ્યોએ કોમ્યુનિટીને આપેલા અપ્રતિમ યોગદાનની ઉજવણી કરવામાં આવી હતી.
જૈન સમાજ માન્ચેસ્ટર 40 વડીલોનું રજિસ્ટ્રેશન મેળવવાના સદ્ભાગી બન્યા હતા. સૌથી મોટા વડીલની વય 91 વર્ષની હતી. દરેક વયોવૃદ્ધ વડીલને તેમના પરિવારના એક પ્રતિનિધિ સાથે સ્ટેજ પર આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેમને સમાજ તરફથી આદરની ભાવના વ્યક્ત કરવાના પ્રતીક તરીકે અંગત સન્માનપત્ર, સન્માનના પ્રતીક સ્વરૂપ શાલ તેમજ ભારતીય રાષ્ટ્રધ્વજનો બેજ અર્પણ કરવામાં આવ્યાં હતાં. વડીલની સાથે સ્ટેજ પર આવેલા પારિવારિક પ્રતિનિધિએ સ્નેહ અને આભાર વ્યક્ત કરતા ઉષ્માસભર સંદેશાની રજૂઆતો પણ કરી હતી.
આ ઈવેન્ટમાં તમામ વયના લોકોએ દર્શનીય સંગીત, ઢોલના ખેલૈયાઓ અને બોલીવૂડના રજૂ કરાયેલા રંગબેરંગી ડાન્સ પરફોર્મન્સીસને માણ્યા હતા. ઘણા વયોવૃદ્ધ લોકો તેમના પ્રત્યેના આદરભાવ, ઉત્સાહ અને લાગણીથી રોમાંચિત થઈ ઉઠ્યા હતા અને આંખમાં ખુશી અને આનંદના આંસુ પણ છલકાયા હતા.
ઈવેન્ટના સ્પોન્સર્સે સ્મરણીય અને આનંદદાયી રાત્રિ બની રહેવાની ખાતરી સાથે રિબન કાપી, દીપ પ્રાગટ્ય અને ભારતીય રાષ્ટ્ર ધ્વજને લહેરાવી સમારંભનું ઉદ્ઘાટન કર્યું હતું. તમામ આમંત્રિતોએ બ્રિટિશ અને ભારતીય રાષ્ટ્રગીતોનું ગાયન કર્યું હતું.
જૈન સમાજ માન્ચેસ્ટર દ્વારા આ પવિત્ર દિવસે અને 40 વડીલો પ્રત્યે આદરભાવ દર્શાવવા ભારતમાં કતલખાનામાં જઈ રહેલી 40 પશુને બચાવવા ભારતીય ચેરિટીને સખાવત કરવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter