ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જૈન નેટવર્કના નેજા હેઠળ નોર્થ વેસ્ટ લંડનના કોલીન્ડલ સ્ટેશન નજીક બની રહેલ ભવ્ય જૈન સેન્ટરની ૨૭ ઓક્ટોબર, બુધવારના રોજ મુલાકાત લઇ ગૌરવ અનુભવ્યું હતું. એમની સાથે એમના મિત્ર શ્રી ચંદ્રકાન્ત શુક્લ પણ જોડાયા હતા. વ્યસ્ત સમયપત્રક હોવા છતાં સમય કાઢી સાકાર થઇ રહેલ આ સેન્ટરમાં રસ દાખવી વિજયભાઇએ એની વિગતવાર માહિતી અને વીઝન વિષે જાણકારી મેળવી હતી. ૬૪-૬૮ કોલીન્ડલ એવન્યુ, NW9 5DR ખાતે "૧૦૮ પાર્શ્વનાથ જીનાલય" અને ત્રણ માળનું બિલ્ડીંગ લગભગ પૂર્ણતાના આરે છે. હવે સેન્ટરની અંદરનું કામ ચાલી રહ્યું છે. ૨૦૨૩માં વસંતના વધામણા સમયે લગભગ એ પૂર્ણ થવાનો અંદાજ છે. એ વખતે મોટો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાની આશા રખાય છે.
૩૦,૦૦૦ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં અદ્ભૂત સ્થાપત્ય કલાના નમૂના સમુ સંગેમરમરનું જીનાલય સહિત મોડર્ન સેન્ટર બનશે. કોમ્યુનિટી સેન્ટરમાં ડીજીટલ અને પરંપરાગત પુસ્તકાલય, મલ્ટીફેઇથ સેન્ટર, કોન્ફરન્સ હોલ, બીઝનેસ સેન્ટર, રેસ્ટોરંટ, મીટીંગ રૂમો, ૫ મહેમાનો માટેની રૂમો સહિત અનેકવિધ સુવિધાઓથી સુસજ્જ અને પ્રવૃત્તિઓથી ધમધમતું બનશે. જૈન-જૈનેતર સૌ કોઇ માટે એ ધર્મ અને સંસ્કૃતિનું શૈક્ષણિક રિસોર્સીસ સેન્ટર, બીઝનેસીસ માટે નેટવર્કીંગ, યાત્રાધામ અને પ્રવાસીઓ માટેનું આકર્ષણ બની રહેશે. આ સદ્કાર્યમાં સૌનો આર્થિક,નૈતિક અને સક્રિય સાથ આવકાર્ય છે.
ભારત બહાર વિદેશમાં જૈન-હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના સંવર્ધન માટે આવું સુંદર કાર્ય કરી રહેલ નેટવર્કના ચેરમેન અને સી.ઇ.ઓ. ડો.નટુભાઇ શાહMBE ૯૦ વર્ષની વયે સક્રિય બની સમાજમાં શાંતિ અને મૈત્રીનો સંદેશ ફેલાવવા અમૂલ્ય પ્રદાન આપી રહ્યા છે એ માટે શ્રી વિજયભાઇએ ધન્યવાદ આપ્યા હતા. એમની સાથે ટ્રસ્ટીઓ વિજયભાઇ શાહ, ડો.સતીષ રાન્કા, બીનાબેન હોલ્ડન વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.