જૈનાચાર્ય લોકેશ મુનિને અમેરિકન પ્રેસિડેન્ટ એવોર્ડ

Sunday 21st April 2024 10:39 EDT
 
 

વોશિંગ્ટનઃ અહિંસા વિશ્વ ભારતી અને વર્લ્ડ પીસ સેન્ટરના સ્થાપક તથા જૈન સમાજના આચાર્ય લોકેશ મુનિનું વોશિંગ્ટન ડીસીના કેપિટોલ હિલ ખાતે અમેરિકન પ્રેસિડેન્ટ એવોર્ડ દ્વારા સન્માન કરાયું હતું. અમેરિકન પ્રેસિડેન્ટ એવોર્ડથી સન્માન પ્રાપ્ત કરનારા લોકેશ મુનિ સૌ પ્રથમ ભારતીય સંત બન્યા છે. સન્માનના ભાગરૂપે તેમને પ્રેસિડેન્ટ એવોર્ડ, એક ગોલ્ડન શિલ્ડ અને રાષ્ટ્રપતિ જો બાઈડેનના હસ્તાક્ષરવાળું સન્માનપત્ર, પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ અંગે અહિંસા વિશ્વભારતી દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આ સન્માન સમારંભમાં યુએસ કોંગ્રેસમેન (સાંસદ) બ્રાડ શર્મન દ્વારા પ્રશંસાપત્ર અને પ્રશસ્તિપત્ર વાંચી સંભળાવવામાં આવ્યા હતા.

પોતાના હસ્તાક્ષરવાળા પ્રશસ્તિપત્રમાં અમેરિકાના પ્રમુખ બાઈડને જૈનાચાર્ય લોકેશ મુનિના માનવતાવાદી કાર્યોને બિરદાવતા લખ્યું હતું કે પ્રજા કલ્યાણના કાર્યો માટે યોગદાન આપવા બદલ હું તમને અભિનંદન આપુ છું અને આ મહાન દેશ અને માનવતાની સેવા કરવા બદલ પણ હું તમને અભિનંદન આપું છું.

વૈશ્વિક શાંતિ માટે લોકેશ મુનિની પ્રશંસા કરતાં બાઈડેને વધુમાં લખ્યું હતું કે તમે તમામ પડકારોનો ઉકેલ લાવવામાં મદદ કરી રહ્યા છો, અને વિશેષ કરીને અત્યારે તો સૌથી વધુ ઉકેલની જરૂર છે. અમે એવી ક્ષણોમાં જીવી રહ્યા છીએ જેમાં આશા, પ્રકાશ અને પ્રેમની વિશેષ જરૂર પડી છે, અને તમે આ ત્રણેય પૂરી પાડી રહ્યા છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter