હ્યુસ્ટનઃ એકતા, સેવા અને સાંસ્કૃતિક સાતત્યતાના સહભાગી વિઝનને દર્શાવતા હ્યુસ્ટનના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરે નવા ઉદ્ઘાટન કરાયેલા ટેક્સાસ હિન્દુ કેમ્પસાઈટ ખાતે હ્યુસ્ટનમાં 40થી વધુ હિન્દુ મંદિર અને સંસ્થાઓની છત્રસંસ્થા હિન્દુઝ ઓફ ગ્રેટર હ્યુસ્ટન સાથે સહકાર અને સંવાદદિનમાં ભાગ લીધો હતો. આ મેળાવડો સેવાની પહેલ અને યુનિટી ફોરમ સ્વરૂપે કાર્યરત હતો, જેના થકી હિન્દુ મૂલ્યો અને સામુદાયિક બંધનોને મજબૂત બનાવવાના સામૂહિક પ્રયાસોનો પુનરુચ્ચાર કરાયો હતો.
નિઃસ્વાર્થ સેવાની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરતા BAPS હ્યુસ્ટન દ્વારા યુનાઈટેડ સ્ટેટ્સમાં ભાવિ પેઢીઓ માટે હિન્દુ મૂલ્યોના સમર્થન અને જતનના મિશન સાથે સ્થપાયેલા પ્રથમ અને એકમાત્ર હિન્દુ કેમ્પસાઈટ ટેક્સાસ હિન્દુ કેમ્પસાઈટને અનેક યુથ ટ્રેઈલર્સનું દાન અપાયું હતું. આ ટ્રેઈલર્સ હિન્દુ યુવાનો માટે શૈક્ષણિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રોગ્રામ્સ યોજવા કેમ્પસાઈટની ક્ષમતાને વધારશે. આ સેવાકાર્ય સાથી સંસ્થાઓને સપોર્ટ અને હિન્દુ સમુદાયને વ્યાપકપણે લાભકારી સહભાઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવાની BAPSની દીર્ઘકાલીન નૈતિકતાને પ્રદર્શિત કરે છે.
કેમ્પસાઈટના સ્થાપકો અને પ્રાઈમરી દાતાઓ સુભાષભાઈ ગુપ્તા અને સરોજિની ગુપ્તાએ આ સામૂહિક પ્રયાસને બિરદાવવા ડે ઓફ ગ્રેટિટ્યૂડનું આયોજન કર્યું હતું જેમાં BAPSના વરિષ્ઠ નેતાઓ અને વોલન્ટીઅર્સની સાથે 60થી વધુ દાતાઓને આમંત્રિત કર્યા હતા.
આ ઈવેન્ટમાં હિન્દુ સંસ્થાઓમાં સંવાદ અને સહકારને વિસ્તારવા માટે BAPSના વર્તમાન ઈનિશિયેટિવ 2026 યુનિટી ફોરમનો પણ સમાવેશ કરાયો હતો. 49થી વધુ મંદિર અને હિન્દુ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને 200થી વધુ અગ્રણીઓ વિચારોના વિનિમય, સામાન્ય પડકારોની ચર્ચા તેમજ માનવતાવાદી સેવા પ્રોજેક્ટ્સથી માંડી યુવાશિક્ષણ અને નેતૃત્વના વિકાસ અર્થે સહકારની તકો નિહાળવા એકત્ર થયા હતા.
આ સભાને સંબોધિત કરતા હ્યુસ્ટનના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના મુખ્ય સ્વામી પૂજ્ય શ્વેતમુનિદાસ સ્વામીએ વ્યાપક કલ્યાણાર્થે સાથે મળીને કામ કરવાની આધ્યાત્મિક આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે મૂલ્યોના મૂળમાં રહેલી એકતા કોમ્યુનિટીઓને વધુ અસરકારક અને ટકાઉ રીતે સમાજની સેવા કરવાને શક્તિમાન બનાવે છે. ભક્તિવર્ધનદાસ સ્વામીએ હિન્દુ મૂલ્યોના જતનના મહત્ત્વ તેમજ હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ મૂલ્યો અને આધ્યાત્મિકતાને આગામી પેઢીઓ સુધી પહોંચાડવા વિશે જણાવ્યું હતું. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આત્મસાત કરેલા માનવતા માટે નિઃસ્વાર્થ પ્રેમ શક્તિશાળી ઐક્યબળ સ્વરૂપે કાર્ય કરે છે તેમ પણ જણાવ્યું હતું.
ટેક્સાસ હિન્દુ કેમ્પસાઈટ ખાતે ઘણી હિન્દુ સંસ્થાઓની ઉપસ્થિતિ એકતા, સેવા અને સાંસ્કૃતિક સાતત્ય પ્રતિ સમુદાયની સામૂહિક પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે. યુનિટી ફોરમ જેવા ઈનિશિયેટિવ અને સેવાના સહભાગી કાર્યો થકી BAPS હ્યુસ્ટન અને તેના પાર્ટનર્સ ભાવિ પેઢીઓ માટે મજબૂત પાયાનું નિર્માણ કરી રહ્યા છે.


