ટોરોન્ટોઃ કેનેડાના ઓન્ટારિયોના ટોરોન્ટોસ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શુક્રવાર 16 ઓક્ટોબર 2026ના દિવસે નોર્થ અમેરિકન સત્સંગના ઈતિહાસમાં ઐતિહાસિક આધ્યાત્મિક સીમાચિહ્ન સર્જાયું હતુ. BAPS ટોરોન્ટો દ્વારા શ્રી નીલકંઠ વર્ણીની 49 ફૂટ ઊંચાઈની તપોમૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે વરચ્યુઅલ હાજરી આપી હતી.
ભગવાન સ્વામિનારાયણના યુવા સ્વરૂપ તપસ્વી નીલકંઠ વર્ણીની 49 ફૂટની ભવ્ય તપોમૂર્તિના પ્રતિષ્ઠા મહોત્સવમાં હરિભક્તો ઉમટ્યા હતા. સદ્ગુરુ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામીની ઉપસ્થિતિમાં આ પવિત્ર સમારંભ યોજાયો હતો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે વીડિયો કોન્ફરન્સિંગ મારફત સમારંભમાં ભાગ લીધો હતો અને આ પ્રસંગ અને બાવિક ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા.
ટોરોન્ટોસ્થિત ભારતના કોન્સલ જનરલ મહાવીર સિંઘવીએ સમારંભમાં ઉપસ્થિત રહી આ ભવ્ય પ્રસંગે મંદિરના સત્તાવાળાઓ અને હરિભક્તોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કોમ્યુનિટીની સેવા, આધ્યાત્મિક સમૃદ્ધિ અને ભાૈરતીય સંસ્કૃતિના જતનમાં મંદિરના યોગદાનને બિરદાવી કરુણા, સુસંવાદિતા અને મજબૂત સામુદાયુક બંધનને વિકસાવવામાં ધર્મ આધારિત સંસ્થાઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાથર્યો હતો.
ઓન્ટારિયોના એસોસિયેટ એટર્ની જનરલ ડો. માઈકલ એ. ટિબોલો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સમર્પણ અને આદર સાથે મહત્ત્વપૂર્ણ આધ્યાત્મિક સીમાચિહ્નના આ સમારંભમાં સંતો અને હરિભક્તો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.


